Posted in મારા રમુજ લેખો

છત્રીની વ્યથા (૩)

ગતાંક થી ચાલુ

આજના યુગમાં છત્રીને સાથે રાખવામાં બધાને શરમ આવે છે, હાલના વૃધ્ધો હજી અમને ચાહે છે પણ એ બિચારાઓને ખુદની સંભાળ માટે બીજાઓને સાથે રાખવા પડે છે તો અમને ક્યાંથી સાથે રાખે ! છત્રી સાથે રાખવા કરતા માણસો ભીંજાવાનું વધારે પસંદ કરે છે. હાં, રેઇનકોટ હોય તો જુદી વાત ! ભલા માણસ રેઇનકોટમા એવું તો શું છે જે અમારામા નથી ? રેઇનકોટ ફાટે તો તમે એમાં થીગડું મારી શકશો ? રેઇનકોટ પર તમે તમારું નામ લખી શકશો ? રેઇનકોટ તમે ઉનાળામાં પહેરી શકશો ? રેઇનકોટથી તમે કોઈને ફટકારી શકશો ? રેઇનકોટને તમે ભંગારમાં વેચી શકશો ? વળી સમયની દ્રષ્ટિએ જુઓ, રેઇનકોટ પહેરવા કાઢવામા કેટલો સમય બગડે છે ? જેની વિપરીત અમે ક્ષણમા ખુલબંધ થઈએ છીએ. કિંમતની દ્રષ્ટિએ જુઓ, છત્રીઓ જ બાજી મારશે. હવે તો અમારી જાતિમાં પણ અવનવા રૂપ, રંગો, આકાર ઉપલબ્ધ છે.

અમારી આટ આટલી ખૂબીઓ છતાં આપણો સમાજ પુત્રની ઘેલસા પાછળ જ છે. શાસ્ત્રોમાં સ્વીકાર થયો છે કે  ‘વ’  નામના સંકટ સામે રેઇનકોટ અને છત્રી બંને યોગ્ય અને સક્ષમ છે છતા પહેલા રેઇનકોટ શા માટે ? તેને આટલું મહત્વ શા માટે ? ક્યાં ગયા પેલા બેટી બચાવો વાળા ? સ્ત્રી હક્ક સમાનતા વાળા ?

ધોધમાર વરસાદ, બેકાબુ તોફાન વગેરે જેવી ભયંકર પરિસ્થિતિઓમાં અમારે અમારી ફરજો નિભાવવાની હોય છે. આવા કપરા સમયે અમે અમારા ‘ઓનર’નું રક્ષણ કરવા માટે અમારી પૂરી તાકાત લગાવી દઈએ છીએ, છતાં ઘણી વાર કુદરતની તાકાત સામે અમે નબળા પડીએ છીએ તો એમાં અમારો શું વાંક ગુનો ? પણ .. રે માણસની ભૂંડી જાત ! આવી વિકટ પરિસ્થિતિમાં એ ખી..ખી…કરતા હસીને ‘કાગડો થઇ …કાગડો થઇ’ કહીને અસહ્ય કટાક્ષોનો મારો ચલાવે છે. સરહદો પર આપણા જવાનો જયારે આપણા દેશનું રક્ષણ કરતા કરતા ઘાયલ થાય છે ત્યાર તો તેઓ પર કોઈના હસ્યાનું સાંભળ્યું નથી, તો અમારી  આવી ક્રૂર મજાક શા માટે ? અને વળી કાગડો જ શા માટે ? વિશ્વમાં અનેક પંખીની જાતો છે તેમાંથી કાગડો જ કેમ ? અને છતાય સહનશીલતાની હદ તો ત્યારે આવે છે કે માણસોને જે દીઠાય ગમતા નથી, અરે જોતા જ જેની પર છુટ્ટા પથ્થરના ઘા કરે છે અને મનમાં ને મનમાં શબ્દોકોશ બહારના શબ્દો બોલાઈ જાય છે, એવા કાગડાઓને પણ માણસો વર્ષમાં એકવાર પિતૃતુલ્ય ગણી, ભાવતું ભોજન આપી, વર્ષભર પોતે કરેલા તેના અપમાનની માફી માંગે છે..

તો અમારે માટે કશું નહિ ? અમે માણસો પાછળ અમારી આખી જિંદગી ખર્ચી નાંખીએ છીએ, છતાં અમારી નોંધ સુધ્ધા ન લેવાય ? વાહ રે ! માણસો.

એક તો સ્ત્રીઓની જાતમા જન્મ, એમાંય પાછું છત્રીનું આયખું. પછી જિંદગી કેવી હોય એ તો તમને ખબર પડી જ ગઈ હશે. હું એ પુરુષ ભેગી તેના ઘરમાં આવી પછી છત્રીવૈતરામાં ત્રણ વર્ષ ક્યાં પસાર થઇ ગયા તેની ખબર જ ન પડી. આ ત્રણ વર્ષ દરમ્યાન ચોમાસું પૂરું થાય એટલે તરત મારા શરીરે કાગળ કે પ્લાસ્ટિક વીંટીને મને કારાવાસમાં નાખતા હોય એમ માળે ઘા કરી દેવામાં આવતી. આ વર્ષો દરમ્યાન મારી સાથેની પેલી બંને છત્રીઓને ભંગાર સાથે વેંચી દેવામાં આવી. તેથી હું સાવ એકલી હતી અને મારી જિંદગી  પૂરી થવાની રાહ જોતી હતી કે એક દિવસ એક નવો બનાવ બન્યો.

ગયા વર્ષે ચોમાસામાં પેલી સાસુ જેવી લાગતી સ્ત્રીને મંદિરે જવું હોવાથી તે મને પણ સાથે લઇ ગઈ. ત્યાં મંદિરના પગથીયા પાસે અમારી જેવા જ સેવાના ભેખધારી બુટ-ચંપલો અને અન્ય સામાન રાખવામાં આવતો હતો. પેલી સ્ત્રીનું મન માનતું નહોતું, છતાય કમને તેણે મને મંદિરના પગથીયા પાસે પડેલી બીજી છત્રીઓની નીચે સંતાડી, ને પછી દર્શન કરવા ગઈ. પરંતુ મંદિરમાં ભીડનો લાભ લઇ તમે (લેખકે) મારું અપહરણ કર્યું. પારકી છત્રીને આમ બધાની સામે ઉપાડી જવામાં તમને લગીરે શરમ ન આવી ?. પહેલા તો આ ઘટનાને હું ‘ચોરી’ કહેતી હતી ને માનતી પણ હતી. પણ જ્યારથી મને ખબર પડી કે તમે લેખક છો ત્યારથી  ‘અપહરણ ‘ જેવા સારા શબ્દોનો ઉપયોગ કરું છુ કારણ કે મને પેલી બંને છત્રીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે લેખકો અને કવિઓ અલગારી હોય છે અને તેઓને કોઈ વાતનું ભાન રહેતું નથી. છતાં ચોરી કે અપહરણ એ બંને શબ્દોનો અર્થ મારી દ્રષ્ટિએ એકજ છે.

તમે ઈશ્વરના દર્શન કર્યા  હતા કે નહિ એ તો ઈશ્વર જાણે પણ મને ઉપાડી, ફટાફટ ત્યાંથી ભાગીને તમે ઘરે આવી ગયેલા. હું તો સ્ત્રી ને એમાંય પાછી છત્રી એટલે વિરોધ ન કરી શકી. અને સાચું કહું તો મને મનમાં એમ હતું કે ઘર બદલે તો કદાચ ત્યાં સારી રીતે જીવવા મળે, પણ ના, સુખને અને અમારે વેર. તમારે ઘરે આવ્યા પછી તમે અને તમારા ઘરના સભ્યોએ પણ મારી પાસે છત્રીવૈતરું કરાવી, ચોમાસું જતા જ મને અગાસીના એક ખૂણામાં ત્યજી દીધી. તે ઠેઠ આ ચોમાસામાં તમે મારા ઉપરની ધૂળ ખંખેરી. હવે આ ચોમાસું પૂરું થવા આવ્યું છે એટલે આમ મરવા જેવી સ્થિતિમાં મને પાછી અગાસીના ખૂણામાં નાખી દીધી છે. પેલા પુરુષના ઘરમાં મને ભલે બાંધીને રાખતા છતાં મારી ઉપર છત રહેતી, જયારે અહિયા સાવ ખુલ્લી અગાસીમાં ! મફતમાં આવી છું ને વળી, એટલે જ, બીજું શું ! ને પાછા તમે મંદિરે પણ વારંવાર જાવ છો તેથી તમને બીજી તો ચિંતાય શેની હોય ?

‘ઘણું લખાઈ ગયું નહી ? બસ, મારે આટલું જ લખાવવું હતું.’ કહેતા છત્રીએ પૂર્ણાહીતી કરી.

છત્રીની વાત સાંભળી, મારી હાલત સાવ પાતળી થઇ ગઈ. તેમાંય પાછી તેની ‘અપહરણ’ની વાત સાંભળી, હું છત્રી સામે જોઈ શકયો નહિ.

‘એ તો … હું ત્યારે જરા ઉતાવળમાં હતો. મારા એક કવિમિત્રને હું મંદિરમાં જોઈ ગયેલો તેથી ભાગવું પડ્યું, ઉતાવળમાં તને મારી જ છત્રી સમજીને ઉપાડેલી, ઘરે આવીને મને ખબર પડેલી કે આ આપણી છત્રી નથી.’ -મેં મારો બચાવ કર્યો.

‘તમારી પેલી ગયેલી છત્રીને મેં મંદિરમાં જોયેલી, સાવ જર્જરીત અને કટાઈ ગયેલી. એ છત્રીને પગથીયા પાસે મુકીને તમે સાવ નિશ્ચિંત, મંદિરમાં ગયેલા ને થોડીવારમા જ ઉતાવળા પાછા આવીને, મને ઉપાડી ચાલી નીકળેલા‘  છત્રી બોલી,

‘એ સંજોગો જ એવા હતા કે મારે ભાગવું પડ્યું, ઘરે આવ્યા પછી તને પાછી મૂકી જવાનો મને વિચાર આવેલો, પણ ત્યાં પાછો જાવ ને લોકો મને ઉઠાવગીર સમજીને લમધારી નાખે તો ! એ ભયે મેં તને સ્વીકારી લીધી‘  મેં કહ્યું.

‘સારું, જે હોય તે, પણ પેલા પુરુષના ઘરે હું હોત તો હજી ત્રણ ચાર વર્ષ કાઢી નાખત. પણ હવે અહિયા લાગે છે કે આ મારું છેલ્લું વર્ષ છે‘ છત્રી નિસાસો નાખતા બોલી.

‘અરે એમ તો હોતું હશે ? ચાલ, તને હું ઘરમાં રાખું છું‘…કહેતા હું છત્રીને લઈને અગાસીથી નીચે ઉતરવા લાગ્યો……..

——સમાપ્ત——

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.