Posted in મારા રમુજ લેખો

છગને કુતરો પાળ્યો !

ત્રણ દિવસ ઓફીસ કામે બહારગામ રહ્યા પછી હું જયારે ઘરે પાછો આવ્યો ત્યારે મારા મિત્ર મહેશે મને સમાચાર આપ્યા ‘ છગને કુતરો પાળ્યો છે ‘. મને આશ્ચર્ય થયું કારણ કે અમારા મિત્ર છગનને કુતરાઓ સાથે બહુ બનતું નહિ. કુતરાઓને જોતા જ છગન ‘એ હ ઇઈઈ ળ ‘ કહીને તેની પાછળ પડતો. આવો છગન કુતરું પાળે એ મારા માટે નવાઈનો વિષય હતો, આ નવાઈના જવાબમાં મહેશે મને આખી વાત કહી,

બે ત્રણ દિવસ પહેલા છગન અને અમારી શેરીમાં રહેતો લલ્લુ પાનવાળાના ગલ્લે ઉભા હતા, ટીવીમાં ક્રિકેટ મેચ ચાલુ હતી. સચિન સદીની નજીક રમતો હતો. સચિન સદી કરશે કે નહિ, એ વિષય પર ગલ્લે ઉભેલા ક્રિકેટ નિષ્ણાતો પોતપોતાના અભિપ્રાયો આપી રહ્યા હતા. છગને કહી દીધું. ‘સચિન સદી નહિ કરે !’. ક્રિકેટ રસિયા લલ્લુથી આ સહન ન થયું. તેણે છગનને સુણાવી દીધું ‘એલા ઈ સદી કરે ઈમાં તારા બાપનું શું જાઈશ’. ‘એલા તું મારા બાપા લગી ગ્યો ?‘ કહેતા છગન અને લલ્લુ બથમબથ આવી ગયા. પાસે ઉભેલા થોડા ક્રિકેટ રસિયાઓ એ બનેને છોડાવવા લાગ્યા. તો થોડા તે બંનેની મેચ પર બેટિંગ કરવાની તૈયારી કરવા લાગ્યા. રોડ પર મેચ રસિયાઓનું ટોળું ભેગું થઇ ગયું. લોકોએ મહામહેનતે એ બંનેને છોડાવ્યા.

આ ઘટના પછી બીજે દિવસે સવારે છગન તેના ઘરના ઓટે બ્રશ કરવા બેઠો. માણસ સવારે ઉઠે ત્યારે તેનો દેખાવ કૈક અલગ જ હોય છે. (ઉઠીને સીધા અરીસામાં જોજો) આજના આધુનિક યુવાનો જેવી હેરસ્ટાઈલ થઇ ગઈ હોય, મોઢું જાણે સોજી ગયું હોય, અને આંખો માંડ માંડ ખુલતી હોય, આવા વિચિત્ર દેખાવ સાથે છગન બ્રશ કરવા બેઠો હતો, ત્યાંજ શેરીનો એક કુતરો ભૂંડના બચ્ચાની પાછળ દોડ્યો, જાણે તેનો શિકાર કરતો હોય ! ભૂંડનું બચ્ચું કીકીયારું કરતુ આગળ ભાગ્યું, કુતરો તેને પકડવા દોડ્યો, પેલું બચ્ચું શેરીના નાકેથી મુખ્ય રોડ પર અદ્રશ્ય થઇ ગયું તેની પાછળ પેલો કુતરો પણ અદ્રશ્ય થઇ ગયો, છગન હજી એ દિશામાંથી નજર હટાવતો જ હતો ત્યાં જ એ દિશામાં થોડો શોરબકોર થયો અને પેલો કુતરો જીવ બચાવી શેરીમાં દોડ્યો આવતો હતો, અને એ કુતરાનો શિકાર કરવા પેલા બચ્ચાની મા તેની પાછળ દોડી આવતી હતી, કુતરો જીવ બચાવતો ફૂલ સ્પીડે છગન પાસેથી પસાર થઇ ગયો. આમ સવાર સવારમા કુતરાની કોમેડી થઇ ગઈ. આ કોમેડી જોઈને છગન એકલો એકલો ખડખડાટ હસી પડ્યો, બરાબર આ જ ક્ષણે લલ્લુ તેનુ આલ્સેશીયન કુતરું લઈને ચાલવા નીકળેલો, એક તો સવારમાં છગનનો વિચિત્ર દેખાવ અને એમાંય પાછો એકલો એકલો હસતો છગન, તેથી લલ્લુના કુતરાને કંઇક ‘ગેરસમજ ‘ થઇ, તે છગન સામે ભસ્યું. ‘હવે આમ હાઈલ’ને એના જેવું ક્યાં થા સો‘ કહેતો લલ્લુ કુતરાને આગળ ઘસડી ગયો, જતા જતા પેલું કુતરું છગન સામે ફરી એકવાર ઘૂરકિયું કરી ગયું,

બસ થઇ રહ્યું ! શિયાળામા સવારની કકડતી ઠંડીમાં છગન તપી ગયો, પગથી માથા સુધી સળગી ગયો, છગને ખીજમાં ને ખીજમાં એક ડોલ ઠંડું પાણી માથા ઉપર રેડી દીધું, ધુવાપુવા છગન બાથરૂમમાંથી બહાર નીકળ્યો, અને ચા પીવા બેઠો, ચા તો ગરમ હતી, પણ છગન એ ચા થી પણ વધારે ગરમ હોવાથી ચા તેને સાવ ઠંડી લાગી, ‘આ શું સવારમા ટાઢીબોર ચા આપી છે‘ કહીને છગને તેના ઘરનાને ઘઘલાવી નાખ્યા.

‘એ કુતરું મારી સામે ઘૂરકિયું જાય ? મારી સામે ! છગન સામે ? છગનને આખો દિવસ ક્યાય ચેન ન પડ્યું. આખો દિવસ એ રેલ્વે એન્જીનની માફક ધુંવાડા કાઢતો રહ્યો. આ ખીજને કારણે, કારણ વગર સાવ નિર્દોષ એવા શેરીના એક બે કુતરાઓને ‘તમારી જાતના કુતરા મારું …’ કહીને છગને લમધારી નાખ્યા. ’છગનને હડકવા ઉપડ્યો છે‘ એવું કૈક સમજીને શેરીના કુતરા છગનથી દુર ભાગી ગયા. જોકે કે સાચી વાત એ હતી કે છગનને કુતરું ભસ્યું એની નહિ પણ લલ્લુનુ કુતરું ભસ્યું એની ખીજ હતી. અંતે ખુન કા બદલા ખુન અને કુત્તે કા બદલા કુત્તા એ ન્યાયે છગન એક કુતરું ખરીદી લાવ્યો, અને જ્યાં સુધી છગનનું કુતરું લલ્લુને ભસે નહિ ત્યાં સુધી છગનને નિરાંત નહિ થાય તે વાત પાકી હતી.

સાંજે હું છગનને મળવા તેના ઘરે ગયો, છગનની ડેલી પર તેના નામની નેમપ્લેટ લગાડેલી હતી અને નીચે સફેદ ચોકથી ‘કુતરાથી સાવધાન‘ એવું લખેલું હતું. મેં ડેલી ખખડાવતા છગન બહાર આવ્યો અને હસીને મને અંદર લઇ ગયો, હું સાવચેતી પૂર્વક છગનની ડેલી ધૂસ્યો, કુતરો બાંધેલો હતો એટલે મને નિરાંત થઇ. કુતરો પૂંછડી વિનાનો ડોબરમેન હતો. મને જોઈને એ ભસ્યો નહિ પણ બેઉ કાન ઉચા કરી મારી સામે જોવા લાગ્યો. ચહેરા પરથી કુતરો બહુ આક્રમક લાગતો ન હતો. છગનને ખુશ કરવા મેં કહ્યું ‘કુતરો તો સરસ છે‘ છગન ખુશ થતા બોલ્યો ‘તે હોય જ ને ! છગન નબળું ક્યાં રાખે છે ! રૂ. ૩૦૦૦ નો લીધો’.

‘પણ કુતરો થોડો મોટો લાગે છે, અને આ પૂંછડી વિનાનો કેમ લીધો ?’ મેં કુતરા સામે જોતા કહ્યું.

‘હવે ગલુડિયું લઈએ તો એ ક્યારે મોટું થાય ને ક્યારે ઓલા લલ્લુ સામે ભસે !, રહી વાત પૂંછડીની તો મેં સાંભળ્યું છે કે પૂંછડી વિનાના કુતરા બહુ ‘ખારા’ હોય છે, અને બીજી અગત્યની વાત એ કે પુંછડીવાળું કુતરું બીજા કુતરાથી ડરીને બે પગ વચ્ચે પૂંછડી ઘાલી દે તો આપણી આબરુ જાય, પૂંછડી હોય તો બે પગ વચ્ચે ઘાલે ને !’ છગને તાર્કિક જવાબ આપ્યો.

‘પણ આ કુતરો મને બહુ ખારો નથી લાગતો, જો ને મને જોઈને ભસ્યો’ય નહિ.’ મેં મારી શંકા રજુ કરી.

‘યાર ગઈકાલે એને લાવ્યો ત્યારે તો એ મને પણ ભસતો હતો. પણ કાલ રાતથી એ થોડો હતપ્રદ થઇ ગયો હોય એવું લાગે છે‘ છગને કહ્યું.

‘હતપ્રદ ? અને એય કુતરો ?’ મને આશ્ચર્ય થયું.

‘આ તારી ભાભીનો ઉતાવળીયો સ્વભાવ તો તને ખબર છે ને ! તારી ભાભીએ જયારે જાણ્યું કે હું આ કુતરો રૂ. ૩૦૦૦ નો લાવ્યો છુ ત્યારે તેણે મને, આ કુતરાને અને આ ઘરને, ત્રણેયને માથે લીધા. એ એમ કે’વા લાગી કે ‘હું ત્રણ વર્ષથી ૩૦૦ રૂપિયાની સાડી માટે ટળવળું છુ ને તમે આ ૩૦૦૦નુ બામજનાવર લઇ આવ્યા’ એમ કહેતા એ ચાલુ થઇ. મેં સંભળાઈ એટલું સાંભળ્યું પછી સહન ન થતા મેં’ય કહી દીધું કે ‘બેસ બેસ હવે, તને આ વિદેશી કૂતરામાં શું ખબર પડે ?’ એટલે તારી ભાભી વધારે વિફરી અને પાણીયારીએ પડેલી ખાલી ગાગરનો છુટ્ટો ઘા કર્યો, આ બંદા તો પહેલેથી જ તૈયાર હતા, એટલે તારી ભાભી ઘા ચુકી ગઈ. આ બધું કુતરાએ જોયું સાંભળ્યું, બસ ત્યારથી એ થોડો ડરેલો અને ઢીલો ઢીલો લાગે છે. આમ તો બહુ વાંધો નથી પણ તારી ભાભી એની સામે આવે છે ત્યારે તે ‘ઉઆં ઉઆં’ જેવો વિચિત્ર અવાજ કાઢીને નીચે બેસી જાય છે. જો કે આ બહુ ચિંતાનો વિષય નથી, લગનના થોડા મહિના હું’ય આમ હતપ્રદ થઇ ગયેલો પણ પછી ટેવાઈ ગયો એમ આ અમારો ‘ટાઈગર‘ પણ ટેવાઈ જાશે.’ છગને મને સાચી વાત કહી.

બીજે દિવસે સવારે અમારી શેરી કુતરાઓના શોરબકોરથી ગુંજી ઉઠી. મેં ઘર બહાર જઈને જોયું તો છગન તેના ટાઈગરને લઈને બહાર ફરવા જતો હતો, પણ શેરીના કુતરાઓ પોતાના હક્કહિસ્સાના રક્ષણ માટે આ અજાણ્યા કુતરા સામે લડી લેવાના મુડમાં હતા અને જોરશોરથી ચેતવણી આપતા હતા. છગનનો ટાઈગર ગભરાયો, પૂંછડી હતી નહિ તેથી તે છગનના પગ વચ્ચે ઘુસી ગયો. છગને તેને પગ વચ્ચેથી બહાર કાઢવા ઘણા પ્રયત્નો કર્યા પણ ટાઈગર માન્યો નહિ, કંટાળીને છગને પોતાનો પગ દુર હટાવી લીધો તો ટાઈગર પાછો છગનના પગ વચ્ચે ઘુસી ગયો. શેરીના માણસોને મફતનું મનોરંજન મળ્યું, તેઓ હસવા લાગ્યા, આથી છગનનો પીતો ગયો, તેણે જોરથી સાંકળ ખેંચી તો ટાઈગરે સામો ઝાટકો માર્યો. છગન પડતા પડતા રહી ગયો ને એના હાથમાંથી સાંકળ છૂટી ગઈ, સાંકળ છુટ્ટતા જ ટાઈગર તુફાનવેગે છગનના ઘરમાં ધુસી ગયો. છગન પથ્થરો લઈને શેરીના કુતરાઓ પાછળ પડ્યો ‘તમારી જાત ના કુતરા…..

બપોરે છગન મને મળવા ઘેર આવ્યો અને સીધો જ પ્રશ્ન કર્યો. ‘યાર ઓલો લલ્લુ એનું કુતરું લઈને શેરી માંથી નીકળે છે ત્યારે તો આ શેરીના કુતરા કોઈ તોફાન નથી કરતા ને હું ટાઈગરને લઈને નીકળ્યો તો મારા બેટાઓએ દેકારો કરી દીધો આનું કારણ ?’

‘જો યાર લલ્લુ લઈને નીકળે છે તે કુતરી છે અને તું કુતરો લઈને નીકળે છે’ મેં છગન સામે.જોતા કહ્યું, પણ તેને મારી વાત ગળે ઉતરી હોય એવું લાગ્યું નહિ.

‘સારું જે હોય તે પણ મારો ટાઈગર જ્યાં સુધી પેલા લલ્લુને ભસસે નહિ ત્યાં સુધી મને ચેન નહિ પડે. મારો ટાઈગર તો કોઈ સામે ઘૂરકિયું પણ કરતો નથી, મારો ખર્ચો માથે પડશે. કૈક રસ્તો બતાવ.’. છગને કહ્યું.

‘એને બોલવાની, ચાલવાની, ભસવાની, તાળી આપવાની વગેરે તાલીમ આપ પછી એ તારું કહ્યું કરશે’ હું જેટલું જાણતો હતો એટલું મેં કહ્યું.

‘એજ રામાયણ છે ને યાર ! મારો ટાઈગર ઇંગ્લીશ મીડીયમમા ભણેલો છે મતલબ કે એના જુના માલિકે એને ઇંગ્લીશમાં જ તાલીમ આપી છે એટલે એ મારો બેટો ઈગ્લીશ સિવાય કશું સમજતો નથી. અને તને તો ખબર છે આપણને અંગ્રેજી ગમતું (?) નથી’. છગને પોતાની મુખ્ય સમસ્યા કહી.

‘એમ ? થોડું ઘણું ગુજરાતી પણ નથી સમજતો ?‘ મેં પૂછ્યું.

‘સાવ એમ તો નહિ, ટાઈગરને પહેલા પેશાબ પાણી ક્યાં કરવા એની ખબર નહિ, એટલે એ નીચે ડેલીમાં પાણીના ટાંકા પાસે જ પગ ઉંચો કરી દેતો, તારી ભાભી એક વાર આ જોઈ ગઈ એટલે એ ‘ ઉભો રે મારા રોયા ‘ કહેતા ને સાવણી લઈને ટાઈગર ઉપર ઘસી ગઈ, ટાઈગર સડસડાટ અગાશી પર ચડી ગયો. ત્યારથી એ જીવન જરૂરી ક્રિયાઓ અગાસી પર કરવાની છે એમ સમજી ગયો. આ ઉપરથી ટાઈગર સાવ સમજતો નથી એમ તો ન કહેવાય‘ છગને તારણ કાઢ્યું.

‘તું થોડા અંગ્રેજીના શબ્દો શીખી લે’ મેં સલાહ આપી.

‘મને’ય લાગે છે શીખવા પડશે’, પછી થોડીવાર બેસીને છગન રવાનો થયો.

છગને ટાઈગરને તાલીમ આપવાની શરૂઆત કરી. છગન હાથમાં બિસ્કીટ રાખીને ટાઈગરને કમ કમ કહેતો બિસ્કીટની લાલચે ટાઈગર દોડતો આવતો એટલે છગન બિસ્કીટ દુર ફેંકીને ગો ગો કહેતો, ટાઈગર પાછો દોડતો ત્યાં જતો. છગનની ઘણા દિવસની અથાગ મહેનત પછી ટાઈગર ક્યારેક ક્યારેક ભસતો થયો પણ તેની ઈચ્છા હોય ત્યારે જ. છગનને આથી વિશેષ કશી સફળતા મળી નહિ.

એક દિવસ છગન કોઈ સરઘસમાં ગુલાલથી રંગાઈને આખો લાલ થઇને આવ્યો, જેવો છગન ડેલીમાં ઘૂસ્યો કે તરત ટાઈગર તેને ભસવા લાગ્યો. ’એય ચુપ મર એ તો હું છું છગન’ છગને પોતાની ઓળખાણ આપવી પડેલી. બરાબર આ જ સમયે લલ્લુ શેરીમાં ચાલ્યો આવતો હતો, છગન માટે આ સોનેરી તક હતી. છગને લલ્લુ સામે ઈશારો કરીને ટાઈગરને ‘સ્યો સ્યો’ કહ્યું. પણ છગનના સ્યો સ્યો નુ સુરસુરિયું થઇ ગયું. ટાઈગર ન ભસ્યો. આવી અનમોલ તક ગુમાવવાથી છગનના મગજની સ્પ્રિંગ છટકી, આમેય ઘણા દિવસોની મગજમારી પછીય ધારી સફળતા મળતી ન હતી તેથી છગન મનમાં ધૂંધવાતો હતો, આજે તેની ધીરજનો ફુગ્ગો ફૂટી ગયો. એક સોટી લઈને છગન મંડી પડ્યો. ‘ડોબા જેને ભસવાનું છે એને નથી ભસતો ને મને ભસે છે ?’ કહેતા છગને ટાઈગરને ચાર પાંચ સોટી ફટકારી દીધી. ‘હવે જો નહિ બોલું તો જીવથી જઈશ‘ એવું કૈક વિચારતા ટાઈગરે સ્વબચાવમા છગન પર હલ્લો કરી દીધો. ઘડીક તો છગન અને ટાઈગરની ચીસોથી અફડાતફડી થઇ ગઈ. મહામુસીબતે છગન ટાઈગરને રૂમમા પુરવામાં સફળ થયો, પણ એ પહેલા ટાઈગર છગનના હાથમાં બચકું ભરવામાં સફળ થયો. છગન તાત્કાલિક ટાઈગરના જુના માલિકને બોલાવી લાવ્યો અને ટાઈગરને રૂ.૧૦૦૦ મા પાછો આપી દીધો.

છતાં ટાઈગર લલ્લુને ભસ્યો નહિ તેનો અફસોસ છગનને રહી ગયો..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.