શબ્દોનું તોરણ

નવા પાડોશી

‘હવે થોડા દિવસ પછી નવા પાડોશી આવવાના છે.’ પત્નીએ સમાચાર આપ્યા.

‘ક્યાં’ ?

‘ક્યાં તે વળી ,આપણી બાજુમાં .આટલામાં આ આપણી બાજુ વાળું મકાન જ ખાલી છે.’

‘હં ,આકાશવાણી માં આવ્યું કે ?” મેં હાથ લૂછતાં પૂછ્યું .

‘ના, સવારે હું શાક લેવા ગઈતી ત્યાં પેલા પાંચમી ગલી વાળા શીલાબેન મળી ગયા, કહેતા હતા કે તેમના કોઈ દુરના સંબંધી આપણી બાજુમાં રહેવા આવે છે.’ પત્ની જમવાનું આપતા બોલી.

‘સારું ‘મેં વાત પતાવવાના આશય થી જમવાની શરૂઆત કરી..પણ પત્નીને સોસાયટી માં બનતી તમામ ઘટનાની રજેરજ માહિતી મને આપવાની સુટેવ, તેથી જમવા દરમ્યાન મને જાણવા મળ્યું કે પેલી પાંચમી ગલીવાળી શીલાના કોઈ દુરના ભાઈની અહિયા બદલી થઇ છે અને એ અમારી બાજુના મકાનમાં ભાડે રહેવા આવે છે. સારા માણસો છે ,પૈસાદાર છે વળી પાછા સ્વભાવના પણ સારા છે વગેરે.

હું ચુપચાપ જમતો હતો પણ મુખ અને કાન બેઉ થી સતત આવક ને કારણે મારું પેટ જલ્દી ભરાઈ ગયું. હાથ ઘોઈ હું સોફા પર બેઠો કે તરત પત્ની મુખવાસ આપતા બોલી

‘સારું કહેવાય નહિ ? સારા પાડોશી હોય તો –ક્યારેક ….

‘હં, હા, ક્યારેક ખપ લાગે,’ મેં પત્નીની હા માં હા મિલાવી. હું પત્નીની આ વાત થી પીછો છોડાવવા છાપું લઈને સોફામાં આડો પડ્યો .- અત્યાર માટે આટલું પૂરતું છે એવું જ કઈક મનમાં વિચારતી પત્ની કામ આટોપવા રસોડામાં ચાલ્યા. સામેની બારીમાંથી સરસ હવા આવતી હતી. હવે મને સારું લાગતું હતું.

અમારી બાજુનાં મકાનના મૂળ માલિક તો માધવ ભાઈ હતા .આ માધવભાઈ સાત મહિના પહેલા પરલોકની જાત્રાએ ઉપડી ગયા.તેના બેઉ ફરજંદ મુંબઈ સેટ થયા હોવાથી અહીનું મકાન સાત મહિના થી ખાલી હતું.તેના એક સગાને દેખરેખ માટે મકાનની ચાવી આપી હતી. અમારી સોસાયટી રહેવા માટે ખુબ સારી છે.માણસો પણ સારા છે, બને ત્યાં સુધી બધા હળીમળીને રહે છે. અમારી ગલીના નાકે રહેતા ધીરજ કાકા અને લીલા કાકી સાથે બધા ને સારું બનતું .અમે બધા લીલાકાકીને તેની ગેરહાજરીમાં ‘આકાશવાણી‘ કહેતા.કારણ કે તેને આખી સોસયાટી ની ખબર રહેતી.દરેક ક્યાં,કેમ,કોણ ,કેવી રીતે ,વગેરે જેવા ‘ક’ થી શરુ થતા પ્રશ્નો ના જવાબ તેમની પાસેથી મળી રહેતા.

રવિવારે હું સવારે આરામ ખુરશીમાં ચા પીતા પીતા છાપું વાંચતો હતો ત્યાં તો ગલીમાં મોટા વાહન પસાર થયાનો અવાજ આવ્યો.મેં બહાર આવીને જોયું, બાજુનાં મકાન પાસે સામાન ભરીને ટ્રેક્ટર આવ્યું હતું. એક મહિલા બે મજુર જેવા લાગતા પુરુષોને સામાન ઉતારવા બાબત સુચના આપતી હતી.પેલા મજુર જેવા લાગતા પુરુષો માંથી એકાદ આ મહિલાનો પતિ હશે કે કેમ ? મને મનમાં પ્રશ્ન થયો. કારણ કે ઘર બદલવા, દિવાળી જેવા પ્રસંગો એ બધા પતિઓની હાલત મજુર જેવી થઇ જાય છે.

‘શું છે ?’ પત્નીએ મારી પાછાળ ઉભા રહેતા પૂછ્યું.

‘આ તમારા નવા પાડોશી.’ મેં અમસ્તા જ કહ્યું.

‘તે આજ આવવાના જ હતા ,બે દિવસ પહેલા તેઓ ઘરની સાફસફાઈ કરી ગયા.’

‘તને બધી માહિતી લાગે છે ! ‘

‘તે હોય જ ને ! આપણા પાડોશી છે ,મને તો તેઓના નામની પણ ખબર છે રૂપેશભાઈ મહેતા અને દક્ષાબેન‘ અને એ પણ ખબર છે કે તેને એક દસ વર્ષનો બાબો છે જે તેના દાદા પાસે રહીને ભણે છે’.પત્ની બોલી. મને મનમાં લીલાકાકી યાદ આવી ગયા.

સામાન મકાનમાં લઇ જતા એક મજુરના હાથમાં મેં ‘હાર્મોનિયમ’ જોયું, મને પહેલીવાર આ નવા પાડોશી પ્રત્યે માન ઉપજ્યું. આમતો સંગીતના ‘સ’ માં પણ મને ખબર નથી પડતી.પણ સાહિત્ય અને સંગીત સાથે સંકળાયેલી વ્યક્તિ પ્રત્યે હમેશા મને માન ઉપજતું. ટાઈમ મળે એટલે આ નવા પાડોશીને ચોક્કસ મળવું એવું મનોમન વિચારી હું ઘરમાં આવ્યો.

બીજે દિવસે વહેલી સવારે ભયંકર રડવા જેવા –ચીસો જેવા અવાજ સાંભળી અમે પતિપત્ની પથારીમાંથી ઉછળીને સફાળા જાગી ગયા. પેલા અવાજોથી ગભરાઈને પત્ની ચીસ પાડીને પલંગ પર જ ઠેકડા મારવા લાગી, સાવ આછા અજવાળામાં પલંગ પર આમ ઉચી નીચી થતી લાંબી આકૃતિ જોઈને હું પલંગ પરથી ગબડીને નીચે પડ્યો –ડરનો માર્યો, મને પલંગ પરથી પડતો જોઈને પત્નીએ બીજી ચીસ પાડી, આ દરમ્યાન પેલા રડવા જેવા કર્કસ અવાજ તો ચાલુ જ હતા. હું ગભરાઈને શું થયું ! શું થયું ! કોણ છે? બોલતો બોલતો લાઈટની સ્વીચ ચાલુ કરવા ફાફા મારવા માંડ્યો..એકાએક ઓરડામાં પ્રકાશ ફેલાઈ ગયો. સામે નજર ગઈ તો પત્ની પલંગ ઉપર હાથમાં રજાઈ નો ગોટોવાળી ને ઉભી હતી,તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો, હું પણ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. મેં પત્નીને પૂછ્યું ‘શું થયું ? તે ચીસો કેમ પાડી? અને આ અત્યારે આવા અવાજો ક્યાંથી આવે છે ?.‘એજ તો..મને એમ કે કોઈ ચોર આપણા રૂમમાં ઘુસી આવી ને તમને ફટકારે છે એટલે તમે આવી રડવા જેવી ચીસો પાડો છો ,તેથી મેં પણ ચીસો પાડી.’ પત્ની એ જવાબ આપ્યો. મારે પત્નીને શો જવાબ આપવો તે  જ ખબર ન પડી. પેલો અવાજ હવે થોડો ધીમો પડ્યો.મેં અવાજની દિશામાં કાન ,નાક ,આંખો માંડ્યું. અવાજ ઓરડાની બારી તરફથી આવતો હતો, મેં ગભરાતા બારી ખોલી તો બાજુના મકાનના ઓરડામાં જેની બારી પણ અમારી બારી સામેજ હતી ત્યાં પેલો નવો પાડોસી પલંગ પર હાર્મોનિયમ રાખીને મંડી પડ્યો હતો. મેં ઘડીયાલમાં જોયું,પોણા છ વાગ્યામાં પેલો રૂપેશ ભાંભરતો હતો અને પેલું હાર્મોનિયમ બચાવો બચાવો ની બુમો પાડતું હતું, મને પહેલી વાર નવા પાડોસી પર ખીજ ચડી. મેં બારી વ્યવસ્થિત બંધ કરી અને પેલાના બરાડા ન સંભળાઈ તે માટે અનેક પ્રયત્નો કર્યા છતાં તે પછીની પોણી કલાક અમારે એ ભાંભરડા સહન કરવા પડ્યા. ઊંઘ તો પછી શેની આવે ! દિવસ ની શરૂઆત આ રીતે થતા હું અને શ્રીમતી અપસેટ થઇ ગયા ,ધૂંધવાતા મગજે રોજની દૈનિક ક્રિયાઓ કરી હું ઓફિસે જવા નીકળ્યો.

સાંજના ઓફિસેથી ઘરે આવ્યો તો મારા પત્ની સામે એક યુગલ બેઠું હતું. એજ હતા ,રૂપેશ અને દક્ષા. મને અચાનક સવારની ઘટના યાદ આવી ગઈ. મારા હાથમાં કઇક અદભુત ચેતન આવ્યું, ત્યાંજ પેલાએ હાથ જોડીને પૂછ્યું ‘કેમ છો ?‘. ‘સારું છે તમે કેમ છો ?’ મેં પણ વિવેક કર્યો. હું પણ તેઓની સામે બેઠો. પત્નીએ વધેલી ઠંડી ચા મને પધરાવી ,મેં મહેતાનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું.વાતો અને વર્તન પરથી તો મહેતા ખુબ જ સારો અને સંસ્કારી લાગતો હતો. વાતો કરતા કરતા મારી નજર તેના ગળા પર સ્થિર થઇ, એક વિચિત્ર વૃતિ થઇ આવી મને પહેલા ક્યારેય આવી વૃતિ થઇ ન હતી મહામહેનતે મેં એ વૃતિ દબાવી, થોડી વાર પછી તેઓ પોતાના ઘરે ચા પાણીનું નિમંત્રણ આપી વિદાય થયા.

‘આમને શા માટે બોલાવ્યા હતા ?’મેં ચીડ સાથે પત્ની ને પૂછ્યું.

‘મેં નથી બોલાવ્યા ,એ લોકો સામેથી આવ્યા છે.’ પત્નીએ બચાવ કર્યો..

‘એમ કોઈ ગમે તેના ઘરમાં ઘુસી ન જાય’ મેં સામી દલીલ કરી.

‘અરે એવું નથી ,બપોરે દક્ષાબેન હથોડી લેવા આવ્યા હતા, ત્યારે તેને આપણો કબાટ ગમી ગયો,તેને પણ આવો કબાટ બનાવવાની ઈચ્છા થઇ એટલે અત્યારે એ રૂપેશભાઈ ને કબાટ બતાવવા આવી હતી,, એ બંને આવ્યા એટલે આપણે થોડો વિવેક તો કરવો પડેને !, થોડી વારે તમે આવ્યા.’ પત્નીએ કહ્યું.

‘હં ,હથોડી પાછી આવી ? ‘મેં પત્નીને પૂછ્યું.

‘ના હજી નથી આવી ‘

‘હથોડી એમ થોડી પાછી આવે ? તેને તેડવા જવી પડશે.

રાતે જમવા સમયે પત્નીએ માંડીને વાત કરી, દક્ષાબેન પણ મહેતાના પેલા ગાયનના વડગાળથી ખુબજ પરેશાન છે. દક્ષાબેને જણાવ્યું કે રૂપેશને આ વળગાળ છેલ્લા છ સાત મહિનાથી જ ચોટ્યું છે. શરૂઆત માં જ દક્ષાબેને રૂપેશને આ શોખ છોડી દેવા કહ્યું, પણ રૂપેશે કહ્યું કે ‘બેસ બેસ ડોબી ,તને સંગીત માં શું ખબર પડે. ત્યાર બાદ રૂપેશ નું આ ભૂત ઉતારવા દક્ષાબેને ઘણા પ્રયનો કર્યા પણ ‘મહેતો છે કે માનતો નથી.’ તે તેના આ નવા શોખ પાછળ ગાંડો થઇ ગયો છે. મહેતા ની બીજી કોઈ માથાકૂટ નથી પણ જયારે તે રીયાઝ કરવા બેસે છે ત્યારે ભલભલા ને ભાગી જવાનું મન થઇ જાય છે. દક્ષાબેને રડમશ અવાજે રૂપેશના આ વડગાળ નો કોઈ ઈલાજ હોય તો આપજો એમ પણ કહ્યું છે. મને દક્ષાબેન ની દયા આવી, સાથે પેલા મહેતાની બદલી પાછળ તેના પડોશીઓ નો હાથ હશે તેની પાકી ખાત્રી થઇ ગઈ. બીજી એક ખાત્રી એ પણ થઇ ગઈ કે આ મહેતાના બાપ દાદા ને સંગીત સાથે નાવા –નીચોવા નો પણ સંબંધ નહિ હોય.

એક મહિનામાં તો અમારી સ્થિતિ કફોડી થઇ ગઈ, હવે તો મહેતો વહેલી સવારની સાથે સાંજે પણ રીયાઝ કરવા માંડ્યો હતો .અમારી હાલત સવાર સાંજ એમ બે સમયે નિયમિત દવા લેતા દર્દી જેવી થઇ ગઈ. મેં આડકતરી રીતે રૂપેશ સાથે આ બાબત વાત કરી જોય પણ એણે મારી સામે સંગીતપુરાણ ની વાતો કરવા માંડી તેથી મારે ભાગવું પડ્યું, બીજા પડોસીઓ સાથે પણ ચર્ચા કરી જોય પરંતુ તેઓને મારા જેટલી મુશ્કેલી નહોતી તેથી તેઓ તરફથી ઠંડો પ્રતિભાવ મળ્યો.મારા અને રૂપેશ ના મકાન અડોઅડ હતા અને મારી બારી અને તેની બારી વચ્ચે માત્ર એક ત્રણ ફૂટ ની દીવાલ હતી તેથી સ્વાભાવિક રીતે મને વધુ ત્રાસ થતો. મહેતાના આ ત્રાસ ને કારણે અમારી સ્થિતિ દયનીય થઇ ગઈ. પેલાના રીયાઝ ની બીકે વહેલી સવારે અમારી ઊંધ ઉડી જતી અને પછી તેનું ગાયન સાંભળીને ચા સાવ ફિક્કી લાગતી અને નાસ્તો કરવાનું મન મરી જતું. સાંજે પાછું ગાયન સાંભળીને જમવાનું ભાવતું નહિ ને પેલાના બરાડાની અસરને કારણે મોડે સુધી ઊંધ આવતી નહિ, અમારા જીવનમાં આવેલા આ અણધાર્યા વાયરાને પરિણામે મારા પત્નીના વાણી-વર્તન માં અભૂતપૂર્વ પરિવર્તન આવી ગયું, તે શાક –બકાલું સમારતી હોય ત્યારે ચપ્પુ ને જોશથી પકડતી અને તેની આંખમાં મને ખુન્નસ દેખાતું, કપડા ધોતી હોય ત્યારે કપડાને ધોકા મારવાની ક્રિયા પણ ઝડપી અને આક્રમક હોય છે. રસોઈમાં પણ મીઠું-મરચાની વધઘટ થઇ જાય છે. તે સાવ ખોવાયેલી રહે છે, છેલ્લે તે મારી સામે ક્યારે હસી હતી એ પણ હું ભૂલી ગયો છું. પેલાની અસહ્ય મ્યુઝીક થેરાપીને કારણે પત્નીનો સ્વભાવ ચીડિયો થઇ ગયો તેથી પત્ની વાતે વાતે મને ફૂટબોલ બનાવવા માંડી, હવે પેલી દક્ષા કોઈ વસ્તુ માંગવા આવે એટલે પત્ની ચોખ્ખી ના પડી દેતી. દક્ષાબેન અને રૂપેશભાઈ માંથી તે દક્ષી અને રૂપ્લો ઉપર આવી ગઈ હતી. એક સાંજે પેલાનો રીયાઝ (?) ચાલુ હતો તે દરમ્યાન પત્ની ખુલ્લા ચપ્પુ  સાથે ઘરની બહાર નીકળી ગઈ, મને ફાળ પડી, મહામુશીબતે હું તેને ઘરમાં પાછી લાવ્યો. જો કે પછી મને ખબર પડી કે તે ચપ્પુ ની ધાર કઢાવવા જતી હતી. કોઈ સાથે ક્યારેય ન ઝગડતી મારી પત્ની મારી સાથે ઉપરાંત શાકવાળા સાથે, દૂધવાળા સાથે અને લાઈટબિલવાળા સાથે ઝગડી પડ્યાનું મેં સાંભળ્યું ત્યારે મારી ચિંતા ખુબજ વધી ગઈ.

જો કે સ્થિતિ તો મારી પણ ક્યા સારી હતી ! મારી જગ્યાએ શાંતિપ્રતિક સમા મનમોહનજી હોત તો તેઓએ પણ યુદ્ધ જાહેર કરી દીધું હોત. સવાર સાંજ બે વખત કાનમાં આંગળા નાખવાને કારણે કાન પહોળા થઇ ગયા પરિણામે પેલા રૂપેશના બરાડા વધારે સંભળાવા માંડ્યા. બે બે વખત પેલાના ભાંભરડા સાંભળવાને કારણે ઊંધ મારાથી રીસાઈ ગઈ પરિણામે દિવસ દરમ્યાન પણ ઘણીવાર અર્ધજાગ્રત અવસ્થામાં હું રહેવા લાગ્યો. પેલા રૂપેશને હું જાહેરમાં ફટકારતો હોઉં તેવા દિવાસ્વપ્ન જોવા માંડ્યો ,આવા ગમતા સ્વપ્નને કારણે હું મનોમન ખુશ થયો અને હું એકલો એકલો હસી પડ્યો, પત્ની આ જોઈ ગઈ,પણ તેને મનમાં કોઈ બીજી શંકા થઇ હોય કે બીજા ગમે તે કારણોસર તેણે ઘરમાં રહેલા તમામ હથોડી, લાકડી,દસ્તો વગેરે જેવી ત્વરિત હથિયાર તરીકે ઉપયોગી થાય તેવી વસ્તુઓ આસાનીથી ન મળે તેવી જગ્યાએ ગોઠવી દીધી. પેલા રૂપેશના રીયાઝ દરમ્યાન અમે કાનમાં રૂ ભરાવવા થી માંડીને અનેક પ્રયોગો કર્યા પણ પરિણામ ન આવ્યું.રૂપેશ નું ગાયન પૂરું થાઇ પછી પંદર મીનીટ સુધી અમે પતિપત્ની એકબીજા સામે જોવાનું ટાળતા ,ખીજ કે રોષ માં શું થઇ જાય કોને ખબર ! મને જુના ગીતો, ભજનો સાંભળવા ગમતા પણ હવે ટીવી માં પેલી ‘પેટી’ દેખાય કે તરત મારી લોહી ની ગતિ વધી જતી. પેલા રૂપેશના રાગ ભયાનક ને કારણે મારા ચહેરા પર થાક, ચિંતા ,વ્યગ્રતા અને વધેલી દાઢી દેખાવા માંડ્યા. મનને થોડી શાંતિ મળે એ માટે હું એક દિવસ બગીચા માં બેઠો હતો ત્યારે એક ભાઈ મને કવિ સમજી બેઠેલા અને એકાદ સારી રચના સંભળાવવા વિનંતી કરી, મેં તેના સામે આંખો ફાડીને મોટા અવાજે કહ્યું ‘ખબરદાર…. ’પેલો હતપ્રદ થઇ નાંશી ગયો, બગીચામાં બેઠેલા બીજા લોકો મારી સામે વિચિત્ર નજરે જોવા લાગ્યા કેટલીક સ્ત્રીઓ તો મારી આજુબાજુ રમતા તેના બાળકોને મારાથી દુર લઇ ગઈ,

ઓફિસે પણ મન લાગતું નહિ, સતત વ્યગ્ર રહેવાન કારણે મારી ઓફીસના બે ત્રણ મિત્રો  ‘હોય યાર જતું કરાઈ, પત્ની સાથે ઝગડા તો ચાલ્યા કરે‘ તેમ કહી ને મને દિલાસો આપી ગયા. તો બીજા મિત્રો શેરબઝાર વિષે, પત્નીની તબિયત વિષે પૂછી ગયા. આમ તો હું માખી પણ મારતો નથી પણ હવે પેલાને મારવાની ત્રિવ ઈચ્છા થઇ આવી.. હું મનોમન વિચારવા લાગ્યો મને એક ખુન માફ હોત તો ! થોડા દીવસ પહેલા હું મારા દરવાજે ઉભો હતો ત્યારે મહેતો નીકળ્યો ‘ કેમ છો ‘ તેણે મને પૂછ્યું, જવાબમાં મેં ગાંડાની માફક તેની સામે આંખો ફાડીને જોયા કર્યું, મહેતો થોડો ભયભીત થઇને ઘરમાં ચાલ્યો ગયો હતો. વચમાં એક દિવસ પગમાં કેળાની છાલ આવતા મહેતો ગબડી ગયો, મેં કોઈ સજ્જનને શોભે નહિ તેમ મોટેથી મહેતાની સામે અટહાસ્ય કર્યું હતું. હું ખુશ થયો હતો. મહેતા થોડી વાર મારી સામે રોષપૂર્વક જોઈ રહ્યો પણ પછી મારૂ વર્તન શંકાસ્પદ લાગતા એ રવાના થઇ ગયો હતો. જો કે તે પછી તેના રીયાઝ ની ત્રિવ્રતા વધી હોય એવું મને લાગ્યું, સાથે મારા તરફી તેનું વર્તન પણ ફરી ગયું. તે મારાથી દુર ભાગવા માંડ્યો. રૂપેશના રીયાઝના સમયે આખો દિવસ મારા ઘરના ઓટલા પાસે બેસી રહેતો કુતરો પણ હિજરત કરી જાય છે એ જાણ્યા પછી મારી પરિસ્થિતિ અસહ્ય થઇ ગઈ.

એક સવારે પેલાના રીયાઝ પછી પત્નીએ મને ચોખ્ખું સુણાવી દીધું ‘આ બલાનું કૈક કરો નહીતર હું મારી મમ્મી ને ઘેર ચાલી જઈશ. હું પણ થાક્યો હતો, હવે તો મને પણ લાગતું હતું કે ‘યુદ્ધ એજ કલ્યાણ ‘ મેં ઓફિસે ફોન કરી, બહાનું બનાવીને રજા લઇ લીધી, પત્ની પાસે ફરી એકવાર સરસ ચા ની માંગણી મૂકી, ચા પીતા પીતા અમે બંને આ બલાથી પીછો છોડાવવાનો ઉપાયો શોધવા લાગ્યા. આ પરિસ્થિતિમાં શું શું કરી શકાઈ તે વિચારવા માંડ્યા. અમો કેટલાક ઉપાયો ઉપર આવ્યા.

રૂપેશ સાથે આ બાબત સ્પષ્ટ વાત કરી શકાય.

તે રીયાઝ કરતો હોય ત્યારે તેના ઘર પર પથ્થરના ઘા કરી શકાય.

પોલીસ ફરિયાદ કરી શકાય.

ઝગડી શકાય.

તેની સાસુ તેની સાથે રહેવા આવે તેવી વ્યવસ્થા કરી શકાય.

તેને માનસિક ટેન્સન દેવું ,જેવું કે તેની સામે જોય મોટેથી હસવું, ખોટા મોબાઈલ ફોન કરવા, પત્રો લખવા સ્કુટરની હવા કાઢી નાખવી,

તેના પુત્રનું અપહરણ કરી ખંડણી પેટે ……

કાયમ માટે તેનું ગળું ખરાબ થઇ જાય તેવા ઉપચાર કરી શકાય.

ત્રાંતિક વિદ્ધા નો સહારો લઇ શકાય.

હાર્મોનિયમ ગુમ કરી દેવું કે તેમાં ઇલેક્ટ્રિક પાવર ફીટ કરી દેવો,

તેની નોકરી ના બોસ ,ઉપરી તરફ થી દબાણ લાવી શકાય.

ભાડુતી માણસો રોકીને તેને માર મારી શકાય.

ઉપર મુજબના શક્ય –અશક્ય તમામ ઉપાયો અમે વિચારી જોયા, અમલમાં મૂકી શકાય તેવા વિચારોનો અમલ પણ કરી જોયો. પણ પરિણામ શૂન્ય. હવે અમે માત્ર ભગવાનના ભરોસે હતા, અને એ દયાળુને મારી દયા આવી હોય એમ એક દિવસ મારો જુનો મિત્ર મહેશ મને ઘરે મળવા આવ્યો. અમારા પતિપત્નીના ચડેલા મો જોય તે પૂછી બેઠો ‘બેઉ વચ્ચે ઝગડો થયો છે કે શું ?’

‘ના ,ના દોસ્ત એવું કશું નથી,’ મેં કહ્યું. પછી મેં તેને મારી મુશીબત વિસ્તારપૂર્વક જણાવી અને આ મુશીબતનું મારણ આપવા વિનંતી કરી, ‘સારું હું કાઈંક વિચારું છું’ કહીને તે રવાના થયો.

બીજે દિવસે તે મને ઓફીસે મળવા આવ્યો અને કહ્યું કે તારી મુસીબતનો ઈલાજ મળી ગયો છે. આકરા ઉનાળામાં અકળાઈ ગયેલો માણસ વરસાદી ટાણું થતા જેમ ઝૂમી ઉઠે તે જ રીતે હું પણ ખુશ થઇ ગયો .

‘બોલ, જલ્દી કહે મારે શું કરવાનું છે ?’ મેં ઉતાવળે તેને પૂછ્યું.

‘તારે કશું કરવાનું નથી, માત્ર પેલા તારા પડોશીને મારા બનેવીલાલ પાસે લઇ આવવાનો છે.’

‘તારા બનેવી પાસે ?’ હું કઈ સમજ્યો નહિ,.

‘જો મેં એક યોજના બનાવી છે, તેમાં થોડો ખર્ચો થશે‘ મહેશે વાતની શરૂઆત કરી ‘મારા બનેવીલાલ હાલ મારા ઘરે આવ્યા છે, તેને અભિનયનો શોખ છે. ઘણા નાટકોમાં કામ પણ કરેલું છે. મારી યોજના પ્રમાણે મારા બનેવીલાલને સંગીતના મોટા જ્ઞાનીનો, સંગીતના મહાપંડિતનો રોલ કરવાનો છે તારે પેલા મહેતાને આ સંગીતના મોટા જાણકાર પાસે, મુલાકાત માટે લઇ આવવાનો છે બસ પછી બધું મારા બનેવીલાલ સાંભળી લેશે.

‘પણ મારે પેલાને ક્યા લઇ આવવો ? અને તારા બનેવી ..’  ‘એ બધી ચિંતા રહેવા દે‘ મને અધવચ્ચે જ બોલતો અટકાવી મહેશે કહ્યું ‘તારે માત્ર પેલાને વાત કરી, એ ક્યારે મળવા આવે છે તે પ્રમાણે હોટલમાં એક રૂમ બુક કરી દેવાનો છે  અને એને હોટેલમાં મળવા લઇ આવવો, બસ પછી તારૃ કામ પૂરું.’

પછી મહેશે આખી યોજના મને સમજાવી, મને યોજના ગમી. આજ સાંજે જ પેલા રૂપેશને મળવાનું મેં નક્કી કર્યું.

સાંજે હું રૂપેશના ઘરે ગયો, મને કોઈ દિવસ નહિ ને આજે ઘરે આવેલો જોય રૂપેશને આશ્ચર્ય થયું. તે થોડા સમયથી તેના તરફી મારું વર્તન જાણતો હતો.તે થોડો થોથવાઈ ગયો, છતાં તેણે વિવેક કર્યો, ‘આવો ને ,કેમ છો.?’. ‘આવો, આવો, બેસો હું આપનાં માટે ચા બનાવું છું.’ દક્ષાબેને થોડો ઉત્સાહ બતાવ્યો.

‘ના ચાની જરૂર નથી, હું ઘરેથી પીયને જ નીકળ્યો છું આ તો જરા રૂપેશભાઈને એક વાત કહેવી હતી તેથી આવ્યો છું ‘ મેં કહ્યું.

‘મને વાત કહેવી છે ?’ રૂપેશ હજી મુંઝવણમાં હતો.

‘હા, વાત એમ છે કે મારો એક મિત્ર મને આજે મળ્યો, તેને પણ તમારી  જેમ સંગીતમાં ઊંડો રસ છે. તેણે આંધ્રપ્રદેશના સંગીતના એક બહુ મોટા જ્ઞાનીની વાત કરી, દેશ વિદેશમાં તેમના ઘણા શિષ્યો છે, જેઓ આપણા શહેરમાં પધાર્યા છે અને કાલે સાંજે તો પાછા જતા રહેવાના છે, મારો મિત્ર કહેતો હતો કે તેઓ સમગ્ર દેશમાં ભ્રમણ કરીને સારા કલાકારોની શોધ કરે છે. સંગીતસેવકોને પ્રેમથી આવકારે છે અને યોગ્ય વ્યક્તિને મોટી તકો પણ આપે છે મારો મિત્ર તો તેમના વખાણ કરતા થાકતો જ નથી, સંગીતની વાત નીકળતા મેં પણ તમારી વાત મારા મિત્રને કરી કે તમે પણ સંગીત માં ખુબજ રસ ધરાવો છો.’

બીજી કોઈ બાબતે હું રૂપેશને મળ્યો હોત તો તે મારો વિશ્વાસ ન કરત પણ સંગીતનું અને ખાસ તો પહેલા જ્ઞાનીની વાત સાંભળતા જ રુપેશની આંખમાં ચમક આવી,’

‘તું ફટાફટ સરસ ચા બનાવ‘  રૂપેશે દક્ષાને આદેશ આપ્યો.પછી મને વિનંતી જેવા સ્વરમાં કહ્યું ‘એ ગુરુજી સાથે મારી મુલાકાત કરાવી આપો, પ્લીઝ,’

‘હા, હા, ચોક્કસ, એ માટે તો અહી આવ્યો છું. હું હમણાં જ મારા મિત્રને ફોન કરીને આપણી મુલાકાતનો સમય મેળવી લવ છું.’ હું મનોમન હરખાયો.

મેં રૂપેશની સામે જ મારા મોબાઈલ પરથી બધી વાત કરી, કાલે બપોરનો સમય નક્કી કર્યો.

રૂપેશના ચહેરા પરથી લાગતું  હતું કે ખુબજ ખુશ થયો હતો. તેણે મને ધરાર ચા સાથે નાસ્તો પણ કરાવ્યો. વિજયસ્મિત સાથે હું તેના ઘરની બહાર નીકળ્યો. હવે એકજ કામ બાકી હતું. હું હોટેલ તરફ ચાલી નીકળ્યો…

મુલાકાત તો બપોરે હતી છતાં રૂપેશ તે પહેલા બે એક વાર મારા ઘરે આવીને મને તૈયાર રહેવાનું સુચન કરી ગયો. હું મનોમન ખુશ થતો રહ્યો. આખરે એકાદ વાગે તે આવી પહોચ્યો, તેનો ઉંમંગ ખરેખર અદભુત હતો, જાણે કોઈના લગ્નમાં જવાનું હોય એમ તે ચીવટથી તૈયાર થયો હતો. મારે ભાગે બહુ તૈયાર થવાનું ન હતું, અમે ત્રણેય ઘરની બહાર નીકળ્યા, હું, રૂપેશ અને તેનું હાર્મોનિયમ. ઘર પાસેથી જ રીક્ષા કરીને અમે હોટેલ જવા નીકળ્યા. ઘરથી હોટેલ દરમ્યાન રસ્તામાં રૂપેશે ઉત્સાહ પૂર્વક સંગીત, સુરો, રાગ વગેરેની વાતો કરે રાખી, મારી પાસે હા હા કરવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. જો કે ચાલુ રીક્ષામાંથી કુદી પડવાની કે પેલાને ધક્કો મારી દેવાની મારામાં હિંમત ન હતી નહીતર મેં ચોક્કસ તેમ કર્યું હોત. આખરે અમે હોટેલ પહોચ્યા. મહેશ હોટેલના દરવાજા પાસેજ અમારી રાહ જોઈને ઉભો હતો મેં એ બંનેની મુલાકાત કરાવી ‘આ રૂપેશભાઈ મહેતા છે, મેં જેમની તને વાત કરી હતી એ, અને આ મારો મિત્ર છે મહેશ. ગુરુજી સાથેની મુલાકાત મહેશે જ ગોઠવી આપી છે.’

‘ખુબ ખુબ ધન્યવાદ મહેશભાઈ‘ રૂપેશ મહેશ સાથે હસ્તધૂન કરતા બોલ્યો.

‘કેમ છો રૂપેશભાઈ,  ચાલો ઝડપથી, ગુરુજીને સાંજે તો જતા રહેવાનું છે, મુશ્કેલીથી અડધી કલાક મુલાકાત માટે આપી છે.’ રૂપેશ ઉતાવળ કરતા બોલ્યો.

હું, રૂપેશ અને મહેશ ત્રણેય હોટેલમાં દાખલ થયા, હોટેલના બીજા માળે એક રૂમ પાસે પહોચતા મહેશે ઈશારો કરી અમને ઉભા રહેવાનું કહ્યું, પ્રથમ તે એકલો રૂમ માં ગયો, થોડી વારે બહાર આવીને અમને કહ્યું ‘આવો’. મહેશ સાથે હું અને રૂપેશ રૂમમાં પ્રવેશ્યા, ઓરડામાં મોહક ધૂપસળીની સુગંધ આવતી હતી, બલ્બમાથી આછો એવો પીળો પ્રકાશ રેલાતો હતો, ઓરડાના ખૂણામાં રહેલ બેડના કિનારે ‘ગુરુજી ‘ બેઠા હતા. ખંભા સુધી લાંબા વાળ, મોટું કપાળ, કપાળમાં ચંદનનું તિલક, મોટી આંખો, ભરાવદાર શરીર, હાથોની આંગળીઓમાં જુદા જુદા નંગની વીંટીઓ, હોઠો પર રમતું સ્મિત. ગુરજીએ રેશમી કાપડનો ઝબ્બો, સોનેરી કિનારીવાળું લુંગી જેવું પહેરણ પહેર્યું હતું. ખરેખર તે કોઈ દૈવીપુરુષ જેવા લાગતા હતા, ગુરુજી પાસે પથારી પર એક હાર્મોનિયમ પડ્યું હતું, ગુરુજીનાં પલંગના બંને છેડા પાસે એક એક શિષ્ય ઉભા હતા, મહેશે વાતાવરણ એટલું સરસ જમાવ્યું હતું કે ઘડીભર તો હું પણ ભૂલી ગયો કે આ બધું નાટક છે.

રૂપેશે પોતાની સાથેનું હાર્મોનિયમ બાજુમાં મૂકીને ગુરુજીના ચરણસ્પર્શ કર્યા. ગુરુજીએ તેના મસ્તક પર પ્રેમથી હાથ મૂકીને બોલ્યા, ‘’ખુશ રહો, અચ્છા આપકો હી સંગીત મેં રુચિ હૈ ?’

‘અભી શીખ રહા હું, આપકી કૃપા હોગી તો મેં અપને આપકો ખુશકિસ્મત માનુગા‘ રૂપેશે પણ હિન્દીમાં ઠોક્યું.

ગુરુજીના ચહેરા પર સંતોષનો ભાવ આવ્યો. ‘બહોત ખુબ, કુછ સુનાઓ‘

ગુરુજીના શિષ્યોએ ગુરુજી સામે નીચે ફરસ પર એક ચાદર પાથરીને રૂપેશ માટે બેસવાની વ્યવસ્થા કરી, રૂપેશે તેના પર પોતાના હાર્મોનિયમ સાથે બેઠક લીધી. શરૂઆત કરતા પહેલા ફરી એક વાર રૂપેશે બે હાથ જોડીને ગુરુજીને પ્રણામ કરી તેની આજ્ઞા માંગી, ગુરુજીએ હકાર માં માથું હલાવીને આજ્ઞા આપી. અને રૂપેશે  પોતાની બંને આંખો બંધ કરી શરૂઆત કરી…..

પણ રૂપેશના એક કે બે મીનીટના ગાયન બાદ ઓરડામાં એક વિચિત્ર અવાજ થયો. રૂપેશ ગાતા ગાતા અટકી ગયો. ગુરુજી વિચિત્ર પ્રકારનો અવાજ કરીને માથું ધુણાવતા પોતાની બેઠક પરથી ઉભા થઇ ગયા હતા, તેની આંખો વધારે મોટી થઇ ગઈ હતી અને તેમાં ક્રોધ સ્પષ્ટ દેખાતો હતો, ગુરુજી જોશથી શ્વાસ લેતા હતા, તેના રોમે રોમમાં જાણે આગ ભભૂકી ઉઠી. ગુરુજી રૂપેશ સામે આંગળી ચીંધીને મોટેથી બરાડી ઉઠયા ‘ચુપ કર, ચુપ કર કમબખ્ત, તું ઇસે ગાના કહેતા હૈ ? અરે એ તો સંગીતકા ખુન હૈ ખુન, મેંને તેરે જેસા બેસુરા આદમી પુરી જીંદગી મેં નહિ દેખા’, રૂપેશ ડઘાઈ ગયો, કાપો તો લોહી ન નીકળે એવી તેની હાલત થઇ ગઈ, પણ આટલા થી ગુરુજીને સંતોષ ન હોય એમ તેણે ચાલુ રાખ્યું ‘અબે તું તો સુરો કે સાથ બલાત્કાર કર રહા હૈ, બલાત્કાર તું પાપી હૈ, હલકટ તેરે જેસા આદમી ઇસ ધરતી પર બોઝ હૈ, સુન બે સાલે, અગર આજ કે બાદ તુંને ગાને કી કોશિશ કી તો મેં તેરા ગલા દબા દુંગા, ઔર અગર તું એક હી બાપ કી ઔલાદ હૈ તો આજ કે બાદ અપના મુહ કભી મત ખોલના, ગાને કે લીયે તો હરગીઝ નહિ’, સાવ અણધાર્યો આવો હુમલો થતા રૂપેશ આવેશ અને ડર કે કારણે ગેગે ફેફે થઇ ગયો, તે ધ્રુજતો હતો, તેને પરસેવો વળી ગયો. મહેશના બનેવીલાલના આવા શબ્દો અને રૂપેશની હાલત જોય મને મનમાં ડર બેસી ગયો કે આમાં ક્યાંક ધીંગાણું ન થઇ જાય !. તોય ગુરુજી તો ચાલુ જ હતા, ’સુન નાલાયક, બેસુરે, જિસ શહેરમેં તેરા જેસા પાપી હો  હલકટ હો, વહા મેં સાંસ ભી નહિ લે શકતા, પછી પોતાના શિષ્યોને ઉદેશી કહ્યું ‘હમારે જાને કા પ્રબંધ કરો, અભી ઇસી વક્ત,’ એમ કહેતા કહેતા ગુરુજી ઓરડાની બહાર નીકળી ગયા. જતા જતા મહેશ સામે જોયને, તેને પણ કહ્યું ‘તું ભી મુઝે અપના મુહ કભી મત દિખાના,’ ગુરુજી પાછળ પાછળ તેના બેઉ શિષ્યો પણ રૂપેશને જાણે આંખોથી ગાળો દેતા હોય તેમ ઓરડાની બહાર નીકળી ગયા, રૂપેશનો ચહેરો લાલ થઇ ગયો હતો. તે હજી ધ્રુજતો હતો. તેના ચહેરા પર ન સમજાય તેવા ભાવો હતા. તેની આવી હાલત કરવા બદલ મને તેની દયા આવી, મેં હળવેકથી રૂપેશને કહ્યું ’ચાલો, મહેતાભાઈ ઘરે….

બે દિવસ પછી હું મહેશના ઘરે હતો, પેલા ગુરુજી સાથે, અલબત અત્યારે તેના વાળ ટુંકા હતા અને તેણે સફારી સુટ પહેર્યો હતો, હું મહેશને પેલા ગુરુજીના શિષ્યો બનેલા વ્યક્તિઓ અને હાર્મોનિયમનું ભાડું ચૂકવતો હતો. હું  ખુશ હતો કારણ કે બે દિવસથી મેં ખુબજ સરસ ઊંધ કરી હતી, ખુબ જ સરસ …….

Advertisements

Comments on: "નવા પાડોશી" (2)

  1. મનસુખભાઈ, આ આખો લેખ ૩-૪ ભાગમાં વહેંચીને લખ્યો હોત તો લેખે લાગત. તેનાથી સૌને ફાયદાકારક વાંચનની સહુલીયત મળી રહેતે..

    મોટા ભાગે બ્લોગ વાંચન માટે લોકોને ટૂંકા લેખ વધારે અસરકારક લાગે છે.

    • શ્રી મુર્તઝાભાઈ , આપની સોનેરી સલાહ બદલ આપનો ખુબ ખુબ આભાર, હવે પછીની મારી પોસ્ટમાં હું આપની સલાહનો ચોક્કસ ઉપયોગ કરીશ. ફરી એક વાર ધન્યવાદ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

ટૅગ સમૂહ

%d bloggers like this: