Posted in મારા રમુજ લેખો

અમારા કહ્યામાં નથી….

જે માતાપિતા પોતાના બાળકોને વખતસર કશું કહેતા નથી તેઓ આગળ જતા કોઈને કશું કહેવા જેવા રહેતા નથી અને પછી છાપાઓમાં ‘અમારો પુત્ર કે પુત્રી અમારા કહ્યામાં નથી, તેની સાથે કોઈપણ પ્રકારના વ્યવહારની જવાબદારી અમારી રહેશે નહિ જેની સર્વે નોંધ લેવી’ એ મતલબની જાહેરખબર આપતા હોય છે. આવા બંટી કે બબલી નાના હોય ત્યારે જ તેના પરાક્રમની નોંધ આડોશીપાડોશી લેતા હોય છે ને બંટી કે બબલીના માતાપિતાના માથે ટકોરા પણ મારતા હોય છે કે આ તમારા નંગને વારો, પણ જેમ પેલા ટ્રાફિક પોલીસ આપણને સીટી મારે છે છતાં આપણે જાણીજોઈને અજાણ્યાં બનવાનો ઢોંગ કરીએ છીએ તેવી રીતે આવા માતાપિતા બાળકોને વઢવાનો ઢોંગ કરે છે, એ સમયે માતાપિતાને પોતાના બાળકો નિરુપદ્રવી અને રંજાડ વિનાના,લાગે છે. પણ મોટા થઈને આવા બંટી કે બબલી પોતાના બાપનું કરી નાખે ત્યારે જ બાપની આંખ ઉઘડે છે ને ઘરમાંથી મહામહેનતે પોતાના પુત્ર કે પુત્રીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો શોધીને છાપાની ઓફિસે દોડે છે, અને પોતાના હાથ ખંખેરી નાખીને પોતાના આવા નમૂનાઓને બીજાઓને ખંખેરવાની પરવાનગી આપી દે છે. ઘણા કિસ્સાઓમાં તો માતાપિતા જયારે છાપામાં પોતાના સંતાનોની જાહેરખબર ‘લગ્નગ્રંથીથી જોડાયા છીએ’ વાંચે ત્યારે જ ખબર પડે છે કે આ બારકસ આપણા કહ્યામાં ન હતો, માત્ર કહ્યામાં હોવાનો ડોળ કરતો હતો.
જો કે આવા માતાપિતા થોડા નશીબદાર ખરા, કારણ કે તેઓ પોતાના સંતાનોની જાહેરખબર આપીને જવાબદારીમાંથી છટકી શકે છે, મારા એક ઓળખીતા યુવાનના પિતા ગમે ત્યારે ગમે તેનું ‘કરી’ નાખે છે, પછી એ બધાને ‘ભરી’ આપવાનું પેલા યુવાને કરવું પડે છે. તે યુવાને એકવાર મને પૂછેલું કે આનું શું કરવું ? જો કે આનો ઉકેલ મારી પાસે પણ ન હતો, આવા કિસ્સામાં ‘મારો બાપ મારા કહ્યામાં નથી’ એવા મતલબની જાહેરાત છપાવવી શોભાસ્પદ નથી. કોઈ અપરાધીનો પુત્ર સારો અને સંસ્કારી પાકે તો તે અપરાધી એવી જાહેરાત આપી શકતો નથી કે ‘અમારા કહ્યામાં નથી’ બાજુના ફોટાવાળા ભાઈ તે અમારા પુત્ર ફલાણા ફલાણા ઉ.વ. રપ તે અમારા બાપદાદાના ધંધાથી વિમુખ થઇ ગયા છે, ગાળ કે અપશબ્દ બોલતા નથી, મારામારી, ચોરી, અપહરણ કે દારૂનું વેચાણ વગેરેને પાપ ગણીને અમારા બાપદાદાના વખતથી ચાલી આવતી આબરૂમાં ધૂળ નાખી છે, અને અમારા ધંધાનું ઉઠમણું કરવા બેઠો છે. હજુ સુધી એક પણ વ્યક્તિનો કાઠલો ન પકડીને ગામમાં અમારી ફજેતી કરીછે, તેથી આપણાં સમાજના સર્વે વ્યક્તિઓને જાણ કરવાની કે આ વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારના વ્યવહારની અમો જવાબદારી લેતા નથી, અમારા નામે કોઈ દાનપુણ્યનું કાર્ય કરે તેની કોઈ જવાબદારી અમારી રહેશે નહિ જેની સર્વે નોંધ લેવી. લી. ફલાણા ફલાણા.
માણસ પોતાની નજર દોડાવે તો તરત ખ્યાલ આવે કે આ દુનિયામાં લગભગ કોઈ કોઈના કહ્યામાં નથી ! અમુક વ્યક્તિનું પેટ જોતા જ ખ્યાલ આવી જાય કે આ ભાઈની જીભ તેના કહ્યામાં નથી. ઘરમાં હાલતા ચાલતા ગાળ કે માર ખાધા કરતા પતિ કે પત્નીની જીભ પણ કહ્યામાં હોતી નથી.
હાલના યુગમાં કેટલીક સાસુઓની જીભ પણ કહ્યામાં રહેતી નથી, પરિણામે ઘણીવાર તેણે દવાખાનામાં જવું પડે છે. દીકરાને પરણાવ્યાં પછી મમ્મીને એમ લાગે છે કે દીકરો હવે મારા કહ્યામાં નથી સામા પક્ષે દીકરાની પત્નીને પણ એમજ લાગે કે ધણી મારા કીધામાં નથી ! આમ પેલો લીધા દીધા વિનાનો સલવાય જાય છે ને પછી મમ્મી કે પત્ની કોઈના કીધામાં રહેતો નથી અને મિત્રોમાં ‘લગ્ન કરતા નહિ‘ એવા મતલબની મૌખિક જાહેરાતો કરતો ફરે છે, છતાં તેના કુંવારા મિત્રો કહ્યામાં રહેતા નથી ને પછી કશામાં રહેતા નથી !
યુવાનીમાં છોકરા છોકરીઓના દિલ પણ કહ્યામાં રહેતા નથી પરિણામે પૈસા, પેટ્રોલ, પગ અને પપ્પા ઉપર હંમેશા લટકતી તલવાર રહે છે. કવિઓ અને નેતાઓ માઈક સામે આવે છે ત્યારે કહ્યામાં રહેતા નથી ને શ્રોતાઓની સહનશક્તિને અશક્તિ આવી જતા તેઓ કહ્યા વિના આગળ નીકળી જાય છે. ચૂંટણી લડી રહેલા દરેક નેતાને પ્રજા કહ્યાગરી જ લાગે છે પણ પરિણામ પછી જ તેને ખબર પડે છે કે સાલી પ્રજા આપણાં કહ્યામાં ન હતી. માણસ વ્યસનો, ખાણીપીણીની બાબતમાં કોઈના કહ્યામાં રહેતો નથી પછી લાંબા બિલ જોઈને તેને ખ્યાલ આવે છે કે ડોક્ટર આપણા કહ્યામાં નથી.
ભરબઝારે ખુંટીયા શીંગડે આવતા હોય ત્યારે આપણે ‘ભાગું તો મારી ભોમકા લાજે’ ગાવાને બદલે જે ગલી નજીક પડતી હોય તે પકડી લેતા હોઈએ છીએ, કારણ કે આપણને ખબર છે કે એ બાપા કોઈના કીધામાં નથી. ગમે તેવો મૂંછાળો માણસ હોય કે એરિયાનો માથાભારે દાદો હોય, આ ખુંટીયા શીંગડે ચડે ત્યારે તેઓ પણ સલામત સ્થળે, ગમે તે ક્ષણે ભાગી શકાય તેવી સ્થિતિમાં ઉભા રહી જાય છે કારણ કે તેને ખબર છે કે આની સામે ન થવાય, આપણાં સીન વિખાય જાય.
મચ્છર, માંદગી અને મોંઘવારી આ ત્રણેય પણ કોઈના કહ્યામાં નથી, જેમાં મચ્છર એ નાના બાળક જેવા છે, તમે ગમેતેમ કરો એ પોતાનું ધાર્યું જ કરે છે, માંદગી એ યુવાની જેવી છે, યુવાન ઘરમાં ઈચ્છા થાય ત્યારે આવે છે અને ઈચ્છા થાય ત્યારે બહાર જાય છે તેવી જ રીતે માંદગી પણ પોતાની ઈચ્છા મૂજબ આવે છે અને પોતાની ઈચ્છા મૂજબ જાય છે, મોંઘવારી એ ઘડપણ જેવી છે એક વાર આવ્યા પછી આવતી જ રહે છે પાછી જતી નથી !
‘તમારા ગ્રહો તમારા કહ્યામાં નથી’ એવું જણાવીને જ્યોતિષો આપણા ગ્રહોને આપણી મરજી મૂજબ ફરતા કરવા માટે વિવિધ વિધિઓ કરે છે ત્યારે આપણું ખિસ્સું આપણાં કહ્યામાં રહેતું નથી. વેધર એનાલિસ્ટો કે હવામાન શાસ્ત્રીઓ તગડો પગાર લઈને અત્યંત ચીવટપૂર્વક આગાહી કરતા હોય છે. પરંતુ વરસાદ કે વાવાઝોડા એમના કહ્યામાં રહેતા નથી. દાઢી અને માથાના વાળ પણ આપણા કહ્યામાં નહિ પરંતુ વાળંદના કહ્યામાં હોય એમ લાગ્યા કરે છે. માણસ અમુક ઉમરે પહોંચે પછી તેના હાથપગના સાંધા કહ્યામાં રહેતા નથી. ઘણા ડ્રાઈવરો ‘નશો કરીને વાહન ચલાવવું નહિ’ એવી જાહેરાતો વાંચીને કહ્યામાં રહેતા નથી, પછી તેનું વાહન તેના કહ્યામાં રહેતુ નથી. ભીડ જોઈને ખિસ્સાકાતરુંના હાથ કહ્યામાં રહેતા નથી ને પકડાય ત્યારે પોલીસવાળના હાથ કહ્યામાં રહેતા નથી. કુટુંબ નિયોજનનું આયોજન બગાડી નાખીને ચારપાંચ બાળકોને જન્મ આપનાર માણસો પણ કોઈના કહ્યામાં હોતા નથી. ‘અહી પેશાબ કરવો નહિ’ એવું વાંચીને પણ ઘણા માણસો કહ્યામાં રહેતા નથી.
જો કે આ સમસ્યા માત્ર પ્રવર્તમાન સમયની જ નથી, ભૂતકાળમાં ડોકિયું કરો તો રાવણને મંદોદરી અને વિભિષણે ઘણો સમજાવેલો પણ તે કોઈના કહ્યામાં ન હતો. અકબર પણ સ્ત્રીઓની બાબતમાં કોઈના કહ્યામાં ન હતો તેથી સ્વાભાવિકપણે જ તેનો પુત્ર જહાંગીર ઉર્ફે સલીમ પણ બાપ ઉપર ગયો, તેના કારણે જ અનારકલીએ ગામ છોડવું પડ્યું હતું અને નૂરજહાંના પહેલા પતિએ જીવ છોડવો પડ્યો હતો. જહાંગીરનો પુત્ર ખુરમ ઉર્ફે શાહજહાં ‘અબુલ મુઝફ્ફર શીહ્બુદ્દીન મુહમ્મદ સાહિબ કિરાન-ઈ-સાની શાહજહાં પાદશાહ ગાઝી’ આવું બિરુદ ધારણ કરીને તખ્ત પર બેઠેલો. આ બિરુદ વાંચીને જ આપણને ખબર પડી જાય કે એ કોઈના કહ્યામાં રહ્યો નહિ હોય. ચૌદમૂ સંતાનને જન્મ દેતી વેળા તેની પત્ની મુમતાઝે લાંબી વાટ પકડેલી. મુમતાઝના મૃત્ય પછીય એ કોઈના કહ્યામાં ન રહ્યો પરિણામે એ સમયમાં લાખોના ખર્ચે તાજમહાલનું નિર્માણ થયું. તાજમહાલના કારીગરોએ શાહજહાંને ઘણી વિનવણી કરી પણ એ કોઈના કહ્યામાં ન હતો તેથી કારીગરોના હાથ કપાવી નાખેલા. આ શાહજહાંનો પુત્ર ઔરંગઝેબ પોતાના બાપ દાદાઓની હાલત જોઈને સ્ત્રીઓની બાબતમાં સીધો રહ્યો પણ યુદ્ધની બાબતમાં કોઈના કહ્યામાં રહ્યો નહિ ને મુઘલવંશનું ઉઠમણું કરી નાખ્યું. અમારા જુનાગઢના નવાબ માં’બાત ખાન પણ પ્રજાના કહ્યામાં ન રહ્યો એટલે પાકિસ્તાન ભેગો થયેલો. અને આ પાકિસ્તાન ક્યાં ભારતના કહ્યામાં રહે છે.
આજે લગભગ દરેક માણસની ફરિયાદ હોય છે ‘લક્ષ્મી આપણાં કહ્યામાં નથી’, દર ચોથા દિવસે આપણે એક નવી માંગણી ભગવાન પાસે મૂકીએ છીએ. પછી કહેતા ફરીએ છીએ ‘ભગવાન આપણાં કહ્યામાં નથી’.
લ્યો, ત્યારે અહી જ વિરમું, વળી પાછા તમે કહેશો કે આ કોઈના કહ્યામાં નથી !

One thought on “અમારા કહ્યામાં નથી….

  1. ખુબ સરસ વાત કહી છે. પહેલા માંબાપ છોકરાને બગાડે ને પછી છોકરા માંબાપને ભગાડે !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.