Posted in મારા રમુજ લેખો

છત્રીની વ્યથા (૧)

ભાદરવા મહિનાની એક સાંજે, દિવસભરના આકરા તાપનું જોર ઓછું થતા હું અગાસી પર ખુરશી ઢાળીને બેઠો છું. મારી નજર અગાસી પર પડેલ જૂની પુરાની વસ્તુઓ પર ફરે છે. ત્યાં ખૂણામાં જૂની સાઈકલ પાસે એક છત્રી પડી છે, ઘણા દિવસોથી તડકામાં રહેવાને કારણે તેનો રંગ ઉડી ગયો છે, સાવ નિર્જીવ જેવી. મારી નજર તેના પર સ્થિર થઇ, પછી મેં નજર ફેરવી લીધી.

‘સાંભળો છો ?‘ એક માંદલો, સ્રી જેવો અવાજ આવ્યો. હું ખુરશીમાંથી ઉભો થઇ ગયો, આમતેમ  જોવા માંડ્યો, અગાશી પર મારા સિવાય કોઈ ન હતું.

‘હું બોલું છું, આમ જુઓ, તમને કહું, અહી, ખૂણામાં જુઓ.’  હું બાઘાની જેમ આમતેમ નજર ફેરવવા માંડ્યો પણ ક્યાંય…. અચાનક મારી નજર પેલી જૂની છત્રી પર પડી, હા, અવાજ ત્યાંથીજ આવતો હતો.

‘હું જ, હું છત્રી બોલું છું’ મારા ભયાસ્ચાર્ય વચ્ચે ખુણામાની પેલી છત્રી બોલી રહી હતી. મને પરસેવો વળી ગયો.

‘મારે તમારી સાથે થોડી વાતો કરવી છે, મને સાંભળોને‘ પેલી છત્રીએ પાછુ કહ્યું.

‘હા.., નાં, … પણ …’  હું થોથવાયો, ગુંચવાયો, ગભરાયો ને ધબ્બ કરતો પાછો ખુરશી પર બેસી ગયો. થોડી વાર પછી હું સ્વસ્થ થયો, મનને મનાવ્યું કે છત્રી જ છે તેનાથી બહુ ડરવાની જરૂર નથી, એટલે થોડી હિમ્મત કરી હું પેલી છત્રીની જરા નજીક ગયો, અચકાતા મેં પૂછ્યું ‘ હા, બોલ શું કહેવું છે તારે …તમારે….;’

‘મારે મારું મન હળવું કરવું છે, પણ એ પહેલા, અહી બહુ તાપ છે, ગરમી છે. આખા શરીરે લાય લાગી છે, આજ સવારથીજ ઉગ્ર ગરમી છે, મને ત્યાં છાયામાં….’  છત્રી સુકાયેલા અને જીર્ણ અવાજે બોલી.

‘હા.., હા, કેમ નહિ,’ મને મારી ગંભીર ભૂલનો ખ્યાલ આવતા હું ભોંઠો પડી ગયો. હું છત્રીને ઉપાડીને ઝડપથી છાયા તરફ લઇ જવા લાગ્યો, પરંતુ આખો દિવસ તડકામાં રહીને છત્રી અત્યંત ગરમ થઇ ગઈ હોવાથી, છાયામાં પહોચતા પહેલા જ એ મારા હાથમાંથી ઘા થઈને ખૂણામાં ફેંકાઇ ગઈ.

‘સ..સોરી, તું ખુબ ગરમ હતી, તેથી…’  મેં જેમતેમ માંફી માંગવા પ્રયત્ન કર્યો.

છત્રી નિરુત્તર પડી રહી, તે બીમાર લાગતી હતી. એકાએક મારા ધ્યાનમાં આવતા હું થોડું ઠંડું પાણી લઇ આવ્યો અને ધીરે ધીરે છત્રી પર રેડવા લાગ્યો. છત્રીને થોડી સાતા વળી હોય એમ તે બોલી ‘આભાર, તમારો ખુબ ખુબ આભાર,’  હું મનોમન રાજી થયો, મેં કહ્યું ‘હા, હવે કહે.. તારે કંઈ કહેવાનું હતું ?

‘હા, હું છેલ્લા ઘણા દિવસોથી ત્યાં ખૂણામાં પડી છું. તમે લગભગ રોજ સવારે કે સાંજના કઈક લખતા હોવ છો, તમે લેખક છો ખરું ને ?’ છત્રી બોલી. હું મનોમન ખુશ થયો, મેં કહ્યું ‘બહુ નામી લેખક તો નહિ પણ થોડું ઘણું લખી જાણું.’

છત્રીએ કહ્યું  ‘તમને રોજ લખતા જોઈ મને પણ ‘કઈંક’ લખાવાની ઈચ્છા થઇ છે, તો તમે લખી આપશોને !’

‘હા, હા કેમ નહિ, ચોક્કસ લખી આપીશ, બોલ શું લખાવું છે તારે‘.

‘છેલ્લા ઘણા દિવસોથી જે બેદરકારીથી તમે મને અહી ખૂણામાં ત્યજી દીઘી છે, એ ઉપરથી લાગે છે કે હવે મારું આયુષ્ય પૂરું થવાને આરે છે, પણ મારું આયુષ્ય પૂરું થાય તે પહેલા મારે મારા જીવનના થોડા સારા નરસા પ્રસંગો લખાવવાની ઈચ્છા છે, લખી આપશો ને ?’

છત્રીની વાત સાંભળીને હું છોભીલો પડી ગયો. છત્રીની ઈચ્છા પુરી કરવાથી મારી ભૂલનું પ્રાયશ્ચિત થશે એમ  વિચાર કરી મેં છત્રીને પૂછ્યું. ‘હા, બોલ ક્યારે લખાવવું છે ?‘

‘અત્યારે જ ‘ છત્રી બોલી.

‘એક મિનીટ, હું કાગળ અને પેન લઇ આવું’  આટલું કહી હું ઝડપથી પેન અને કાગળ લઇ આવ્યો. છત્રીની  સામે બરોબર બેઠક લઇ હું બોલ્યો. ‘હા લખાવ હવે.’

જાણે ભૂતકાળ યાદ કરતી હોય તેમ તે થોડી વાર ચુપ રહી, પછી છત્રીએ શરૂઆત કરી…..

મારો જન્મ ભારતદેશના કોઈ એક શહેરમાં આવેલા નાના કારખાનામાં થયો હતો, જેમ  દવાખાનામા બાળકના જન્મ વખતે ડોક્ટર કે નર્સોને કોઈ ખુશી કે ગમ નથી હોતો તેજ રીતે પેલા કારખાનાના કારીગરોને મન મારો જન્મ માત્ર એક ઘટના હતી. મારો જન્મ ત્યાં થયો હોવા છતાં મારા પ્રત્યે ત્યાં કોઈને સ્નેહ હોય તેવું લાગ્યું નહિ, અરે આજે તો પુત્રીજન્મ સમયે ખુદ માબાપ ને ખુશી નથી થતી તો બીજાઓ પાસે શું આશા રાખી શકાય ?.

મારા જન્મના બીજા દિવસે મને અને બીજી થોડી છત્રીઓને એક મોટા ખોખામાં પુરીને, અપરાધીની જેમ એ મારા જન્મસ્થળથી દુર ધકેલવામાં આવી. અમે જેમાં કેદ હતા એ ખોખાને માલવાહક ગાડીના એક ગંધાતા ડબ્બામાં ઘા કરવામાં આવ્યો. અમારી સ્થિતિ સાવ બંધક હતી. પેલા કારખાનાના મજુરોએ ખુબસુરતીને નામે અમારા આખા શરીર પર પ્લાસ્ટીકનું પારદર્શક કવર ચડાવીને અમારા શરીરને બાંધી દીધા હતા. બહારથી સુંદર દેખાતી હું અંદરથી નિસહાય, દુખી અને અસહ્ય વેદના અનુભવી રહી હતી.  અમારી આવી દયનીય સ્થિતિ પર કોઈને દયા ન આવી, અને ક્યાંથી આવે ? જો તમારી પાસે ખરેખરી દ્રષ્ટિ હોય તો તમે જોઈ શકશો કે આજે પણ પુરુષોએ ખુબસુરતીને નામેં સ્ત્રીઓને કેટકેટલી બેડીઓ પહેરાવી છે ! કંગન, પાયલ, સિંદુર, મંગલસુત્ર વગેરે, આ બધી એક પ્રકારની બેડી જ છે. અને અમારી સ્ત્રી જાતિની  કઠણાઈ કે અમેં સ્ત્રીઓ આવી બેડીઓ ઉત્સાહપૂર્વક પહેરીએ છીએ. જો કે હવે સમય થોડો બદલાયો હોવાથી અને પેલી બેડીઓમા સિંદુર(પતિ) ને બાદ કરતા બીજી બેડીઓ ખુબજ મોંધી થઇ ગઈ હોવાથી આવી  બેડીઓ ખરીદતા પુરુષને પરસેવો વળી જાય છે. તેથી પરુષો  સ્ત્રીને આવા બંધનોથી મુક્તિ આપવા તૈયાર છે, પણ અફસોસ, અમારી સ્ત્રીઓની જાત પેલા બંધનો, છોડવા તૈયાર નથી.

વધુ આવતા અંકે ….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.