Posted in મારા રમુજ લેખો

સ્વપ્નાઓ

    

          વિશ્વનો દરેક વ્યક્તિ સ્વપ્નાઓ જોતો હોય છે. અંધ વ્યક્તિ પણ સ્વપ્નાઓ જોતો હોય છે. ભાગ્યેજ કોઈ વ્યક્તિ એવી હશે જે સ્વપ્નાઓ જોતો નહિ હોય .સ્વપ્ન વિષે સમર્થ કવિ શ્રી ‘શ્યામ સાધુ ‘ લખે છે

                                “મારું સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું

                                  કે મારા ઘર સામે સરોવર નીકળ્યું “

          જો કે મેં જોયેલા સ્વપ્નોમાં એક પણ સ્વપ્ન બરોબર નીકળ્યું નથી . મને જે સ્વપ્નાઓ આવે છે તેમાં મોટેભાગે મારા બોસના , પુત્રીના અભ્યાસના ખર્ચના કે મારા સાળાના આવે છે. તેથી સ્વપ્ન વિષે મેં પણ બે વાક્યો લખ્યા છે  “

                                “દરરોજ લઇ જાય છે મને તેની સાથે

                               સ્વપ્નાઓ પણ કેવા માથાભારે હોય છે.”

      વર્ષો પહેલા મારો એક મિત્ર મને કહેતો કે હું તો સવાર બપોર સાંજ માત્ર સપનાને જ જોવ છું. થોડા દિવસ પછી મને ખબર પડેલી કે તેના પાડોશમાં ‘સપના’ નામની યુવતી રહેવા આવી છે. હાલ મારા એ મિત્રને અગાઉ જોયેલા એ સપના બદલ ખુબ પસ્તાવો થાય છે. હાલ મારા મિત્રને પેલી સપના, તેની મમ્મી, અને તેનો ભાઈ ત્રણેયે ભેગા મળીને નીચોવી નાખ્યો છે. મારા મિત્રે પેલી સપના જોડે નાશીને લગ્ન કરેલા , હવે પેલી સપનાની માશી પણ એક એક મહિનો રોકાઈ જાય છે. 

સ્વપનાઓમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે.

પ્રિયતમના સ્વપ્ન, ઉઘરાણીના સ્વપ્ન, લેણદારના સ્વપ્ન, ભાડુઆતના સ્વપ્ન, પોલીસના સ્વપ્ન, પરીક્ષાના સ્વપન, સ્વીસ બેંકના સ્વપ્ન, રાજકારણનું સ્વપ્ન .

જો કે દરેક વ્યક્તિઓને ‘સનમના સપના‘ જોવા વધુ ગમે છે. એવું તારણ વિદ્વાનોએ શોધી કાઢ્યું છે.

ના ના હો ભાઈ , પતિપત્નીને એકબીજાના સ્વપ્નાઓ નથી આવતા.

      સ્વપ્નાઓ અને સ્વપ્નાઓ જોનાર ને આધારે સ્વપ્નાઓ ના વિવિધ પ્રકારો પાડવામાં આવે છે.

સહેવાગ કે યુવરાજની બેટિંગની જેમ જોવા ગમે તેવા સ્વપ્નાઓ.

ઉઘરાણીવાળાની જેમ ધરાર આવતા સ્વપ્નાઓ.

અહી તમો તમારી અનુકુળતા મુજબ પ્રકારો પાડી શકો,આપણું શું જાય છે ?.

          મને નામ યાદ નથી પણ એક રાસાયણિક વૈજ્ઞાનીકે રાત્રે સપનામાં એક સાપ જોયો, જેની પુછડી પોતાના જ (સાપના હો ) મોઢામાં હતી. આ સપના ને આધારે તે વૈજ્ઞાનીકે રાસાયણિક બંધારણનું સુત્ર રજુ કર્યું.

          ઉપર મુજબના પ્રથમ નંબરના એટલે કે જોવા ગમે તેવા સ્વપ્નો વ્યક્તિ દિવસમાં એટલે કે દિવાસ્વપ્ન જુએ છે તે. દિવાસ્વપ્ન જોનારની સંખ્યા ખુબજ મોટી હોય છે, તેનું એક કારણ એવું છે કે દિવાસ્વપ્નમાં વ્યક્તિ પોતાને ગમતા સ્વપ્નો જોય શકે છે, જે ને કારણે વ્યક્તિને માનસિક શાંતિ મળે છે અને સમાજમાં ગાંડાની સંખ્યામાં વધારો થતો નથી એમ અનુભવીઓ કહે છે.

           મોટાભાગના વ્યક્તિઓ પોતાના જીવનમાં ઉંચા ધ્યેયો સિદ્ધ કરવા માંગતા હોય છે, પણ ઘરમાં ચંપલની જેમ આમ તેમ ફેંકાતા હોય અને બજારે મફતની બીડીયું ફૂંકતા હોવાને કારણે તેઓ પોતાના ધ્યેયો સિદ્ધ કરી સમાજને પોતાની આવડત નો લાભ આપી શકતા નથી. પરિણામે આવી વ્યક્તિઓ દિવાસ્વપ્નો જોવા માંડે છે અને પોતાની જાતને સમસ્ત માનવજાતના તારણહાર તરીકે જુએ છે. અલબત, આમાં અલગ અલગ પસંદગી હોય શકે.

          જનરલ કેટેગરીમાં આવતા (માત્ર રાતે ઊંઘમાં જ સ્વપ્ન જોતા વ્યક્તિઓ ) લોકો આવા દિવાસ્વપ્નો જોનાર મારા જેવા લાખો વ્યક્તિઓને, તરંગી, શેખચલ્લી, અને ઘણીવાર તો અર્ધ-પાગલ જેવા વિશેષણથી સંબોધી અન્યાય કરે છે, અમો આ અન્યાય વિરુધ ‘અવાજ’ ઉઠાવીશું.

          ઘણી વખત બસમાં હું ઉભા ઉભા (બેસવાની જગ્યા ન હોય તો ) મુસાફરી કરતો હોય એ દરમ્યાન દિવાસ્વપ્નમાં ખોવાઈ જાવ છું કે અત્યારે હું મારી પોતાની મર્સિડીઝમાં એકલો આરામથી મુસાફરી કરી રહ્યો છું , પણ ઈર્ષાથી પ્રેરિત વ્યક્તિઓના ધક્કા ખાઈ હું પાછો ઠેકાણે પડી જાવ છું. સરકારી મર્સિડીઝ છે કોને ના પાડવી ?.  હા, પણ એક વાતની સ્પષ્ટતા કરી આપું કે મારા દિવાસ્વપ્ન બહુ ‘ખતરનાક‘ નથી હોતા. મારા આ સ્વપનો દ્રવિડની બેટિંગ જેવા, ધીમે ધીમે ચાલ્યા કરે, વચ્ચે ક્યારેક સિક્સ કે ચોગો લાગી જાય, પણ એ વાત અલગ છે કે જયારે હું મારા મિત્રો સમક્ષ અત્યંત ઉત્સાહથી કહું છું કે મેં આજે એક સપનું જોયું ત્યારે તેઓ ગભરાઈ જાય છે અને તેનો મુખભાવ બદલાઈ જય છે – ના, છતાંય તેઓ મારું સ્વપ્ન રસપૂર્વક સાંભળે છે અને હું બીમાર હોવ તેમ મારી સારસંભાળ રાખે છે.

           આ તો થઇ જાગતા જાગતા જોવાતા, દિવાસ્વપ્નની વાત, હવે બીજા નંબરનું સ્વપ્ન. આપણા ઘરમાં લાઈટબીલવાળો આવે જે આપણને નથી ગમતું, છતાં તે આવે છે, તેમ બળજબરીપૂર્વક આવતા સ્વપનોની વાત કરીએ.

           આપણે રવિવારની રજાના મુડમાં હોઈએ અને અચાનક બોસનો ફોન આવે ‘અત્યારે ઓફીસમાં થોડું અગત્યનું કામ નીકળી આવ્યું છે જરા આવોને !’, આ સાંભળ્યા પછી આપણી જેવી મનોદશા હોય તેવી જ મનોદશા ‘માથાભારે “ સ્વપ્નો જોયા પછી વ્યક્તિની હોય છે. આવા સ્વપ્નો મોટેભાગે ચોરની જેમ ભરઉંધમાં આવે છે. મારા ખ્યાલે આપણે દિવસ દરમ્યાન જે પ્રવુતી કરીએ છીએ અથવા તો દિવસ દરમ્યાન કઈક અંશે અલગ કહી શકાય તેવી ઘટના ઘટી હોય, અથવા તો આપણી મનની ઈચ્છા હોય તેવા કાર્ય ઘટનાને લગતા વળગતા સ્વપ્નો રાત્રે (કે બપોરે ) ઉંઘમાં આવે છે.  

          આપણા વિદ્વાનો એમ કહે છે કે ‘ સ્વપ્નાઓ તો જોવા જ જોઈએ, તો જ તેને પુરા કરી શકીએ. પણ, હવે  કોઈ વ્યક્તિને  પેલીના પપ્પાના સ્વપના, પોલીસના કે ઉઘરાણીવાળના સ્વપ્ના આવતા હોય તો એ માટી બિચારો શું કરે ? આવા સ્વપ્નાઓ સાચા કરાય ? આ વિષે વિદ્વાનો એ થોડું વિચારવું જોઈએ એવો મારો મત છે. આવા સ્વપ્ન વિષે આપણા માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એ .પી .જે અબ્દુલ કલામ સાહેબનો વિચાર બંધબેસતો આવે છે ,

                             ‘સ્વપ્ન એ નથી જે તમે ઉંધમાં જુઓ છો,

                                સ્વપ્ન એ છે જે તમને ઉંધવા ન દે.’

          આવા માથાભારે સ્વપ્નના કારણે ઘણાની ઊંઘ ઉડી જાય છે. માથાભારે સ્વપ્નના એક પ્રકાર તરીકે ઘણા વ્યક્તિઓને ભૂત-પ્રેત અથવા ભયાનક સ્વપ્નો આવે છેઆવા સ્વપ્નો કે ચીસો ને કારણે ઘરના બીજા સભ્યોના સ્વપ્નોમાં ખલેલ પહોચે છે.

      કોઈ કોઈ વ્યક્તિઓને ખાસ કરીને સ્ત્રીઓને ઘણીવાર નાગ-દેવતાના સ્વપ્નો આવે છે, આવા સ્વપ્નો ‘નાગપંચમી ‘ની આજુબાજુ ના દિવસોમાં વધારે આવે છે આવા સ્વપ્નઓમાં કશો વાંધો નહિ પણ મારી પડોસમાં રહેતા જોગીને (નામ છે ) રાત્રે કુતરાના સપના આવવા માંડયા, .સ્વપ્નમાં એ જોતો કે પાંચ છ કુતરા તેની પાછળ દોડતા રહેતા અને જોગી જીવ બચાવીને ભાગતો રહેતો.સતત ત્રણ ચાર દિવસ આવેલા આ સપનામાં જોગી કુતરાના હાથમાં સોરી મોઢામાં આવ્યો જ નહિ, ખરો દોડવીર ! હવે તો એ રસ્તામાં કુતરા જુએ તો શેરી બદલી નાખે છે.

     મને અનુભવ નથી પણ એક માન્યતા પ્રમાણે કોઈ ખાસ કિસ્સાઓમાં વ્યક્તિને તેના ગયા જન્મના સ્મરણો કે ઘટનાઓ દેખાઈ છે. પણ આવા સ્વપ્નોમાં વ્યક્તિ પૂર્વજન્મમાં માનવી જ હોય તો વાંધો નહિ , પણ તે ગયા જન્મમાં કાગડો કે ઘરખોદીયો હોય તો  ?

     સ્વપ્ના સાચા પડે છે કે નહિ ? આ પ્રશ્ન નો જવાબ દરેક વ્યક્તિએ અલગ અલગ મળે , કારણ કે દરેક વ્યક્તિના સપના અલગ અલગ હોય છે. છતાં પણ મોટાભાગના વ્યક્તિઓના સ્વપ્નો ‘અણધાર્યા ‘ જ નીકળે છે. ભાઈ ઘર બરાબર ચલાવી શકતા ન હોય અને દેશ ચલાવવાના સ્વપ્નો જોવે તો ક્યાંથી મેળ પડે ? જો કે આપણા દેશમાં કઈ જ અશક્ય નથી એવું મેં સાંભળ્યું છે.

          આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે તે સમયના આપણા નેતાઓએ પણ સમૃદ્ધ   વિકસિત , કર્મનિષ્ઠ અને ‘આદર્શ’ રાષ્ટ્રનું સ્વપ્ન જોયું હતું ખરુને ?

          છતાં આપણે અફસોસ કરવા જેવું નથી, સ્વય ભગવાનનું સ્વપ્ન પણ ક્યા સાચું પડ્યું છે ? આપણે તો તેના દ્રારા ઘડાયેલા છીએ. માલિકે જયારે સૃષ્ટિનું સર્જન કર્યું હશે ત્યારે તેણે પણ ઘણા સ્વપ્નાઓ જોયા હશે નહિ ?

એ ઉભા થાવ , નવ વાગ્યા , ઓફિસે નથી જવું ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.