Posted in મારી વાર્તાઓ

દમુમાં

          દમુમાંએ આંખો ખોલી, પ્રયત્નપૂર્વક આજુબાજુ આંખો ફેરવી, સામે ધૂંધળી અજાણી છત હતી. જોતા જ ખ્યાલ આવી ગયો, પોતે હજી દવાખાનામાં જ છે. દમુમાને માથું ભારે ભારે લાગતું હતું, માથામાં સણકાનો અહેસાસ થયો, પણ દમુમાંના મનમાં બીજી ઉપાધી હતી. દમુમાએ આંખો પર હાથ ફેરવીને ખાતરી કરી લીધી, ચશ્માં નથી પહેર્યા. પથારી પર બેઠા થવાના પ્રયત્નમાં નિષ્ફળતા મળ્યાથી દમુમા સુતા સુતા જ હાથ વડે પથારીમાં અને બાજુના સ્ટુલ પર હાથ ફંફોસી ચશ્મા શોધવા લાગ્યા. સામેની પથારી પરના દર્દીના સગાનું ધ્યાન પડતા તે ઉતાવળે દમુમાં પાસે આવ્યો ‘ શું ગોતો છો માજી ?’.

‘મારા ચશ્માં ભાઈ,‘  દમુમાએ પથારી પર હાથ ફેરવતા કહ્યું.

‘આ રહ્યા,’ પેલા પુરુષે સ્ટુલના ખૂણે પડેલા દમુમાંના ચશ્માં ખોલીને દમુમાંને આપ્યા, દમુમાએ ચશ્માં પહેર્યા.

‘હં, ‘ હવે બધું બરોબર દેખાતું હતું, દમુમાં પેલા પુરુષ સામે જોઈ રહ્યા. પોતાના નાનકા જેવડો જ લાગતો હતો.

‘કાનો તારું ભલું કરે દીકરા’  દમુમાએ ફરી બેઠા થવા પ્રયત્ન કર્યો. પેલા પુરુષે દમુમાને પથારી પર બેસવા માટે મદદ કરી.

‘ક્યાં રહો છો માજી ?, તમારી સાથે કોઈ નથી ?;’ પેલા પુરુષે પૂછ્યું.

‘હું એકલી જ દવા લેવા આઈ સું ભાઈ, આ હાથપગમાં હોજા ચડી જાય છે ને દિલમાં ગભરામણ, દાક્તરે રપોટ કરવાનું કીધું તે રપોટ કરવા જાતી’તી તંય માથું ફરવા માંડ્યું ને આંખ્યે અંધારું  ..’ પછી કઈંક યાદ આવ્યું હોય તેમ પેલા પુરુષને દમુમાએ પૂછ્યું,  ’હું આય કેમ આવી ? કોણ લાવ્યુ મને ?’’.

‘બારેક વાગે દવાખાનાના બે પટાવાળા ને એક નર્સ તમને અહી લાવ્યા, તમે ભાનમાં નો’તા, પટાવાળાએ કહ્યું  કે તમે દવાખાનાની લોબીમાં પડી ગયા હતા. તમને અહી લાવ્યા પછી ડોક્ટર આવ્યા હતા તમને તપાસીને દવા લખી ગયા છે, બે ઈન્જેક્સન પણ આપ્યા,’ પેલા પુરુષે માહિતી આપી.

દમુમાંના ચહેરા પર ચિંતાઓ ફરી વળી, ’મને બપોરે આય લાવ્યા’તા તો..તો અત્યારે કેટલા વાઈગા  ભાઈ ?‘  દમુમાએ પેલા પુરુષને વ્યગ્રતાથી પૂછ્યું .

‘ અત્યારે …અત્યારે ત્રણ વાગ્યા છે માજી ‘.  પેલા પુરુષે કાંડા ઘડિયાળમાં જોઈને કહ્યું.

‘ત્રણ  વાગ્યા છે ‘ સાંભળતા જ દમુમાં માથે જાણે વીજળી પડી હોય તેમ તેના મુખમાંથી લગભગ ચીસ નીકળી પડી ‘ હે , હે કાના., તણ વાગી ગ્યા ! તણ ..’  દમુમાંના કૃશ શરીરમાં જાણે શક્તિનો ધોધ છુટ્યો હોય એમ દમુમાં ફટાફટ પથારી માથી ઉભા થઇ ગયા, સાવ એકલપંડે !

મારે ઘેર જવું સે , મારે ઘેર જવું પડશે ..’ દમુમાં બોલતા બોલતા ચાલવા માંડ્યા. પેલા પુરુષને શું કરવું તેની કાઈ ગતાગમ પડી નહિ, આટલી વારમાં તો દમુમાં ત્વરિત દસ ડગલા દુર નીકળી ગયા. પેલા પુરુષે દમુમાં પાછળ દોટ મૂકીને દમુમાંનું બાવડું પકડી લીધું. ’માજી તમારી તબિયત…..’ ‘મારી તબિયત ઠીક સે,  મારે ઘેર જવું પડશે‘. દમુમાં પોતાની ધુનમાં જ હતા .

‘સારું પણ પેલી બાઈ(નર્સ )ને કહી ને જાવ, ને થોડી દવા લેતા જાવ’ અજાણ્યો માણસ આથી વિશેષ તો શું કહી શકે, કરી શકે !. દમુમાં નર્સ પાસે ઝડપથી પહોચી ગયા. ‘ બેન હું જાવ સું’ .

‘માજી, તમારે આરામની જરૂર છે  ડોક્ટર સાહેબ હમણાં આવશે તેને બતાવીને જજો’ નર્સે દમુમાં સામે જોતા કહ્યું.

‘ના બેન, મારે ઘેર જવું સે,  હું જાવ સું’  દમુમાંના સ્વરમાં નિર્ણયાત્મક્તા આવી.

‘પણ માજી તમારે ઘરે શું કામ છે ? આવી હાલતમાં રસ્તામાં ક્યાંક પડી જશો તો ..’.નર્સ પછીના શબ્દો બોલતા અટકી ગઈ.

‘મને ઠીક છે બેન, હું જાવ સું‘ નર્સ અને પેલો પુરુષ બંને દમુમાને દરવાજામાંથી અદ્રશ્ય થતા જોઈ રહ્યા.

           દમુમાં સીધા જ બસસ્ટેન્ડમાં પહોચી ગયા, ગામ તો બહુ દુર ન હતું ! બસ પણ ઝડપથી દોડી રહી હતી ને એથીય વધારે ઝડપથી દોડતું હતું દમુમાંનું મન. ‘ભગત હવારના ઘેર એકલા જ સે, બપોરનું કઈ ખાધું પીધું હઈશે કે….હવે તો ટેકા વના ખાટલાથી ઉભા’ય ક્યાં થાય’સ, દવા’ય ઘણી કરી પણ અવસ્થા જ …પાસિ હાંજ થઇ, ભગત ચંત્યાં કરીને અડધા ‘થ્યા હઈશે. દમુમાંનું મન ભગતની ચિંતાથી ધેરાય ગયું. હવારમાં જ ભગતને એકલા મેલીને દવાખાને જાવામાં મન માનતું નો’તું, એક તો ભગતની ચંત્યાં ને પાછુ શેરના મોટા દવાખાનામાં કાઈ એકલીને ગતાગમ પડે નય. પણ આ મુઈ કાયા’ય હવે તો જવાબ દે સે, સેલાં પંનર દા’ડાથી સાતીમાં ગભરામણ, મુઈ અવસ્થા એકલી આવે ને લાખ દરદ લાવે ! ‘હે કાના ! મારા વાલા, હંભાળજે’ દમુમાંના મુખમાંથી અસ્ફુટ શબ્દો સરી પડ્યા. દમુમાએ બસમાં આમતેમ નજર દોડાવી પછી બારી બહાર જોવા લાગ્યા.બારીમાંથી ઝડપથી પસાર થતા દ્રશ્યો જોતા જોતા દમુમાં પાછા વિચારે ચડ્યા,  ‘ભગત અવસ્થાથી મજબુર થ્યા, બાકી કોઈ દા’ડો મને એકલી ન મેલે, આખી જીંદગી ગઈ, ક્યાય ઉની આંચ આવવા નથ દીધી. હું તો દવાખાના જવાની નાં પાડતી’તી તોય મને ધરાર દવાખાને મોકલી જ, આટલા બીમાર હોવા છતાંય કીધું, ‘મારી કાયા હવે હાલતી નથી બાકી તારી જોળે આવત, તું શેરના દવાખાનેથી હારી દવા લે, મારી ચંત્યાંમાં તારી કાયા હાવ લેવાઈ ગઈ, આડોશપડોશમાંથી કોક ને લઇ જા, તને એકલીને એવળા મોટા દવાખાનામાં કઈ ખબર ન’ય પડે. આડોશપાડોશને કીધુ હોય તો ભેગા આવવાની નાં ન પડે પણ એનાંય બચારના કામ ધંધા બગડે. પડોશી તો બધાય હારા છે ટાણે કટાણે, જયારે અવાજ દ્યો. હાજર થઇ જાય. બાકી આ ઉમરે એકલા ડોહાડોહીનું જીવન જીવવું ઝેર થઇ જાય. બધાય હારા સે. દીકરા વવઓ કરતા તો હારા જ . બાકી તણ તણ દીકરા હોય તો’ય આમ ઝૂરી ઝૂરીને સેલ્લા દા’ડા કાઢવાના ! ત્રણ ત્રણ દીકરાવહુને એક દી નો’ય ટેમ નથ .નાનકો વળી મયને એક બે આંટો મારી જાય બાકી બેઉ મોટા માટે તો અમે જાણે મૂઆં જ .તણેય દીકરાના ધંધા રોજગાર શે’ર માં થ્યા ને વવઓને  આ બીમાર ડોહાડોહી  ને હારે રાખવા ગમે નય. વવ મોઢે તો નાં કે પણ હાવભાવથી ખબર પડી જાય બેન, અભણ સિએ તો શું આખું જગ જોયુ સે.

           બસના પૈડા થંભી ગયા સાથે દમુમાંના વિચાર પણ,  દમુમાએ બહાર જોયું ને સ્વાગત જ બોલ્યા ‘ ‘શિવપુર આવ્યું હવે થોળી વારમાં અમારું પાદરીયું’. એકાદ બે મુસાફર નીચે ઉતર્યા અને એક નવયુગલ બસમાં ચડ્યું. દમુમાની પાસેની સીટ પર એ યુગલ બેઠું, બસ ચાલતા એ યુગલ પોતાની દુનિયામાં વિહરવા માંડ્યું. દમુમાં એ યુગલ સામે જોતા હતા, ધ્યાનથી જોતા હતા જાણે એ યુગલમાં દમુમાં ને પોતાનો ભૂતકાળ નજરે આવતો હતો…..’ત્યારે તો દમુમાં માત્ર દમયંતી હતી ને ભગત હતા ગોવિંદ. ત્યારે તો આમ જોડેજોડ બેસવાની વાત તો આધી, ધણી હારે હલાતું પણ નંય. લગનના બીજે દી નાનકાના બાપુનું મોઢું પેલી વાર જોયું’તું. મોટી કાળી ભમ્મર આંખ્યું, રતુંબળો વાન ને પાણીદાર મૂછો. તે દી પેલી વાર નાનકાના બાપુ હારે પ્રથમ વાર આંખ્યું ટકરાઈ ને બીજી ક્ષણે દમયંતી જોરથી હસી પડી, હસવાનું ખાળવા મારે મોઢે હાથ આડો રાખી મો ફેરવી લીધું હતું, છતાંય હસવાનું દબાવી શકાયું નો‘તું.

‘કાં આટલું હસવું આવ્યું ‘ ગોવિંદે કુતુહલથી પૂછ્યું હતું.

જવાબમાં દમયંતી પાછી ખીલખીલ હસી પડી. ગોવિંદ આ હાસ્ય પર ઓવારી ગયો .

‘કે તો ખરી, કાં આટલું રૂડું હસવું આવ્યું.’

‘નાં , નાં  કઈ ન’ય આ તો અમસ્તું જ ‘દમયંતીએ હસતા હસતા કહ્યું હતું.

આખરે ગોવિંદે ‘ ન કે તો મારા સમ ‘ હજી અડધું વાક્ય બોલાયું ત્યાં તો દમયંતી એ પોતાનો હાથ ગોવિંદના મોઢા પર મૂકી દીધો. ‘ઉભા ર’યો  કહું ‘ કહેતી દમયંતી સામાનમાંથી એક કૃષ્ણની સુંદર મૂર્તિ કાઢી લાવી.

‘આ જુઓ ‘ કહેતા ગોવિંદ સામે દમયંતી ઉભી રહી.

‘વાહ ! કાનાજી , સુંદર મૂર્તિ છે , પણ આ મૂર્તિને ને તારા હસવા ને શું લેવાદેવા ? ‘

જવાબમાં દમયંતી પાછી હસવા માંડી ‘વાત એમ છે કે આપણા વિવાહ પસી મારી સખીઓ મને પજવવા  પૂછતી, એલી તારો વર કેવો સે ?  ત્યારે હું તેને આ મૂર્તિ દેખાડીને કે’તી,  ‘આવો’ ! વળી તમારું ને કાનાં   નું નામ પણ એકજ .’

‘હં , એટલે હસવું આવ્યું ‘ કહેતા ગોવિંદ પણ હસવા લાગ્યો હતો.

નાં, એટલે નય, પણ આ મૂર્તિને મૂછો નથી ને તમારે સે, આ મૂર્તિને મૂછો લગાડી દેવાની જરૂર હતી. ’કહેતા દમયંતી ખડખડાટ હસવા લાગી હતી.

‘કાનાજી હારે લગાવ સારો થ્યો લાગે છે ! પણ એ કાનાની ભગતીમાં મુજ ગરીબને ભૂલી ન જાતી‘ ગોવિંદે રમુજ કરી.

‘કાના હારે તો લગાવ અપરંપાર પણ હવે તો એ મારા આસમાની દેવ ને ધરતી પર તમ મારા ભગવાન .બેઉની સેલ્લા શ્વાસ લગી સેવા કરીશ.’ દમયંતીએ જવાબ આપેલો.

‘ આ લે , આ વળી નવું ! ક્યાય સાંભળ્યું છે કે ડોહી ડોહા કરતા આગળ થઈ ! તમ પરલોક સિધાવો ઈ  પેલા તો અમારા હાડકા ય ….ગોવિંદ બોલવા જતો હતો ત્યા તો દમયંતીએ પોતાનો હાથ ગોવિંદના હોઠ પર મૂકી તેને ચુપ કરી દીધો. ’મારા સમ જો આવા વેણ કાઢ્યા તો, કાનો મારીય આવરદા તમને આપી દે, આવું કાળું કોઈ દી બોલતા ન’ઈ‘ બોલતા દમયંતીની આંખોમાં ઝળહળિયા આવી ગયા હતા.

અરે ગાંડી  હું તો મશ્કરી કરું સું.‘  કહેતો ગોવિંદ દમયંતીને મનાવવા લાગ્યો હતો

          બીજે દિવસે સવારે જ દમયંતીએ કાનાજી ની મૂર્તિનું સ્થાપન કરી, બે હાથ જોડી પ્રાથના કરી હતી . પ્રાથના શું ભગવાન ને ધમકી જ આપી હતી. ‘હે કાના, મારા ‘એ’ ને લાંબી આવરદા દેજે  પછી ભલે મારી આવરદા લઇ લે, મારો ચૂડીચાંદલો અખંડ રાખજે,  બધું ભુલજે મારા વાલા પણ આ વાત ભૂલતો નય, નયતર તારી ખેર નથી, આપણો  જુનો સંબંધ દાવ પર છે એ યાદ રાખજે મારા વાલા ! ’  કાનજીની મૂર્તિ જાણે હસતી હતી. મંદ મંદ….

          બસ પછી તો આ રોજની વાત થઇ ગઈ, દમયંતી દરરોજ સવારે કાનાની પૂજા અર્ચના કરતી સાથે પતિના લાંબા આયુષ્ય માટે પેલી ધમકીના સ્વરૂપની પ્રાથના.

          સમયે તેનું કામ કર્યું, દમયંતી ત્રણ પુત્રોની માતા બની, દમયંતી માંથી દમું ને દમું માંથી દમુમાં બની. ગોવિંદે પણ પત્ની અને બાળકો માટે જાત ઘસી નાખી, સમયાંતરે ગોવિંદ પણ ભગત તરીકે ઓળખાવા લાગ્યા. ભગતે જે બાળકો માટે આખી જીંદગી મહેનત મજુરી કરી હતી એ બાળકો મોટા થતા ત્રણેયે પોતપોતાના અલગ માળા બનાવ્યા. અહી રહી ગયા માત્ર ભગત , દમુમાં અને કાનાજી ….

          વિચારોના વમળમાં ગામ ક્યારે આવી ગયું તેની દમુમાને ખબર જ ન પડી. ‘હુંય મુઈ ક્યાંની ક્યાં પોતી ગઈ’ સ્વગત બોલતા દમુમાં થઇ શકે તેટલી ઝડપથી બસથી નીચે ઉતર્યા અને ઘર તરફ ડગ ભરવા માંડ્યા. આઘેથી ઘર તરફ દમુમાની નજર પડતા ભગત ઓસરીમાં ખુરશી પર બેઠેલા, બેઠેલા શું, ઢગલો થયેલા દેખાયા, પાસે પડોશમાં રહેતો મોહન અને તેનો નાનો દીકરો પણ બેઠા હતા.

          ઓસરી સુધી પહોચતા દમુમાં થાકી ગયા, દમુમાને હાંફ ચડી પણ ભગતના મોઢા સામે નજર પડતા તો દમુમાંના જાણે સાતેય વહાણ ડૂબી ગયા. ભગતની આંખોમાં ચિંતાના, ડરના, ઓશિયાળા થવાના, ઇન્તેજારીના ભાવ સાગમટા દમુમાં વાંચી ગયા, ભગતને આટલા વ્યગ્ર દમુમાએ ક્યારેય જોયા ન હતા, જાણે જંગલમાં કોઈ મૃગ શિશુ પોતાની માં થી વિખૂટું પડી જતા તેની આંખોમાં હોય એવો ભાવ દમુમાએ ભગતની  આંખોમાં જોયો. દમુમાં બોલવા જતા હતા ત્યાં તો મોહને પૂછ્યું  ‘શું થયું માં, સવારના ગયા’તા તે ઠેઠ અત્યાર સુધી ?’. દમુમાએ ભગત સામે જોયું, ભગતે ઉતાવળે પૂછ્યું ‘કા આટલી વાર લાગી ? દાક્તરે હું  કીધું ? તારી તબિયત ?’ ભગત ને હજી ઘણું બોલવું હતું, પૂછવું હતું પણ તેને હાંફ ચડી ગઈ તેથી તે  જોરથી શ્વાસ લેવા માંડ્યા, હતા. દમુમાએ ભગત સામે આંખો સ્થિર કરી, ભગતના શરીરના હાડકા હારે ચામડી ચોટી ગઈ હતી. માંસ તો ક્યાં હતું હવે,  હાથોમાં હાડકા સાથે ચોટેલ ચામડીમાં નસો સ્પષ્ટ દેખાતી હતી, જાણે હમણાં ફાટશે એવી ભરાઈ ગયેલી લાગતી હતી. આંખો ઊંડી ઉતરી ગઈ હતી. સાવ નિસ્તેજ, ગાલની જગ્યાએ ઊંડા ખાડા, શરીર, જાણે હાડકાનું ખોખું જ જોઈ લ્યો. હાથ તો હજી ક્યારેક સાથ આપતા પણ પગે તો સાવ રજા લઇ લીધી, મહાપ્રયત્ને માંડ એક ડગ ભરી શકતા. ભગતે પહેરેલું પહેરણ હવામાં ફરફર ઉડતું હતું જાણે દોરી પર લટકાવ્યું હોંય .ભગતની કમરની નીચે લેંધામાની ભીનાશ દમુમાની નજરથી છટકી નાં શકી. દમુમાએ પ્રશ્નસુચક રીતે મોહન સામે જોયું, મોહન જાણે સમજી ગયો હોય તેમ કહ્યું. ’આજતો અર્ધો ટક જ કામ હતું. તે બપોરે ઘે’ર આવતો તો તંય તમને ઘરમાં જોયા નય ને ઘરમાં આવીને જોયું તો ભગત પથારીમાં પડ્યા પડ્યા ઉંહકારા કરતા’તા, કોકને બોલાવવા હારું અવાજ તો ક્યારના કરતા’તા પણ ગળામાં અવાજ હારે તાકાત ભળે તો કોઈ હાંભળને, મેં ભગતને ઉભા કરીને અહી ખુરશીમાં બેહાડ્યા ને દુધને રોટલી આઈપા પણ એકાદ બટકું તો માંડ ખાધું, ગોદડું તડકે સુકાવવા નાખ્યું છે, આરામ કરવાનું કીધું પણ માનતા નથી, તમારી વાટ જોઈને તણ વાઈગાના આય બેઠા છે.

‘મારો કાનો તારું ભલું કરશે, દીકરા ‘ દમુમાં આગળ બોલી નાં શક્યા .

‘લે માળી ઈમાં શું,  હું તમારો દીકરો નથ ?

‘તું તો મારા દીકરા કરતાય હવાયો, હગા દીકરા એની ફરજ ભુઈલા, પણ દીકરા તારો ગણ નય ભૂલું. મારો કાનો તારા બધાય મનોરથ પુરા કરશે  બેટા,’

‘માળી, ઈ બધુંય મુકો, તમને કીમ છે ? ને આટલી વાર કાં લાગી ઈ તો કયો,’ મોહને પૂછ્યું.

‘ કઈ નો’તું, ખાલી દવા આપી સે, મુઆ દાક્તર આજે મોડા આયેતા ને ઈમાંય પાછીય ગર્દી બવ ઈમાજ બપોર થ્યા .વળી દાક્તરે કીધું કે લોયનો રપોટ કાઢવો પડશે, ઈ રપોટ આવતા આવતા હાંજ થઇ. મનેય થયું કે આવી શું તો રપોટ કરાવતી જાવ પછે ક્યાં ધક્કા ખાવા, ભગતની ચંત્યાં તો થઇ પણ આંય તું અને બીજા હોવ એટલે વાંધો નય આવે એમ વચાર કર્યો.

‘તે આવ્યો એ રપોર્ટ ? મોહને ઉત્સુકતાથી પૂછ્યું, એથીય વધારે ઉત્સુકતાથી ભગત દમુમાં તરફ જોતા હતા.

‘હા, દાક્તરે કીધું કે કાઇ વાંધો નથ, આ બધુંય તો અવસ્થાને કારણ થાય’ દમુમાં ભગતનો વિચાર કરી જાણીજોયને ખોટું બોલ્યા.

‘તંય તો માળી તમે હવારનું કાઇ ખાધું નહિ હોય, હું હમણાં કઈક લેતો આવું ‘ કહેતા મોહન ઉભો થયો.

‘ હવે રે’વા દે, મારા ભાઈ, આ રાત તો થઇ ને આમેય દવાખાનામાં ભુખ નો લાગે. હમણાં એક રોટલો ટીપી લઈશ. હવે તું તારે ઘેર જા કહેતા દમુમાએ મોહનને વિદાય કર્યો. પછી ભગતનું બાવડું ઝાલીને તેને પાછા પથારીમાં સુવડાવ્યા અને રોજીંદા કામમાં પરોવાયા.

    બધા કામ પતાવીને દમુમાં કાનની મૂર્તિ સામે બેઠા, આંખોમાંથી દળદળ આંસુઓની ધાર થઇ. દમુમાં મહામહેનતે બોલતા હતા,

          ‘કાના જંદગીભર તે મારા બોલની લાજ રાખી સે, પણ મારા વાલા આજ તને વિનવું સું, હવે લાંબી આયુષનો અભરખો તો નથ પણ તોય મારા થોડા દા’ડા વધારી દે ને ઈ ન બને તો ભગતને …. ભગતને…..મારી પેલા …… ભગત પેલા મારી આંખ મીચાણી તો ભગતના હાલ ભૂંડા…….દમુમાં આગળ બોલી ન શક્યા ગળે ડૂમો બાઝવા લાગ્યો. અને શબ્દો જાણે આંખોમાંથી વહેવા લાગ્યા..

કાનાની મૂર્તિ જાણે હસતી હતી મંદ મંદ ……….

 

 


One thought on “દમુમાં

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.