Posted in મારી વાર્તાઓ

આબરૂદાર ધંધો !

ભાંગતી રાતે ડેલીએ ટકોરા પડ્યા. વલ્લભ ઝબકીને જાગી ગયો ‘આવા કટાણે કોણ હશે ?’ તે હજી મનમાં વિચારતો હતો ત્યાં ફરી ડેલીએ થોડા જોરથી ટકોરા પડ્યા. ’અત્યારે કોણ હશે ?’ વલ્લભની પત્ની મંજુએ જાગીને પતિને પૂછ્યું, ‘જોવ છું’ કહેતા વલ્લભ પથારીમાંથી ઉઠ્યો.

‘આવા સમયે કોણ હોઈ શકે !’ મનમાં આશંકા અને જીજ્ઞાશા વચ્ચે ઝૂલતા વલ્લભે ડેલી ખોલી.

સામે એક માનવ આકૃતિ ઉભી હતી. ઓસરીમાં બળતા પીળા લેમ્પનું આછું અજવાળું ડેલી સુધી રેલાતું હતું. એ આછા અજવાળે વલ્લભે આગંતુકને ઓળખવાનો પ્રયત્ન કર્યો. પ્રથમ નજરે એ વ્યક્તિ પરિચિત લાગી, પણ સ્પષ્ટ ઓળખાણ ન પડી. ક્યાંક જોયેલ…….

‘કાં ભેરુ ન ઓળખ્યો ?’ પેલી વ્યક્તિએ સામો પ્રશ્ન કર્યો. અવાજ સાંભળતા જ વલ્લભ આગંતુકને ઓળખી ગયો.

‘ચીમન તું ? અત્યારે, અહી ?’ આશ્ચર્યથી વલ્લભના મુખમાંથી પ્રશ્નો સરી પડ્યા.

‘હા દોસ્ત, શહેરથી ખાસ તને મળવા અહી આવ્યો છું’ ચીમને કહ્યું.

‘પણ તું આમ અચાનક, અત્યારે…. ખાતુ તો પાછળ નથી ને ?’ વલ્લભને તેનો જુનો મિત્ર તેના ઘરે આવ્યો તે ન ગમ્યું.

‘અરે યાર ! તું મને એવો મતલબી સમજે છે ?, હું એવો સ્વાર્થી નથી કે તને મુશીબતમાં નાખું’ પછી ચીમન થોડી વાર ચુપ રહી વલ્લભના મુખભાવ વાંચવા માંડ્યો. વલ્લભ દ્રિધામાં જણાયો.

‘હવે અહી જ ઉભો રાખવો છે કે અંદર બોલાવીશ !’ આખરે ચીમને કહ્યું.

વલ્લભ અનિચ્છાએ થોડા ડગલા પાછળ હટ્યો, ચીમન અંદર પ્રવેશ્યો. ડેલી વાસી વલ્લભ મૂંગો મૂંગો કશું વિચારતો ઓસરીના પગથીયા ચડ્યો, વલ્લભના મકાન ઉપર એક નજર નાખી ચીમન ઓસરીમાં આવ્યો, તેના ચહેરા પર સંતોષનો ભાવ છલકાયો.

‘તું અહી હિંડોળા પર બેસ, હું ખુરશી લાવું’ કહેતા વલ્લભ ઓરડામાં ઘૂસ્યો.

‘કોણ છે ?’ ઓરડામાં બારણાની કોરે ઉભેલી મંજુએ વલ્લભને પૂછ્યું.

‘જુનો ભાઈબંધ છે‘ કહેતા ઓરડામાં પડેલી ખુરશી ઊંચકીને વલ્લભ ઓસરીમાં આવ્યો.

બેઉ સામસામે બેઠા, ચીમને ગજવામાંથી બીડીની ઝૂડી કાઢીને વલ્લભ સામે ધરી, વલ્લભે એક બીડી લઈને હોઠો વચ્ચે દબાવી, ચીમને ધરેલા લાઈટરથી બીડી સળગાવી વલ્લભે એક ઊંડો કસ ખેંચીને ચીમન સામે જોયું, ચાર વર્ષમાં ચીમન નો ચહેરો બદલાઈ ગયો હતો. ચાર વર્ષ પહેલા વલ્લભ અને ચીમનની ખાસ ભાઈબંધી હતી. બેઉનો મુખ્ય ધંધો ચોરી, લુંટફાટ, મારામારીનો હતો. પાછળથી નરશી પણ બેઉ સાથે ભળ્યો હતો. પોલીસનો ડર, સમાજની નફરત અને મારામારીથી કંટાળી આખરે વલ્લભે આ ધંધો છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. ચીમન ત્યારે માન્યો ન હતો, તેણે પોતાનો અલગ રસ્તો પસંદ કર્યો. નરશી વલ્લભ સાથે રહ્યો. એ દિવસે ચીમન જુદો પડ્યો તે ઠેઠ આજે જોવા મળ્યો હતો, હમેશા છેલ્લી ફેશનના કપડા પહેરતો ચીમન આજે લેંઘો અને લાંબો, મેલો ઝબ્બો પહેરીને આવ્યો હતો. માથાના અને દાઢીના વાળ વધી ગયા હતા. આંખો ઊંડી ઉતરી ગઈ હતી. ચહેરા પર સ્થિરતા આવી હતી. ચીમનનુ પોતાના ઘરે આવવા અંગે વલ્લભ હજી અઢવઢમા હતો.

એક હળવો ખોંખારો ખાઈ વલ્લભ બોલ્યો ‘જો ભાઈ ચીમન, મેં એ બધાં ધંધા છોડી દીધા છે ….એટલે………’ આટલેથી અટકીને વલ્લભ ચીમનની આંખોમાં જોવા લાગ્યો.

‘મને ખબર છે, તે ‘બધુંય’ છોડી દીધું છે, નરશી મને મહિના પહેલા શહેરમાં મળેલો, તેણે તારા વિષે આખી માંડીને વાત કરી હતી, તારું સરનામું પણ નરશી એજ આપ્યું’ ચીમને ‘બધુંય’ શબ્દ પર ખાસ ભાર મુક્યો ને આ વાત કરતી વખતે ચીમનના નીચલા હોઠના ખૂણે આવેલું ખંધુ સ્મિત વલ્લભ જોઈ શક્યો.

વલ્લભના મુખ પર આછું સ્મિત આવી ગયું ‘નરશી એ બધું બકી દીધું એમ ને ! હવે તારાથી શું છુપાવવું યાર, આપણા જુના ધંધાથી હું ત્રાસી ગયો હતો, એટલે આપણે જુદા પડ્યા પછી હું આ ગામમાં રહેવા આવી ગયો, શરૂઆત તો મજુરીથી કરી, પછી પંચાયતની ચુંટણી સર કરી. પછી તો મોટા માથાઓની ભાઈબંધીથી આપણે જામી ગયા. સરકારી કોન્ટ્રાક, વ્યાજ વટાવ, ખાનગીમાં એક ક્લબ, જેમાં મોટા માથાઓ ભાગીદાર છે, દારૂનું વેચાણ પણ ધમધોકાર ચાલે છે. પણ આમાં ક્યાય આપણું નામ નહિ, એ બધું આપણા માણસો એના નામે કરે. લેતીદેતીનો વહીવટ નરશી સંભાળે છે. પહેલા આપણે જે પોલીસથી ભાગતા એ પોલીસ હવે આપણા મિત્ર છે. હવે તો બંદા આબરૂદાર અને પાંચમાં પુછાય એવા છીએ, શું સમજ્યો !. અને મારા ભાઈ, ધંધો તો જુનો જ ! પણ કરવાની રીત બદલાવી નાખી છે. એમાં આપણે ખુબ કમાયા, લગ્ન પણ કરી લીધા ને હાલ જલસા છે’ વલ્લભે મુખ પર ગર્વના ભાવ સાથે ચીમનને વાત કરી.

ચીમન થોડી વાર વલ્લભ સામે જોતો રહ્યો પછી બોલ્યો ‘સાચું કહું વલ્લભ ! મેં’ય એ બધું છોડી દીધું છે. સાત મહિના પહેલા છૂટ્યો હતો, આ સાત મહિનામા હરામ જો એકેય ગુનો કર્યો હોય તો. તારી વાત સાચી હતી, પાછલી જિંદગીથી મને નફરત થઇ ગઈ, પોલીસથી ભાગતા ફરવું, ખાતાની માર, જેલ, લોકોની હાયુ, સમાજની નફરત, માણસો આપણું નામ સાંભળે ને સાલા ગાળ દે. આ’ય કાઇ જીવતર છે ?. છેલ્લે જેલમાં હતો ત્યારે જ નક્કી કરી નાખ્યું, હવે આ બધું બંધ.

‘તો અત્યારે શું કરે છો ?’ વલ્લભને જીજ્ઞાસા થઇ.

‘એ માટે જ તારી પાસે આવ્યો છું’ ચીમને કહ્યું.

‘હું કઈ સમજ્યો નહિ’ વલ્લભ ચીમનની વાતનો મનમાં મેળ બેસાડતો બોલ્યો.

‘જો, જેલમાંથી છુટીને હું આબરૂદાર અને કમાણીવાળા ધંધાની શોધમાં હતો. ત્રણ મહિનાની લમણાઝીંક પછી એક વિચાર ગમી ગયો, પછીના બે મહિના એ વિચારને મૂર્તિમંત કરવા માટેની જગ્યા શોધવામાં નીકળી ગયા. હવે આગળ કેમ વધવું એ વિષે મૂંઝવણમાં હતો ત્યાંજ નરશી મને મળી ગયો, એણે તારા વિષે વાત કરી એટલે મગજમાં આખો પ્લાન સ્પષ્ટ થઇ ગયો. હવે વધારે રાહ જોવાય એમ નથી એટલે તો અરધી રાતે તારી પાસે આવ્યો છું.’ ચીમને થોડી અટપટી રીતે વાત કહી.

‘તું સરખી, વ્યવસ્થિત વાત કર, બધું મારા માથા ઉપરથી ગયું’ વલ્લભને ચીમનની વાતમાં રસ જાગ્યો.

‘વાત તો સીધી જ છે, હું એક ધંધો કરવાનો છું ને તારે એમાં ભાગીદાર થવાનું છે’ ચીમને કહ્યું.

‘પણ શેનો ધંધો ? અને મારે એમાં શું કરવાનું છે ?’ વલ્લભ ગુંચવાયો.

‘જો સાંભળ’ કહેતા ચીમને માંડીને પોતાના પ્લાન વિષે વાત કરી. વલ્લભ ધ્યાનથી ચીમનને સાંભળતો રહ્યો. વાત દરમ્યાન ક્યારેક ચીમનની તો ક્યારેક વલ્લભની આંખમાં ચમક આવતી. એ લોકોની ચર્ચા પતી ત્યારે પૂર્વ તરફ આભમાં લાલાશ તરી આવી હતી. ઓસરીની જમીન પર બીડીઓના અનેક ઠુંઠા ભેગા થયા હતા.

—————————————————————–

વલ્લભના ગામથી ખાસ્સે દુર સારંગગઢ ગામના મુખ્ય રસ્તા પર એક સંધ વાજતે ગાજતે, ધીમી ગતિએ પસાર થઇ રહ્યો હતો. સારંગગઢનો આ રસ્તો આજુબાજુના પંદર ગામોને જોડતો ઠેઠ નંદીપુર સુધી લંબાઈ છે. છેલ્લા દોઢ દિવસથી આ રસ્તા ઉપર સંધ આગળ વધતો જાય  છે. સંધની આગળ થોડા સ્વંયસેવકો હાથમાં મોટી ધજાઓ લઈને ચાલતા હતા. તો કેટલાક સેવકો ગામોમાં સામે મળતા માણસોને પત્રિકાઓ આપી સંધમાં જોડાવા આહવાન આપતા હતા. તેની પાછળ ચાલતા સેવકો ઢોલક, મંજીરા જેવા વાદ્ય વગાડતા હતા અને અબીલ ગુલાલની છોળો ઉડાડતા હતા. તેની પાછળ ચાલતી સ્ત્રીઓ સ્વરબદ્ધ ગીતો ગાતી હતી. સ્ત્રીઓની પાછળ એક મોટર ધીમી ગતિએ ચાલતી હતી. મોટરમાં એક પ્રભાવશાળી પુરુષ, એક જાજરમાન સ્ત્રી સવાર હતા, એ સ્ત્રીના ખોળામાં એક નવજાત શિશુ હતું. મોટર પાછળ બીજા થોડા સેવકો ચાલી આવતા હતા.

મુંબઈના ધનવાન શેઠ હીરાચંદને ત્યાં ઘણા વર્ષો પછી પારણું બંધાયું હતું. યમુનાદેવીને ખોળે માનતાનો દીકરો અવતર્યો હતો. હીરાચંદને શેર માટીની ખોટ હતી. દવા, દારૂ, બાધા, દોરાધાગા હીરાચંદ શેઠે કશું બાકી રાખ્યું ન હતું, આખરે પોતાના એક હિતેચ્છુના જણાવ્યા મુજબ નંદીપુરની સીમમાં આવેલા ત્રીકાલેશ્વર મંદિર અને તેના પુજારી પ્રભુદાસ મહારાજની માનતા રાખી હતી, જે ફળી હતી. આ સંધ તે માનતા ઉતારવા જતો હતો. મુંબઈના હીરાચંદ શેઠ તરફથી ત્રીકાલેશ્વર મંદિરે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભજન, ભોજનની રમઝટ બોલાવવાની હતી. કોઈ પણ જાતના ભેદભાવ વગર બધાને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સંધ સાંજે નંદીપુરના સીમાડે આવેલ ત્રીકાલેશ્વર મંદિર પહોચ્યો હતો, હીરાચંદે પ્રભુદાસ મહારાજને ફૂલોનો સુગંધી હાર પહેરાવ્યો ને તેની ચરણરજ શીશે ચડાવી. પ્રભુદાસ મહારાજે પણ હીરાચંદ અને સંધનું હારતોરાથી સ્વાગત કર્યું, હીરાચંદ શેઠને હૃદયથી ચાંપીને પ્રભુદાસ મહારાજે આશિષ આપ્યા. પ્રભુદાસ મહારાજની ચરણરજ લેવા સેવકો અને બીજા સાથે આવેલા દર્શનાર્થીઓ વચ્ચે પડાપડી થઈ, મહારાજે બધાને પ્રેમથી આશિષ આપ્યા.

અરસપરસના આગતા સ્વાગતા પછી સેવકો, દર્શનાર્થીઓ રાતે થનાર ભજન, ભોજનની તૈયારીમાં પડી ગયા, પ્રભુદાસ મહારાજ, હીરાચંદ શેઠ અને તેનો ડ્રાઈવર આ બધાથી દુર, એકાંતમાં, એક વૃક્ષ નીચે બેઠા.

‘કેમ મહારાજ ! આયોજન બરોબર થયું છે ને ?’ હીરાચંદે પૂછ્યું.

‘અરે ! જબરદસ્ત આયોજન, આપણા નામનો ડંકો વગાડી દીધો, યાર તું તો સાચે જ મુંબઈનો શેઠ લાગે છો !’ મહારાજ અતિ ઉત્સાહમાં બોલી ઉઠ્યા.

‘અને તે પણ અફલાતુન વેશ ધારણ કર્યો છે યાર, આ પ્રભુદાસ મહારાજનો ! કોઈ ના કહી શકે કે આ મહારાજ એક વર્ષ પહેલા જેલમાં હતો’ કહેતા હીરાચંદ બનેલો વલ્લભ ખંધુ હસી પડ્યો.

‘એ તો ઠીક યાર, પણ તું આ છોકરો, જેની માનતા માટે તું અહી આવ્યો છે એ છોકરાને ક્યાંથી ઉપાડી લાવ્યો ?’ પ્રભુદાસ મહારાજ ઉર્ફે ચીમને હસતા હસતા કહ્યું.

‘અરે ભાઈ ! કરવું હોય તો શું નથી થતું ?, આ મારા ડ્રાઈવર બનેલા નરશીના સગાનો છોકરો છે’ વલ્લભે નરશી સામે આંખથી ઈશારો કરતા કહ્યું.

ચીમને નરશી સાથે જાણે જીતની ઉજાણી કરતો હોય એ રીતે હાથ મિલાવ્યો અને પછી કહ્યું ‘બસ યાર હવે તું જોતો જા, આ નાનકડા મંદિરની જગ્યાએ મોટો આશ્રમ થઇ ગયો સમજ. આ દેશની પ્રજા તો ગાડરિયો પ્રવાહ છે, એક ઘેટું જે બાજુ હાલે તે બાજુ બધા’ય હાલશે. ટૂંક સમયમાંજ આ મહારાજના ભક્તો અને દાનપેટી બંને છલકાઈ ના જાય તો કહેજે મને !. અને વલ્લભ તે આ આયોજન પાછળ જે ખર્ચો કર્યો છે તે એક જ વર્ષમાં તને પાછો મળી જશે, એ ઉપરાંત અહીની આવકમાંથી તારો અને નરશીનો નક્કી કરેલો હિસ્સો નિયમિત મળતો રહેશે’

‘એલા એ બધું તો ઠીક, પણ આ ત્રીકાલેશ્વર એટલે ક્યાં ભગવાનનું મંદિર તે બાંધ્યું છે એ તો કહે !’ વલ્લભે હસતા હસતા પૂછ્યું.

‘એલા ભાઈ, આપણા દેશમાં દેવના ક્યાં દુકાળ છે !’ કહેતા ચીમન ખડખડાટ હસી પડ્યો, સાથે વલ્લભ અને નરશી પણ હસી પડ્યા.

આ ત્રણેયની વાતો સાંભળીને જાણે ભાણને ધરતીમા સમાય જાવું હોય એમ એ ઝડપથી આથમણી દિશાએ ઘસી જતો હતો. જીર્ણ, નામશેષ થઇ રહેલુ આછું અજવાળું અંધકારમા ગરક થઇ રહ્યું હતું. ધરતી પર કાળી રાતનું સામ્રાજ્ય વિસ્તરતું જતું હતું, અસીમ વિસ્તરતું જતું હતું…….

One thought on “આબરૂદાર ધંધો !

  1. માણસ મંદિર વેચશે , મસ્જીદ વેચશે , કોક દિવસ જો તું ( ભગવાન ) મળે તો તને પણ વેચી નાખશે .પૈસા માટે માનવ કેટલી હદ સુધી જઈ શકે એ કોણ સમજી શકે ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.