Posted in મારા રમુજ લેખો

છત્રીની વ્યથા (૨)

ગતાંકથી ચાલુ …..

ખેર ! એ મુસાફરીને અંતે હું એક નાનકડી દુકાનમાં આવી પહોચી. સાચું કહું તો મને અહિયા  આવવું ગમ્યું હતું, મને લાગ્યું કે એ દુકાન મારૂ ઘર છે ને હું મારા માતાપિતા પાસે આવી ગઈ, દુકાનનો એ વેપારી મને મારા પિતા હોય એવું લાગ્યું. અહી મને પ્રેમ મળશે એવી આશા હતી પણ મારી એ આશા ઠગારી નીવડી. દીકરીને ઘરમાં વધારે સમય રાખવા કયો બાપ રાજી હોય ? એમાય પણ ઘણી બધી યુવતીઓ નો બાપ ! અમે દુકાનમાં દસેક છત્રીઓ હતી. પેલા વેપારી એ પણ અમને વહેલા મા વહેલી તકે અહીંથી કાઢવા માટે પ્રયત્નો કરવા લાગ્યો. વિવાહ યોગ્ય યુવતી ને કોઈ પસંદ કરી લે તે માટે વિવિધ રીતરસમો કે કાવાદાવા અપનાવવામાં આવે છે એ રીતે પેલા વેપારીએ પણ અમને વળાવવા વિવિધ તરકીબો અજમાવી, દુકાનની દિવાલમાં એક કાળા બોર્ડમાં ‘નવી છત્રી આવી ગયેલ છે ‘ મતલબનું લખાણ લખ્યું, જાણે અખબારોમાં લગ્નસંબંધી જાહેર ખબર આપી હોય. હું સરેઆમ બઝારમાં લટકાવવામાં આવી, આખો દિવસ હજારો માણસોની નજરોથી વિંધાયેલી હું શરમથી મરી ગઈ. ધરતી માર્ગ આપે તો સમાવવાની ઈચ્છા થઇ આવી. હું મનોમન પ્રાથના કરવા માંડી કે કોઈ મને ખરીદીને આ શર્મસાર હાલતમાંથી ઉગારે, એક તો સ્ત્રીની જાત અને ઉપરથી આમ સરેઆમ બઝારમાં લટકાવવામાં આવતા હું ખુબજ નાશીપાસ થઇ, મને આધાત લાગ્યો અને આવો જન્મ આપવા બદલ હું મારા જન્મદાતાને કોશવા લાગી. સામંતશાહીમાં સ્ત્રીઓની લે વેચ થતી, હજી આજે પણ ક્યાં નથી થતી ?

અંતે એક દિવસ એક પુરુષે ઘણી છત્રીઓ જોઈને પછી મારી પસંદગી કરી, મેં મનોમન અહીંથી છૂટવા બદલ ભગવાનનો આભાર માન્યો. પેલા વેપારીએ પેલા અજાણ્યા પુરુષ સાથે મને વળાવી દીધી, અને મને લઈને એ માણસ ચાલી નીકળ્યો. રસ્તામાં હું મારા નવા ઘરના, નવા માણસોના સ્વપ્નાઓ જોવા માંડી.પેલી નવોઢા જે રીતે શરમાઈ, તેવીજ હાલત મારી હતી. કદાચ મારા દુખના દિવસો હવે પુરા થઇ ગયા ને સુખનો સુરજ ઉગશે એવું મને લાગતું હતું પણ મારા નશીબમાં સુખ ક્યાં હતું ?, મારા બધાં સ્વપ્નો માત્ર ભાંગીને ભુક્કો જ નહિ પણ સાવ બારીક પાવડર થઇ ગયા. પરણીને પહેલી વાર જયારે યુવતી સાસરે આવે અને તેને ખબર પડે કે પોતાના આ ભરથારના ભાથામાં મારા સિવાયની બીજી બે પત્નીઓ છે તો પેલી યુવતીની હાલત કેવી થાય ? આ આઘાત સ્ત્રીઓ કદાચ સમજી શકે, પણ પુરુષો આ દશા ન સમજી શકે, પુરુષોને આવો આઘાત સમજાવવા એવું ઉદાહરણ આપવું પડે કે લગ્નની પ્રથમ રાત્રીએ જયારે પુરુષને ખબર પડે કે જે યુવતી સાથે તેણે લગ્ન કર્યા છે તે યુવતીના તેના સિવાયના બીજા બે પતિઓ નીચે પાનવાળાની દુકાને હક્કદાવા માટે ઝગડી રહ્યા છે‘ આવું જાણ્યા પછી એ પુરુષની સ્થિતિ કેવી થાય ?

હું ઘરે આવી ત્યારે મને ખબર પડી કે મારા સિવાયની આ ઘરમાં બીજી બે છત્રીઓ ‘ઓલરેડી’ છે, દુલ્હન જયારે પહેલીવાર સાસરે આવે, ત્યારે તેને એક બે દિવસ આરામ આપી તેનો ખ્યાલ રાખવામાં આવે છે તેની વિપરીત હું જેવી ઘરમાં દાખલ થઇ કે તરત જ ઘરમાં બધાં સભ્યોએ મને ઘેરી લીધી. અને સાવ કારણ વગર મને ખોલબંધ ખોલબંધ કરી મને અધમુવી કરી નાખી. એમાંય એક સાસુ જેવી લાગતી સ્ત્રીએ તો હદ કરી નાખી, માત્ર પોતાની શંકાના સમાધાન માટે તે મને ઘર બહાર લઇ ગઈ ને મારી માથે એક આખી ગાગર પાણી રેડીને જોઈ લીધું કે આ છત્રીમાંથી પાણી તો નથી ઝરતું ને ? આવા આઘાતો વચ્ચે મને ઘરના એક ખૂણામાં મુકવામાં આવી જ્યાં પેલી બે છત્રીઓ પહેલાથી પડેલી હતી.

મારી ધારણા વિરુદ્ધ એ બંને છત્રીઓએ મને વ્હાલથી બોલાવી અને મારી સાથે માયાળુ વર્તન દાખવ્યું. હું ખુશ થઇ કારણ કે આવો પ્રેમ મને હજી સુધી ક્યારેય મળ્યો ન હતો. રાતના જયારે ઘરના બધાં પોઢી ગયા ત્યારે પેલી બેઉ છત્રીઓ મારી સાથે વાતે ચડી અને બંનેએ પોતાની આપવીતી કહી સંભળાવી, તેની કહાની સુણીને મને તે બંને માટે સહાનુભૂતિ થઇ. એ બંને છત્રીઓની વય હવે લગભગ પૂરી થવાને આરે હતી, એક છત્રીનો સળીયો તૂટી ગયો હતો, વળી તે ઉધાડ્બંધ પણ વ્યવસ્થિત રીતે થતી નહોતી. એટલે કે તેનું શરીર હવે કામ કરતુ ન હતું. બીજી છત્રીમાં અસંખ્ય કાણા પડી ગયા હતા, એકાદ બે મોટા કાણાઓમાં તો થીગડાં મારવામાં આવ્યા હતા. આ ઘરના દયાવીહીન વ્યક્તિઓ આ છત્રીઓ પાસેથી હજીય કામ લેતા હતા.પણ હવે વધારે સમય એ બંને ખેંચી નહિ શકે એવું લાગતા મને લાવવામાં આવી હતી.

હું તો ઉમર અને અનુભવ બંનેમાં ખુબ નાની હતી. તેથી પેલી બંને છત્રીઓએ અમારી છત્રીઓની જિંદગી વિષે, અમારી ફરજો વિષે, અમારા પહેલાના માનસમ્માનથી માંડીને હાલના સમયમાં છત્રીની દારૂણ સ્થિતિ વિષે વિસ્તારપૂર્વક વાત કરી. હું તો આંખો બંધ કરી માત્ર સાંભળતી જ રહી, સવાર સુધીમાં તો મારી આંખોમાં આંસુઓ આવી ગયા, આવી જિંદગી અમારી છત્રીઓની ! મને ધ્રુજારી આવી ગઈ,

સૌથી મોટું દુખ એ જાણીને થયું કે અમારી જિંદગી પરાવલંબી છે. જો વરસાદ થાય તો જ અમને બહાર કાઢવામાં આવે અન્યથા અમને કોઈ યાદ પણ કરતું નથી. વરસાદ ચોમાસાના ત્રણ ચાર મહિના જ હોય, વળી ચોમાસું હોવા છતાં વરસાદની ઈચ્છા હોય તો જ એ આવે, આમ વરસાદ ચાલુ હોય તો જ અમારું જીવન ધન્ય, બાકીની જિંદગી કેદીની જેમ મેળા પર વિતાવવાની. માત્ર સ્વાર્થ ખાતર અમારો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર બાદ વિસારી દેવામાં આવે છે.

પેલી બંને છત્રીઓ પાસેથી મને જાણવા મળ્યું કે વીસ પચ્ચીસ વર્ષ પહેલા અમારી સ્થિતિ ઘણી સારી હતી, કારણ કે ત્યારે માણસોમા પુત્રપ્રાપ્તિની ઘેલસા આટલી તીવ્ર ન હતી. પુત્ર(રેઇનકોટ)ની સાથે અમને પણ સર્વત્ર આવકાર મળી રહેતો હતો. તે જમાનામાં વડીલો અમારી ખુબજ સારી સારસંભાળ રાખતા હતા. અમારી ઉપર સુંદર અક્ષરે પોતાનું નામ લખાવતા અને તેઓ જ્યાં જતા ત્યાં અમને સાથે લઇ જતા. ઉપરાંત સૌથી મહત્વની વાત એ હતી કે અમારો ઉપયોગ માત્ર ચોમાસા પુરતો જ નહિ પણ ઉનાળામા પણ અમે અમારી ફરજ અદા કરતા, ઉનાળાના તાપથી બચવા તેઓ અમારી સેવા લેતા. ત્યારે તેઓ અમને એક સ્વજનની જેમ સાચવીને રાખતા, કદાચ તમારા માન્યામા અત્યારે નહિ આવે પણ એ જમાનામાં અમેં ખુબજ ઉપયોગી વસ્તુ ગણાતા, તેથી અમારી ચોરી પણ થતી અને એ ચોરીની ફરિયાદ પણ થતી. એ સમયમાં અમારા ડોક્ટરો માટે અને તેના વ્યવસાય માટે માનથી જોવાતું.  આજે તેઓની હાલત તમે ક્યાં નથી જાણતા ?.

આ હા હા ! એ જમાનામાં અમારા મુખ્ય કામ સિવાય પણ બીજા કેવા સરસ કામ હતા અમારે માટે ! જૂની યાદગાર અને અયાદગાર ફિલ્મોમા હિરોઈન સાથે અમારી હાજરી પણ અનિવાર્ય ગણાતી. અમારા માધ્યમ વડે હીરો હિરોઈન વચ્ચે પ્રેમ પાંગરતો, ત્યારબાદ હીરો હિરોઈનના પ્રેમગીત દરમ્યાન અમને આડે રાખીને તેઓ કેવું કેવું કરતા ! અમને તો ત્યારે બહુ શરમ આવતી. રાજકારણમાં પણ વિવિધ પક્ષો અને અપક્ષોએ  અમને તેમનું ચૂંટણીપ્રતિક રાખીને અમોને માન આપેલું. સાહિત્યમાં પણ અમારું નામ આદરથી લેવાતું. અસંખ્ય કૃતિઓમાં અમને માનભર્યું સ્થાન આપવામાં આવ્યું હતું.

ને આજે ?, આજના કવિઓ કેવી કવિતાઓ લખે છે ?  ‘ફેકી દે છત્રી ને ભીંજાય જા તું‘  સાવ આમ !  ચાલો આ તો ઠીક પણ પેલા હાસ્ય લેખકો, જાણે અમારું કાઇ માન, કોઈ મહત્વ જ  ન હોય તેમ, સૌથી પહેલો લેખ  અમારી પર જ લખે, અને લેખ પણ કેવો ! જાણે જોરજબરજસ્તી, કોઈ વળી ભીરુ લેખક હોય તો જોરજબરજસ્તી નહિ તો છેવટે છેડતી તો કરી જ લે.

વધુ આવતા અંકે …

One thought on “છત્રીની વ્યથા (૨)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.