Posted in હળવે હૈયે

માણસ જોઈએ છે !

આજે એક દુકાનની ભીંત પર ‘માણસ જોઈએ છે‘ લખેલી જાહેરખબર વાંચવા મળી. આ જાહેરાત વાંચીને મારું મન ચકડોળે ચડ્યું, એ દુકાનદારને કદાચ દુકાનમાં કામ કરવા માટે કોઈ વ્યક્તિ મળી જશે. પરંતુ આપણો દેશ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના હાથમાં ‘માણસ જોઈએ છે’ લખેલું બોર્ડ લઈને ફરે છે, તેને કોઈ માણસ મળશે ?

માણસ ખરેખર કેવો હોવો જોઈએ, આપણે બધા માણસની વ્યાખ્યામાં આવીએ છીએ ? માણસ તરીકે જન્મ આપીને માલિકે આપણા હાથમાં આ સુંદર અને વિશાળ પૃથ્વી મૂકી દીધી છે પરંતુ આપણે ધર્મ , નાતજાત , ભાષા , પ્રાંત, વગેરે જેવા નાના નાના વાડાઓમાં જ રહેવાનું પસંદ કર્યું છે.

બ્રાહ્મણો પર કોઈ હાનિ થાઈ તો તેનો વિરોધ માત્ર બ્રાહ્મણો જ કરશે, દલિતો પરના અત્યાચારનો વિરોધ માત્ર દલિતો કરશે, ઇસ્લામ વિરોધી ફિલ્મ બને તેનો વિરોધ માત્ર મુસ્લિમોએ જ કરવો પડે. કદાચ આ જ આપણા દેશની સૌથી મોટી કરુણતા કહી શકાય. આપણે સહુએ આપણા મનમાં  પેલી અદ્રશ્ય વાડ બનાવી લીધી છે, આ વાડ ઓળંગવાની કોઈ હિંમત કરતુ નથી.

ટટ્ટાર મસ્તક રાખીને ફરતા આપણે સહુએ એક વાર ડોક નમાવીને આપણા ટી-શર્ટ પર લખેલું વાક્ય ‘being human’ નો સાચો મતલબ જાણવાની કોશિશ કરવી જોઈએ.

Posted in હળવે હૈયે

માટીનો સ્પર્શ

થોડા દિવસ પહેલા હું લાઈબ્રેરીના બગીચામાં ખુલ્લાપગે આમતેમ બેચાર ડગલા ચાલતો હતો ત્યારે ત્યાં આવી ચડેલા મારા મિત્રે મને કહ્યું કે ” આ શું , ઉઘાડા પગે ચાલવાની પ્રેક્ટીસ કરે છે કે ?”  મેં કહ્યું “ના દોસ્ત , આ તો જરા માટીનો સ્પર્શ લઉં છું.” Continue reading “માટીનો સ્પર્શ”

Posted in હળવે હૈયે

બાળકોને…

          હમણાં થોડા દિવસ પહેલા મુસાફરી દરમ્યાન એક અનુભવ થયો.આમ તો એ કદાચ રોજીંદી ઘટના કહેવાય છતાં મને કહેવા યોગ્ય લાગી તેથી અહી લખી રહ્યો છું. હું અમદાવાદથી  ટ્રેન માં જુનાગઢ આવી રહ્યો હતો ,ટ્રેનમાં બહુ ગીર્દી ન હતી ,હું બારી પાસે બેઠો હતો મારી સામેની તેમજ મારી સીટ ની બાજુની સીટ પણ આખી ખાલી હતી ,વિરમગામથી બે મહિલા અને ત્રણ બાળકો ડબ્બામાં ચઢ્યા .દેખાવે તે સારા અને સુખી ઘરના લાગતા હતા.જેમાંથી પેલા ત્રણેય બાળકો મારી સામેની સીટમાં બેઠા અને પેલી બંને મહિલા બાજુની ખાલી સીટમાં બેઠી.મારી સામે બેઠેલા ત્રણ બાળકોમાંથી એક છોકરો જે આશરે નવ દશ વર્ષનો હશે તે બારી પાસે બેઠો .ટ્રેન ચાલુ થઇ થોડી વાર પછી ટ્રેને ગતિ પકડી ,હું જે બારી પાસે બેઠો હતો ત્યાંથી અને પેલા છોકરા પાસેની બારીમાંથી થોડો તડકો અને સરસ હવા આવતી હતી. ત્યાજ અચાનક પેલી બે મહિલા માંથી એક મહિલા ઉઠીને ઝડપથી પેલા છોકરા પાસે આવીને કહેવા લાગી, “અરે બેટા બારી બંધ કર , જો કેવો પવન ને તડકો આવે છે તારી ‘સ્કીન ડ્રાય’ થઇ જશે ” આટલું બોલી તે મહિલાએ જાતે પેલી બારી બંધ કરી પોતાની સીટ પર  જઇને બેસી ગઈ.  

          બસ ઘટના તો આટલી નાની જ હતી, હાલ માતાપિતા પોતાના બાળકો ની બાબતમાં સજાગ થયા છે તે સારી વાત છે પણ તેઓ સજાગતાનો અતિરેક તો નથી કરતા ને ? બાળકોની  નાની નાની બાબતોમાં દરમ્યાનગીરી કરી બાળકના વિકાસમાં અવરોધ તો ઉભા કરતા નથી ને ? બાળકો આ ઉમરે કુદરત ના ખોળે નહિ રમે તો ક્યારે રમશે ?  પેલો છોકરો દેખાવે ‘સોહામણો ‘ હતો તેની ના નહિ વળી પેલી મહિલાની ભાષા અને દેખાવ પરથી કહી શકું કે તે છોકરો અભ્યાસમાં પણ હોશિયાર હશે પણ પોતાના બાળકો પર નાનો સરખો તડકો પણ પડવા દેતા નથી એ વાલી આ બાળકોને વરસાદમાં ન્હાવાનો લ્હાવો તો  ક્યાંથી આપતા હોય ?

          એ વરસાદમાં ન્હાવું ! ધોમધખતા તડકામાં રમવું , નદી -ચેકડેમમાં એ ધુબાકા, કડકડતી ઠંડીમાં રાત્રે તાપણું કરીને બેસવું , જાંબુના ઝાડપર ચડવું ,પડવું ,મિત્રો સાથે અહી તહી ભમવું ,ગિલ્લીદંડા , નાગોલ ,પતંગ ,ક્રિકેટ , આ હા હા ! શું લખવું ને  શું ન લખવું ,લખવા બેસું તો પાનાઓ ના પાના ભરાઈ જાય.

          હું મારા શૈશવમાં ભરપુર જીવ્યો છુ. સાચું કહું તો મારી જિંદગીનું આ જ સોનેરી સંભારણું છે. એ દિવસો અત્યારે વાગોળવા ગમે છે ,યાદ કરવા ગમે છે. અત્યારે એ દિવસો હું શોધું છું પણ એ દિવસો ક્યાં પાછા આવવાના ?

           માતાપિતાને મારે એજ કહેવું છે કે તમારા બાળકો પોતાની પાછલી જિંદગીમાં કશું યાદ કરી શકે એવું એમને કરવા દો, એમને રમવા દો -મિત્રો સાથે ,કુદરત સાથે…..

                છેલ્લે ચિનુ મોદી નો એક શેર ,

                                       “આભ ગોરંભાય ત્યાં તો બારી વાસી દે તરત

                                         એમને “ઈર્શાદ ” ક્યાં સંભારવા   વરસાદમાં “