Posted in મારી વાર્તાઓ

વળાંક

‘શું શું જોઈશે ?’ સોહામણા દેખાતા યુવકે પૂછ્યું.
‘તમારા બંનેનું લીવીંગ સર્ટી, ચૂંટણીકાર્ડ, એક બંનેનો કમર સુધીનો ફોટો, અને એક છોકરીનું સોગંધનામું બસ આટલું જ’ એડવોકેટ નિશાંતે જવાબ આપ્યો.
‘કેટલો સમય લાગશે ?’ બીજો પ્રશ્ન થયો, સામે જવાબ તૈયાર જ હતો ‘તું ડોક્યુમેન્ટ્સ આપ એટલે તરત જ’.
‘પછી કોઈ તકલીફ ….’ યુવક મૂંઝવણમાં લાગતો હતો. એડવોકેટ નિશાંત યુવકની મનોસ્થિતિ પામી ગયો, તેણે યુવકના ખભ્ભા પર હાથ રાખીને કહ્યું, ‘દોસ્ત, તું નાહક ચિંતા ન કર, મારી પાસે તું પહેલો નથી, આની પહેલા મેં અનેકના સિવિલમેરેજ કરાવી દીધા છે, અને કાયદાકીય રીતે તને કોઈ ‘ટચ‘ પણ નહિ કરી શકે તેની જવાબદારી મારી, તું નિશ્ચિંત રે, બધા ડોક્યુમેન્ટ્સ લઈને મારી પાસે આવી જા, તારું કામ થઇ જશે’.
વાત પણ ખરી હતી, નિશાંતે આવા અનેક યુવાનોને તેની મંઝીલ સુધી પહોચાડ્યા હતા. પોતાની પ્રેક્ટીસ શરૂ કર્યા ના થોડા સમયમાં જ નિશાંતને સિવિલમેરેજ કરાવવામાં ‘ફાવટ’ આવી ગઈ હતી. નિશાંત પોતાના કાર્યમાં રતીભાર પણ કચાસ રાખતો નહિ, પૂરેપુરી ચીવટ અને હોશિયારીથી પોતાનું કાર્ય પાર પાડતો. નિશાંત પોતાના કાર્યને સંપૂર્ણ વફાદાર રહેતો, તેની પાસે આવતા યુવક યુવતીની અંગત બાબતોમાં તે ક્યારેય રસ લેતો નહિ, એક વાર કામ પત્યા પછી તે યુવક યુવતીને ભૂલી જતો. બીજા વકિલમિત્રો પણ પોતાનું ‘કમિશન’ લઈને આવા કેસ નિશાંતને સોંપતા. નિશાંત પોતાના નામ પ્રમાણેનું કામ કરી બતાવતો. તેથી જ તો આખી કોર્ટમાં સિવિલમેરેજ માટે નિશાંતનું નામ ગૂંજતું થયું હતું.
ઘણીવાર આછીપાતળી ઓળખાણ ધરાવતી યુવતી પણ નિશાંત પાસે આવી ચડતી, અને નિશાંતને જોઈને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જતી, પણ નિશાંત તેની સામે અજાણ્યો જ બની રહેતો. યુવતીની વિદાય પછી નિશાંતના વકિલમિત્રો વચ્ચે ચર્ચા થતી કે પેલી યુવતી ફલાણાભાઈની દીકરી હતી, ત્યારે નિશાંત કહેતો કે આપણે તેના માટે અજાણ્યા છીએ અને અજાણ્યા જ રહેવા જોઈએ. આવી બાબતે નિશાંત હસીને કહેતો “ઘોડા ગર ઘાસ સે દોસ્તી કર લેગા તો ખાયેગા ક્યાં“ અને આજુબાજુ હાસ્યનું મોજું ફરી વળતું.
નિશાંત અને તેની ટીમનો વણલખ્યો નિયમ હતો કે લીવીંગ સર્ટીમાં યુવક યુવતીનું માત્ર નામ જ જોવાનું, તેની અટક કે તેના પિતાનું નામ નહિ, સરનામું લખ્યા પહેલા ભૂલી જવાનું અને તે પ્રેમીપંખીડા ક્યાંથી ઉડ્યા અને ક્યાં ગયા તેની કશી ખબર નહિ રાખવાની.
આ નિશાંત આજે ઘરે બેઠો છે. પોતાનો નિયમ હતો કે પોતાનું કામ પતે પછી યુવક યુવતીના ચહેરા ભૂલી જવાના, છતાં આજે નિશાંત પ્રયત્ન પૂર્વક એ યુવતીઓના ચહેરા યાદ કરી રહ્યો હતો. અનેક યુવતીઓ તેની પાસે આવેલી, કોઈ સામાન્ય દેખાવની, કોઈ સુંદર, કોઈક પાતળી તો કોઈ જાડી, અનેક પ્રકારના ચહેરા નિશાંતની આંખો સામે તરવરી ઉઠયા. જાણે વર્ષોથી બંધ પડેલા કબાટમાંથી કોઈ જુના, જર્જરિત, ફોટાઓ નીકળી પડે તેમ નિશાંતની આંખો સામે અનેક ચહેરાઓ ઉભરી આવ્યા. કોઈ ચહેરા સ્પષ્ટ નજર આવતા હતા તો કોઈ ચહેરા પરથી પ્રયત્ન પૂર્વક સમયની ધૂળ ખંખેરવી પડતી હતી. કોઈ ફિલ્મની જેમ એક પછી એક ફોટાઓ ઝડપથી આવતા જતા હતા. અચાનક નિશાંતના મનચક્ષુ સામે એક ફોટો સ્થિર થઇ ગયો. જાણે ફિલ્મ અટકી હતી, નિશાંતની બહેનનો ફોટો તેની આંખો સામે તરવરી ઉઠ્યો, એકદમ સ્પષ્ટ. નિશાંત હબકી ઉઠ્યો. નિશાંતના ગળામાં અકથ્ય ભાવોનો ડૂમો ભરાયો, અગાધ ઊંડા પાણીમાં ગરક થતો માણસ વલખા મારે તેમ નિશાંતનું મન વલખા મારવા માંડ્યું. વ્યાકુળ મનોદશામાં કશું ન સુજતા દિવાલમાં જોશથી મુક્કો મારીને પોતાનો રોષ ઠાલવ્યો.
અનેક યુવક યુવતીઓને નિશાંતે જે માર્ગે વળાવ્યા હતા, તે જ માર્ગે આજ તેની સગી નાની બહેન પણ દોડી ગઈ હતી. એક વાર પણ પાછું જોયા વગર, સડસડાટ દોડી ગઈ હતી. જાણે કોઈ અજાણ્યા મલકમાં.
થોડા દિવસ પહેલા જ વહેલી સવારે નિશાંતને તેની મમ્મીએ જગાડ્યો હતો, મમ્મીના ચહેરા પર પહેલા ક્યારેય ન જોયેલી ચિંતા અને અકથ્ય ભયનો ભાવ જોઈને નિશાંત ડરી ગયો, મમ્મીએ લગભગ રડતા સ્વરે કહ્યું હતું, ’બેન એની પથારીમાં નથી, હું બધે જોઈ આવી’. નિશાંતને પૂરી વાત સમજતા એક બે સેકન્ડનો સમય લાગ્યો, અને પછી એ દોડ્યો હતો, એનાથી અજ્ઞાતપણે દોડી જવાયું હતું, બધા રૂમ, રસોડું, બાલ્કની, બાથરૂમ, અગાશી બધું વીજળીવેગે ફરી લીધું, પણ જાણે બધું શૂન્ય થઇ ગયું હતું, નિશાંતના મગજની જેમ. પછી એકાએક ચાવી ભરેલું રમકડું દોડે તેમ નિશાંત દોડ્યો હતો,ઘરની ડેલી તરફ, ડેલીએ પહોચીને નિશાંત પૂતળાની માફક ઉભો રહી ગયો. ‘ડેલીનો આંકડીયો ખુલ્લો હતો’, પાછળ દોડી આવેલી મમ્મીએ કહ્યું હતું, મમ્મીની આંખોમાંથી આંસુઓની ધાર છૂટી હતી ’બેન……’ મમ્મી આગળ કશું બોલી શકી નહિ, આગળના પ્રશ્નો તેના આંસુઓ પૂછતા હતા, પણ એ આંસુઓનો કોઈ જવાબ નિશાંત પાસે ન હતો. મડદાની માફક તે પાછો ફર્યો, પછી અચાનક કશું યાદ આવ્યું હોય તેમ હાંફળોફાંફળો થઈને તેની બેનની પથારી ફંફોસવા માંડ્યો હતો, એકાએક તેની આંખો ચમકી હતી, પથારી પરથી એક ચિઠ્ઠી નિશાંતે ઉઠાવી હતી.
ચિઠ્ઠી સાવ ટુંકી હતી, માત્ર ચારપાંચ લીટીની, એ ચાલી નીકળી હતી, કોઈ યુવક સાથે. નિશાંતની મમ્મીએ ઝડપથી એના હાથમાંથી એ ચિઠ્ઠી છીનવી લીધી હતી અને મમ્મીની વ્યાકુળ નજર એ ચિઠ્ઠીના અક્ષરો પર નિસહાય ફરતી રહી, ચાર લીટી વાંચતા જાણે ચારસો મણનો ભાર તેના ખભ્ભા પર આવી પડ્યો હોય તેમ તે ધબ્બ કરતી ફરસ પર બેસી પડી. વિસ્ફારિત અને આંસુઓથી છલકાતી આંખો વડે નિશાંતની સામે જોવા લાગી હતી, કોણ શું કહે ? બંનેની વાંચા હણાઈ ગઈ હતી. ‘શું થયું’ આ પ્રશ્ને બંનેને ચોકાવ્યાં હતા અને પછી ડરાવ્યા હતા. આ બધી ધમાલમાં ઉપરના મજલે સૂતેલા નિશાંતના પિતાજી જાગી ગયા હતા. આ ક્ષણે નિશાંતને ક્યારેય ન લાગ્યો હોય એવો ડર લાગ્યો હતો, પપ્પાની પ્રતિક્રિયા શું હશે ? આ એક વિચારમાત્રથી નિશાંત ધ્રુજી ઉઠ્યો હતો.
નિશાંતે ધ્રુજતા હાથે જ પપ્પા સામે એ ચિઠ્ઠી લંબાવી હતી. પપ્પાએ ચિઠ્ઠી વાંચી હતી, એ બે ચાર ક્ષણો હૃદય ચીરી નાખતા સન્નાટામાં વીતી હતી. પછી નિશાંતના પપ્પા સોફા ઉપર બેસી ગયા હતા. સાવ દિગ્મૂઢ, એ ઘટના તો માત્ર ચાર પાંચ ક્ષણો પૂરતી જ હતી. પરંતુ નિશાંતે એ ચારપાંચ ક્ષણોમાં એના પપ્પાના ચહેરાનો રંગ બદલતો જોયો હતો, નિશાંત એના પપ્પાના ચહેરા પરથી ખુમારી, રુઆબ અને આબરુને ઓગળીને નીચે વહી જતા જોઈ રહ્યો હતો. નિશાંતના મનમાં એકસાથે સેંકડો વિચાર આવ જા કરતા હતા, પરંતુ અત્યારે શું કરવું તેનો નિર્ણય નિશાંત કરી શકતો ન હતો. મમ્મી હજી ફરસ પર બેશુદ્ધ જેવી બેઠી હતી,તેની આંખોમાંથી અશ્રુઓ વહી જતા હતા. પપ્પા આઘાતમાં હતા, એક શબ્દ પણ બોલ્યા વગર સોફા ઉપર બેસી ગયા હતા, પપ્પાનો ચહેરો સાવ ફિક્કો અને શિથિલ થઇ ગયો હતો તેના પર આઘાત, વ્યાકુળતા, લાચારીનો ભાવ નિશાંત જોઈ રહ્યો હતો. પપ્પાના ચહેરા પર પ્રસ્વેદબિંદુઓ ઉપસી આવ્યા હતા. નિશાંતનું મગજ વિચારશૂન્ય થઇ ગયું, મમ્મીને સહારો આપવો કે પપ્પા પાસે જવું કે પછી બેનને શોધવા જવું, એનો નિર્ણય નિશાંત કરી શક્યો નહિ, તેનું મન, શરીર અને આત્મા એકીસાથે ચિત્કારી ઉઠ્યા.
એ દિવસથી વેદનાની જાણે હારમાળા શરૂ થઇ હતી. મમ્મીની સંભાળ માટે નિશાંતે તેના માસીને બોલાવવા પડેલા. મમ્મીએ અન્નજળનો ત્યાગ કર્યો હતા. માસી પરાણે, સમ આપીને મમ્મીને જમવાનો આગ્રહ કરતી પણ મમ્મી એક કોળિયો પણ માંડ ખાતી. આખો દિવસ એકી જગ્યાએ બેસી રહેતી, મમ્મી નિશાંતને વારંવાર આજીજી અને રડતા સ્વરે કહેતી ‘મારી દીકરીને પાછી લાવી દે’, પણ એ વાત નિશાંતના હાથમાં ન હતી. આખી રાત જાગતા અને રડતા પસાર થતી. ડેલીએ જરા સરીખો અવાજ પણ થાય તો મમ્મી દોડતી ‘મારી દીકરી આવી‘ પણ થોડી ક્ષણોમાં વિલાયેલા મો સાથે પાછી ફરતી. આ વલોપાતની અસર તેના શરીર પર થઇ. ચાર દિવસમાં બે વાર ડોક્ટર બોલાવવા પડેલા. પણ દિલ બળતું હોય ત્યાં દવા શું કરે ? નિશાંતની મમ્મી રડતા રડતા કહેતી કે કપડા લેવા જેવી ક્ષુલ્લક બાબતોમાં પણ મારા પર આધાર રાખતી છોકરીએ જીંદગીનો આવડો મોટો નિર્ણય સાવ એકલીએ લઇ લીધો, અને જરા સરીખો અણસાર પણ આવવા ન દીધો. ડૂબતો માણસ તણખલું પકડે તેમ પોતાની દીકરી ઘરે પાછી આવી જાય તે માટે મમ્મીએ દોરાધાગા, માનતા અને ભવિષ્યવેતાઓનો સહારો લીધો હતો, નિશાંત પોતે આવા કશામાં માનતો નહિ પણ મમ્મીની ખુશી માટે તે સહકાર આપતો, અંતે પોતાના ધાર્યા મૂજબ જ તેમાં કશો ફાયદો થયો નહિ. મમ્મીની આવી સ્થિતિ નિશાંતનું કાળજું નીચોવી નાખતી.
સમાજમાં માનભેર જીવતા અને પાંચમાં પૂછાતાં નિશાંતના પપ્પા પાંચ દિવસથી ઘરની બહાર નીકળ્યા ન હતા. તેઓ સાવ ભાંગી ગયા હતા. હજી ગઈ કાલ સુધી તો યુવાન લાગતો માણસ આજે વૃદ્ધ અને અશક્ત દેખાતો હતો. એક જ દિવસમાં પપ્પાની ઉંમરમાં જાણે દાયકાનો ભાર વધ્યો હતો. વારંવાર પપ્પાની આંખોમાં આવી જતા ઝળઝળિયાં નિશાંતના હદયને ચારણી કરી જતા. માતાપિતાની આવી અવદશા જોઈને નિશાંત એકાંતમાં રડ્યો હતો, બેફામ રડ્યો હતો. ઘરની આવી પરિસ્થિતિમાં નિશાંત વધારે સમય ઘરની બહાર રહી શકતો નહિ, પોતાના બે ત્રણ અંગત મિત્રોને બહેનની ભાળ મેળવવાની જવાબદારી નિશાંતે સોંપી હતી, પોલીસખાતામાં પણ પોતાની વગનો ઉપયોગ કર્યો હતો પણ હજી સુધી કોઈ કડી મળી ન હતી.
નિશાંતે આ પાંચ સાત દિવસમાં એક નવી જ દુનિયા જોઈ હતી, પાડોશીઓની ચર્ચાઓ, કાનાફૂસી, સગાઓના દિલાસા, કોઈના જાણીબુજીને વાત કઢાવવાના કીમિયા, ઘણાના કટાક્ષ, કોઈની ખુશી તો કોઈની ખરા દિલની હમદર્દી, નિશાંતે આ પાંચ સાત દિવસમાં અનેક પ્રકારના પ્રશ્નોનો સામનો કર્યો હતો. પણ નિશાંતને આ કશાની પડી ન હતી તેને એક માત્ર તેના માતાપિતાની ચિંતા હતી, બાકી ગમેતેવા તૂફાનો સામે પણ નિશાંત અડીખમ ઉભો રહે તેમ હતો.
અંતે છઠ્ઠા દિવસે તેને કુરિયર મારફતે એક પરબીડિયું મળ્યું હતું. નિશાંતના ધાર્યા મૂજબ જ એમાં એની બહેનના સિવિલ મેરેજની નોંધણી અને સોગંધનામાની નકલો હતી. નિશાંતે એ નકલો ચકાસી હતી, કોઈએ પાકું કામ કર્યું હતું, પોતે કરતો એમ જ. હવે કશું થઇ શકે તેમ ન હતું. નિશાંતની નજર એક જગ્યાએ સ્થિર થઇ, સોગંધનામામાં એજ નોટરીના સહીસિક્કા હતા જે નોટરી પાસે પોતે પણ સહીસિક્કા કરાવતો. નિશાંત ગમ ખાઈ ગયો ‘મતલબ કોઈ જાણીતા વકીલે જ …..’ નિશાંત વિચારી રહ્યો હતો મને એ શખ્સે પહેલા જ માહિતી આપી હોત તો……નિશાંતના હૃદયમાં લાય લાગી પણ બીજી જ ક્ષણે નિશાનને પોતાના જ શબ્દોના પડધા સંભળાવા લાગ્યા ‘લીવીંગ સર્ટીમાં માત્ર યુવક યુવતીનું નામ જ વાંચવાનું, તેની અટક કે પિતાનું નામ નહિ, ‘ઘોડા ગર ઘાસ સે દોસ્તી કર લેગા તો ખાયેગા ક્યાં’ તે સાથે જ અટ્ટહાસ્ય સંભળાતું હતું, જાણે તેના કોર્ટના મિત્રો તેની ઉપર જોર જોરથી હસી રહ્યા હતા. નિશાંતે જોરથી માથું ધુણાવીને એ વિચારોને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.
નિશાંત પોતાના માતાપિતાને એ નકલો વાંચતા એકીટશે જોઈ રહ્યો, બંને સાવ નિરાશ, નિરાધાર અને હારેલા લાગતાં હતા. પપ્પા વારંવાર ચશ્માં કાઢીને આંખો સાફ કરતા હતા. અચાનક તેના માતાપિતાના ચહેરા પર બીજા અનેક ચહેરા તરવરી ઉઠયા, બધા ચહેરા તેના માતાપિતા જેવા જ નિસ્તેજ, હારેલા, ભાંગી પડેલા, સજળ ચહેરા……નિશાંત ધ્રુજી ઉઠ્યો, તેણે પોતે પણ અસંખ્ય યુવતીઓના સિવિલમેરેજ કરાવેલા, એ યુવતીઓના માતાપિતાની પણ આવી જ સ્થિતિ હશે ને ! આવી જ વેદના અનુભવતા હશે ને ! તેઓના અંતરમાંથી ‘હાય’ નીકળી હશે ને ! અને તેથી જ કદાચ મારા માતાપિતાની પણ આજે આવી સ્થિતિ …. ‘નહિ નહી’ નિશાંતના ઊંડાણમાંથી નાદ નીકળી ગયો, અને અંખોમાંથી આંસુ પણ.
નિશાંતને આ ક્ષણે સ્મશાનમાં ચિતા ગોઠવનારો યાદ આવી ગયો. ચિતા ભળભળ બળતી હોય ત્યાર સ્વજન ગુમાવનારનું દિલ વલોવાતું હોય છે, પણ ચિતા ગોઠવનારને કશો ફેર પડતો નથી, તે તો યંત્રવત પોતાનું કામ કરે છે પોતે પણ આજ કરતો હતો ને અત્યાર સુધી ! પણ જયારે આજે પોતાને અને પોતાના પરિવારને એ ચિતા પર સુવાનો વારો આવ્યો ત્યારે જ એ વેદના સમજી શક્યો….
પૂરા એક મહિના પછી આજે નિશાંતે કોર્ટમાં પગ મુક્યો, આવતાની સાથે જ પ્રશ્ન પુછાયો ‘શું શું જોઈશે ?‘ એડવોકેટ નિશાંત થોડી ક્ષણો ખામોશ રહ્યો હતો અને પછી જવાબ આપ્યો ‘તમારા બંનેનું લીવીંગ સર્ટી, ચૂંટણીકાર્ડ, એક બંનેનો કમર સુધીનો ફોટો, છોકરીનું સોગંધનામું…અને ..તમારા બંનેના માતાપિતાની હાજરી…….
(લખ્યા તારીખ 05-01-2015 )

One thought on “વળાંક

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.