Posted in મારી વાર્તાઓ

નવો જનમ

‘મુઈ ! પેલો તો હાવ બદલાઈ ગયો’સ’ કંકુ બોલી.

‘કોણ ?’

‘એજ મુઓ ધનજી ,બીજું કોણ ‘

‘હા એલી ,છેલ્લા મહિના દા’ડા થી મનેય લાગે છે ‘ ગંગાએ જવાબ વાળ્યો ‘હમણાં હમણાં તો ઈ એકેય કામમાં ટકટક નથી કરતો ને ઘણા દી થી ઇના બરાડા’ય નથી સાંભળ્યા’.

‘ઈને કાઈ થયું’સ ? તને  કાઈ ખબર છે ? કંકુ એ પૂછ્યું.

‘રામ જાણે બાઈ , કાલે રેકડીએ સા પીવા ગઈ’તી તંય પેલો બસીર પણ પૂછતો તો કે ધનજીને કાઈ થયું’સ કે શું ,ધનજી અઠવાડિયા ની રજા પછી આવ્યો ત્યારનો હાવ ટાઢોબોળ થઇ ગ્યોસ’.ગંગાએ જવાબ વાળ્યો.

‘હાચી વાત છે હો ! મનેય એવું લાગે છે,આ જો ને ! આપણે બેય હાયરે કામ કરીએ છીએ તો ય કઈ બોલતો નથી’’ કંકુ બોલી.

‘અને હમણાં થોડા દી કેળે ધનજીએ ઇના ઘરેથી હારું ખાવાનું લાવીને પેલા નઘાને આપ્યું’તું તંય નઘો ફાટી આંખ્યે ઇના હામું જોય રયો’તો’ ગંગાએ વાત કહી.

હારું ,જી હોય ઈ આપણા માટેતો હારું જ થયું ,હવે હાઈલ મારી બુન ઝટપટ વારવા માંડીએ નઈ તો આરો નય આવે.’કંકુ ઉભી થતા બોલી.

કંકુ અને ગંગા તારાપુર તાલુકા ના સરકારી દવાખાના ની સ્વીપર ,દવાખાનાની  સાફસફાઈ ,ઝાડુ-પોતાની  જવાબદારી એ બંનેની.તારાપુર પંદરેક ગામોનો બનેલો તાલુકો.તારાપુર આજુબાજુના ગામો માટે સરકારી કામ ,પોલીસ-કચેરી , ખરીદી , મનોરંજન ,વગેરે નું મુખ્ય કેન્દ્ર, એટલે તારાપુરના દવાખાને ખાસ્સી અવરજવર રહેતી.દવાખાનાના મુખ્ય સાહેબ તે ડોક્ટર પરમાર સાહેબ,દર્દીઓના માનીતા પણ હોદાની રુએ અઠવાડિયામાં ત્રણ દિવસ જ દવાખાને આવે ,કોઈ સરકારી કેઈસ હોય, અગત્યના કે ગંભીર કેઈસ હોય તો તરત આવી જાય. ડો.પરમાર બાદ ડો. અંસારી સાહેબ ,દવાખાનાના મોટાભાગના દર્દીને સંભાળવાની સાથે એક ક્લાર્ક ની મદદથી દવાખાનાનો લગભગ બધો વહીવટ એમના હાથમાં ,બે નર્સ દક્ષાબેન અને મંજુબેન ને કંપાઉન્ડર ધનજી. સ્ટાફની ઓછી સંખ્યાને કારણે દવાખાનામાં મોટેભાગે ઝાડા-ઉલટી ,તાવ , ઈજા દુખાવા જેવી સામાન્ય બીમારીઓનો ઈલાજ કરવામાં આવતો , મુશ્કેલીવાળા કે ગંભીર કેઈસ ને શહેર ની ચિઠ્ઠી ફાડી દેવામાં આવતી.વીસેક પથારીઓ પણ ખરી પણ તેમાંની મોટાભાગની ખાલી રહેતી.

દવાખાનાના કર્મચારી ઉપરાંત ચા ની લારી ધરાવતો મોહન ,તેને  ત્યાં કામ કરતો બસીર ,દવાની દુકાન ચલાવતા નંદુભાઈ , ફ્રુટવાળો હનીફ ,ભીખારી નઘો વગેરે ના ધંધા રોજગાર દવાખાનાને આધીન હતા.

જો કે આ બધામાં અલગ તારી આવતો  હતો કંપાઉન્ડર ધનજી ,બેઠા કદનો ,મોટી આંખો ,ઘોઘરો અવાજ ,હમેશા સફેદ કપડા પહેરવાને કારણે વધારે કાળો લાગતો ધનજી ! ધનજી બધાને અણગમતો હતો. એ હતો જ એવો ! ડો. પરમાર સાહેબની ઓપીડી હોય એટલે દર્દી ની ભારે ભીડ થઇ જાય ત્યારે એ આખો ઓરડો ધનજીના બરાડાથી ગુંજી ઉઠે ,તે મોટેથી બોલતો ,તેના મુખમાંથી સતત વાક્બાણ છુટતા રહેતા ‘એઈ ડોસા લાઈનમાં બેહો ‘ ‘એ બેન ચંપલ પેરીને ક્યાં ધોળી જાસ ,બાર કાઢને આટલી ય ખબર નથી પળતી ?’ ‘આઈ દરવાજા પાહે હું ઘેરો વર્યા છો ? આધા રયો’ ‘તમારે દરદી કોણ છે ? દરદી ભેગા આટલા બધાનું હું કામ છે ,દરદી હારે એકજ જણો રયો હાલો બાકીના બધા બાર બેસો.’.ધનજી ને મન દર્દી અને દર્દીના સગા એટલે સાવ તુચ્છ .ધનજી ગમે તેનું અપમાન કરી નાખે ,ધનજી ની જબાન એવી કઠોળી ચાલતી કે દર્દી કે દર્દી ના સગા સમસમી જતા પણ પોતાની ગરજ હોવાથી ધનજી ને સહન કરી લેતા.ઘણીવાર આ બાબત ધનજી અને લોકો વચ્ચે બોલાચાલી  થઇ જાય પણ ધનજી નમતું                          ન મુકે ,પરમાર સાહેબ પાસે ફરિયાદ પણ થાય.

પરમાર સાહેબ કે બીજા સ્ટાફને અંદરખાને ધનજી નું આવું વર્તન કે બરાડા ગમતા નહિ પણ ધનજી તેઓ માટે કામનો માણસ હતો .એક સાથે અનેક કામ કરતો ધનજી.પરમાર સાહેબનું વીજળીનું બિલ ભરવાનું હોય કે પાણી નો ટાંકો સાફ કરવાનો હોય – ધનજી હાજર થઇ જતો.અંસારી સાહેબના સ્કુટરને વારંવાર ગેરેજમાં લઇ જવું ધનજી ને ગમતું ,દક્ષાબેનને કેરી લેવી હોય કે સુથારનું કામ હોય ધનજીને  યાદ કરવામાં આવતો ,સુરજગઢ જીલ્લાના સરકારી દવાખાનાનું કામ હોય, ધનજી જતો. ધનજીની રાતપાળી હોય ત્યારે બને ત્યાં સુઘી કોઈ દર્દી કે દર્દીના સગા ડોક્ટરની ઊંઘમાં ખલેલ પાડી શકતા નહિ,રાતપાળી ની ફરજ દરમ્યાન મંજુબેન પણ ધનજી ને હવાલો સોપી નિરાતે ઘરે ઉંઘી શકતા.ધનજી હસીને કહેતો ‘મારે તો ઘરે ય સુવું ને આંય સુવું ,તમતમારે જાવ બેન.’ધનજી એ નોકરીમાં માં ક્યારેય સમય નહોતો જોયો.તેને તેનું કામ ગમતું.

ધનજીને બીજું પણ એક કામ ગમતું ,દવાખાનું ચોખ્ખું રાખવાનું.ધનજીની આવી લગન જોઈ પરમારે સાહેબે દવાખાના ની સાફસફાઈ નો હવાલો ધનજી ને સોપેલો,તે દિવસ થી ગંગા અને કંકુની મુશ્કેલી વધી ગયેલી.ધનજી માથે ઉભો રહીને તે બંને પાસે સાફસફાઈ કરાવતો.’તમે બેય ભેગી કામ કરો’સ ત્યારે કામ થોળું ને વાત્યું જાજી કરો સો.’ એક દિવસ ધનજી એ ગંગા અને કંકુ ને અલગ અલગ કામ કરવાનું ફરમાન કરેલું. ભૂલેચૂકે જો કોઈ દવાખાના ની દિવાલમાં પાનની પિચકારી મારે કે બીડીના ઠુંઠા ફેંકે તો એ વ્યક્તિએ તે  સાફ કરવાની સાથે ધનજીનું લાંબુલચક ભાષણ સાંભળવું પડતું. એક હાથમાં કીટલી અને બીજા હાથમાં રકાબીઓ અથડાવીને અવાજ કરતો બસીર દવાખાનામાં ચા દેવા આવતો તે પણ ધનજી ને ન ગમતું. એક દિવસે બસીરને ધનજી એ સુણાવી દીધેલું ‘તારે દવાખાનામાં આમ દેકારો કરીને ઘુસી નઈ જવાનું ,તારા દેકારાથી દરદીને તકલીફ થાઈ’સ ,બાર ઉભું રેવાનું જીને પીવી હયશે ઇ આવીને લઇ જાહે.’ દવાખાનામાજ પડ્યા પાથર્યા રહેતો નઘા તરફ પણ ધનજી ને  ભારે ચીડ. આ નઘાને છએક મહિના પહેલા અહી દાખલ કરાયેલો ,આગળપાછળ કોઈ નહિ, બસ ત્યારથી એ અહીંથી ખસ્યો નહિ.દવાખાનામાં આવતા લોકો પાસેથી ભીખ માંગી પોતાના પેટનો ખાડો પુરતો. આ નઘા નું સાચું નામ તો કાળું હતું પણ દવાખાનામાજ પડ્યા રહેવાને કારણે ધનજી એને ‘નવી ઘો ‘કહેતો ,તેમાંથી નઘો થયું.આ નઘા ને ઘણીવાર ધનજી તતડાવી નાખતો પણ નઘો ટેવાઈ ગયો હતો.ફ્રુટવાળા હનીફ પાસેથી લીધેલી દ્રાક્ષ ખાટી નીકળતા એ પણ ધનજી ને ખૂંચતો અને જ્યારે મોકો મળે ત્યારે હનીફ સાથે ધનજી બોલાચાલી કરી લેતો.

દવાખાનાના કાયમી અને જુના દર્દી મોટેભાગે ધનજીથી દુર જ રહેતા ,બધાય જાણતા હતા કે ધનજી ક્યારે કોને તતડાવી નાખે તે નક્કી નહિ. ઇનડોર વિભાગમાં નવા દાખલ થયેલા દર્દીના સગાવ્હાલા તરફથી થતી સતત પૂછપરછ થી ધનજી ચિડાતો. એક બાળકને ઝાડા-ઉલટી ને કારણે દાખલ કરાયેલો,મેટ્રોનીડાઝોલ આઈ.વી  અને પેરીનોર્મ ના ઈન્જેક્સન અપાયેલા ,છતાં થોડી થોડી વારે ઝાડો ચાલુ રહેતા પેલા બાળકની માં ધનજી પાસે આવેલી ‘ભાઈ, છોકરાને ઝાળો તો ચાલુ જ છે કાંઈ બીજી દવા હોય તો …’ ત્યારે ધનજીએ અણગમા સાથે  કહેલું ‘બેન ઈ કાઈ ચકલી (નલ) નથી ,તે હું આમ ફેરવું  તો બંધ થઇ જાય, સાયબે દવા આપી છે મટતા વાર લાગે, એમ ફટાફટ મટી ન જાય.’ પેલી સ્ત્રી વિલાયેલા મોઢે પાછી ફરેલી , એ બાળક ને મોડે સુધી ઝાડો ચાલુ રહેલો પણ પછી કોઈએ ધનજી ને પૂછવાની હિમત કરેલી નહિ. આવા જ એક બીજા બનાવમાં એક પુરુષ અકસ્માતમાં ઈજા થવાને કારણે બેભાન થયેલો ,આ દર્દી એ ભાનમાં આવવાની શરૂઆત માં હાથ હલાવ્યો ,ત્યારે તેની સાથે આવેલો વ્યક્તિ દોડીને ફરજ પર હાજર ધનજી પાસે ગયેલો ‘ભાઈ હાલોને જરા, એ હાથ હલાવે છે.’ ‘એલા ભાઈ માણહ જીવતો છે તો હાથ તો હલાવે ને ! જાવ હું હમણાં આવું છું.’ ધનજી એ કહેલું. પેલા વ્યક્તિ ના ચહેરા પર થોડીવાર રતાસ તરી આવી પછી સુન થઇ ગયેલો .દર્દી અને તેના સગા વચ્ચેનો લાગણી નો તંતુ ધનજી જોઈ શકતો નહિ, દર્દી કે તેના સગાઓની આંખની ભીનાશ કે તેઓની લાચારી ધનજી ને નજર ન આવતી.ધનજી માટે તો દરેક દર્દી એક ‘કેઈસ’ માત્ર હતો ,એથી વિશેષ કશું નહિ.

જો  કે ધનજી ને દર્દીનો  ઉપચાર કરવો સાવ ગમતું નહિ એવું નહોતું ધનજી ને દર્દીને ટ્રીપ (બાટલો) ચડાવવાનું બહુ ગમતું. ઝીણી ,વેધક નીડલ દર્દીની નસમાં ખોસી દેવામાં ધનજી ને અનેરો આનંદ આવતો,ઘણીવાર કોઈ દર્દીની નસ પકડાય નહિ ત્યારે ધનજી જાણે પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય એમ નિષ્ઠુરતા પૂર્વક પ્રયત્ન કરતો, અનેક પંચરો ને અંતે જ્યારે નસ પકડાય ત્યારે જાણે તેનો વિજય થયો હોય એમ ખુશ થતો. ઘા ,ગુમડા ,ઈજા નું ડ્રેસિંગ કરવાનું પણ ધનજી ને ગમતું. જયારે આવો દર્દી ધનજી પાસે આવે ત્યારે તે નિર્દય રીતે ઘા ,ઈજાની સાફસફાઈ કરતો, દર્દીની ચીસો તેને ગમતી ,દર્દી કે દર્દીના સગાની ધીરે ધીરે મલમપટ્ટી કરવાની વિનંતી ની કોઈ અસર ધનજી પર થતી નહિ ,દર્દીની આંખમાં આવતું પાણી જોઈ ધનજી ની આંખમાં એક અનેરી ચમક આવતી. ધનજી ને સ્પીરીટ ની ગંધ ગમતી ,દવાઓની વાસ ગમતી ,ધનજી ને પોતાનું કામ ગમતું.

થોડા દિવસો પહેલા  આ ધનજી પાસે તેનો દીકરો દોડતો આવેલો ‘બાપા હાલો ઝટ,માં બોલાવે છે ઈ ધોળીને નિશાળે ગઈ છે.’

‘કા ! શું થયું ?’ધનજી ને મનમાં ધ્રાસકો પડ્યો.

‘નિશાળ માં સમાચાર આવ્યા છે કે બેનની બસ ઉંધી વળી ગઈ.’

‘હે ! હે ભગવાન ‘ ધનજી ના મુખમાંથી ચીસ નીકળી ગઈ જાણે ધનજી ના પગ તળેથી જમીન ખસી ગઈ !ઘડીભર તો શું કરવું તે જ ધનજી ને ખબર ન પડી પછી એકાએક સઘળું કામ છોડી તે નીશાળ તરફ દોડ્યો હતો.દવાખાના થી થોડે જ દુર આવેલી નિશાળમાં ધનજી ના બંને દીકરા અને સૌથી મોટી દીકરી સોનલ ભણતી હતી. બાર વર્ષની સોનલ ,ધનજી ની લાડકી દીકરી સોનું, ધનજી ને બેઉ દીકરા વ્હાલા હતા પણ સોનું અદકેરી ,ધનજી ના કાળજાનો કટકો. સોનું જન્મી તે દિવસ થી આજ દિન સુધી ધનજી એ તેને અપાર હેતથી ઉછેરી હતી,સોનું કોઈ વસ્તુ માંગે એટલે ધનજી હાજર કરી દેતો.પોતાની અંગત જરૂરિયાતો પર કપ મુકીને સોનું માટે સારા કપડા ,સારી વસ્તુઓ લાવીને ધનજી હરખાતો, આ સોનું ને ભણાવી-ગણાવીને ડોક્ટર બનાવી તેના હાથ નીચે કામ કરવાનું ધનજી નું સોનેરી સપનું. દીકરી ને આટલા લાડ-કોડ ને કારણે ધનજી ને તેની પત્ની જમના ક્યારેક કહેતીય ખરી ‘છોકરી ને આટલા લાડ લડાવીને હાવ બગાડી મુક્સો તમે તો ‘ ત્યારે ધનજી હસીને કહેતો ‘અરે તું તો સાવ ગાંડી જ રહી, આપણી સોનું ભણીને ડોક્ટર થાહે તયે જોજો તે ખરા,બધાય મોમાં આંગળા મૂકી દેહે.’કહેતા ધનજી ના ચહેરા પર ગર્વ છલકાય જતો,જમના પણ મનમાં ખુશ થઇ જતી. સોનુની નીશાળ માં વિદ્યાર્થી પ્રવાસનું આયોજન થયું,ધનજી ના ત્રણેય બાળકોએ જવાની જીદ કરી , જમનાએ જવાની ચોખ્ખી ના કહી,પણ સાંજે ધનજી નોકરી પરથી આવતા ત્રણેયે ધનજી ને ઘેરી લીધો.ખાસ તો સોનું એ જીદ કરી ,તેની બહેનપણી રેખા પ્રવાસમાં જતી હતી. થોડીવાર જમના સાથે મસલતો કર્યા પછી ધનજી એ કહ્યું ‘તમે બધા જાવ તો અમને આંય ઘરે ન ગમે ,અત્યારે બેન ભલે જાય આવતે વખત તમારો વારો ‘કહી બેઉ દીકરાને દસ રૂપિયાની નોટો આપી મનાવી લીધેલા.સોનું ખુશીથી ઉછળી પડી ધનજી ને ગળે વળગી પડેલી.

ધડકતા હૈયે ધનજી નિશાળે પહોચ્યો,નીશાળના દરવાજા પાસેજ જમના અને તેના પડોશી જીવરાજ સામે મળ્યા.,જમના બેબાકળી અને જીવરાજ ઉશ્કેરાટમાં દેખાતો હતો.’હાલો ધનજીભાઈ ,જલ્દી શેર જાવું છે’જીવરાજે તરત ધનજી ને કહ્યું.’ ‘પણ હું થયું’સ ,મને કોક વાત તો કરો ‘ધનજીએ જમના સામે જોતા પૂછ્યું.’ ‘અરે આ છોકરીઓની પરવાસ ની બસ વેલી હવારે પાછી આંય આવતી’તી તય  કોક બીજી બસ હારે ભટકાઈને પાહેનાં ખાડામાં ઉંધી પળી ગઈ.’ જીવરાજે માહિતી આપતા કહ્યું. ‘મારી સોનું ..’ જમનાએ ડૂસકું મુક્યું. ‘ધરપત રાઈખ બેન, મારી રેખાય ભેગી સે ,ભગવાન હૌં હારાવાના કર‘સે ‘જીવરાજે જમનાને દિલાસો આપ્યો. ‘પણ હાલ છોકરીઓ ક્યાં’સે ? ઈને કાઈ લાગ્યું…..તો .’ધનજીએ વ્યગ્રતાથી પૂછ્યું. ‘સુરજગઢ ના દવાખાને ,સુરજગઢ ની થોળે આધે જ બસ ભટકાઈ’ રોતી જમનાએ જવાબ વાળ્યો.’’તમે ધનજીભાઈ હવે મોળું ના કરો , બીજા વાહનનો તો અત્યાર મેળ નો આવે હું ઓલા કાનાની મોટર કરીને ચાર રસ્તે ઉભું સુ તમે ઝપટ ઘરે થઈને ત્યાં આવો, રેખાની માંનેય હારે લેતા આઈજો’ કહેતા જીવરાજ ઉતાવળો ચાલ્યો.ધનજી અને જમના ઘર તરફ ફર્યા.

સુરજગઢ બહુ દુર ન હતું, એકાદ કલાકમાં પહોચી જવાય પણ એ એક કલાક ધનજી માટે જાણે એક વર્ષની જેમ વીતી. પુરા રસ્તે ધનજીના મનપટ પર સોનું છવાયેલી રહી.હસતી કુદતી સોનું દેખાઈ આવતી. ટેક્સી સુરજગઢ ના દવાખાના પાસે ઉભી રહી. ધનજી માટે આ દવાખાનું અજાણ્યું ન હતું ,ઘણીવાર કામ સબબ તે અહી આવ્યો હતો દોડવાની ચાલે બધા દવાખાના માં દાખલ થયા. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ ને વિશાળ વોર્ડ માં રખાયા હતા ,વિશાળ વોર્ડની અંદરનો માહોલ જોતા બધા બે ઘડી વોર્ડના દરવાજા પાસેજ ઉભા રહી ગયા. આખો વોર્ડ માણસોથી ભરચક્ક હતો, વોર્ડની બધી પથારી પર દર્દી હતા જેમાંથી મોટાભાગના સોનું ની નીશાળના વિધાર્થી હતા ,પથારી ખૂટી પડતા ઘણાને નીચે ફરસ પર ગાદલા નાખીને રાખવામાં આવ્યા હતા.કોઈને હાથમાં તો કોઈને માથામાં તો કોઈને પગમાં પાટાઓ, ડ્રેસિંગ કરેલા હતા,ઘણા બાળકો રડતા હતા, તો ઘણા ગુમસુમ બેઠા હતા.દવાખાના નો કર્મચારી ગણ , ઘાયલોના ઈલાજ માટે દોડાદોડી કરતા હતા, થોડા પોલીસો અને અધિકારી જેવા લગતા માણસો પણ હાજર હતા તો થોડા સ્વયસેવક જેવા લાગતા માણસો રડતા બાળકોને સંભાળવાનો પ્રયન્ત કરતા હતા, પણ ધનજી ની નજર ત્યાં ન હતી તેની ચાતક નજર સોનુને શોધતી હતી, ધનજી અને જમના વોર્ડની અલગ અલગ દિશામાં ફરી વળ્યા.’ રેખા ….’જીવરાજની નજર વોર્ડના ખૂણામાં નીચે ફરસ પર પથારીમાં બેઠેલી રેખા પર પડી, જીવરાજ અને ધનજી ઉતાવળા તેની પાસે પહોચ્યા.’મારી દીકરી ..’જીવરાજે તેને વળગી પડી તેને ક્યાંય લાગ્યું તો નથી ને તે જોવા માંડ્યો.રેખાની આંખમાં આંસુ આવી ગયા. ‘સોનું ક્યાં સે ? ધનજી એ વિહ્વળતા થી રેખાને પૂછ્યું,જવાબમાં રેખાએ સામેના ખૂણામાં આંગળી ચીંધી,ધનજી એ ખુબજ ઝડપથી એ દિશામાં માથું ફેરવ્યું. એ ખૂણામાં નીચે ફરસ પર ગાદલું નાખીને સોનુને સુવાડવામાં આવી હતી, કપાળ પર ડ્રેસિંગ કરેલું હતું, જમણી આંખની ઉપરની બાજુ સોજો ચડી ગયો હતો, ડાબા હાથ ઉપર પણ પાટો હતો .ધનજી ઝડપથી ત્યાં પહોચ્યો,આ દરમ્યાન જમના પણ ત્યાં આવી ગઈ હતી,’સોનું ..સોનું  ‘જમના એ સોનું ને ઢંઢોળી .સોનું સુતી હતી પણ તેના ચહેરા પર ભયના ભાવ વંચાતા હતા ,કપડા અને માથામાં  ધુળ ચોટેલી હતી,વાળ અસ્તવ્યસ્ત હતા ,આંખોના ખુણા પર આંસુઓ જામી ગયા હતા .’તમારી દીકરી છે ભાઈ ?’ સોનું પાસે ઉભેલા એક પુરુષે ધનજી ને પૂછ્યું , ધનજી એ હકાર માં ડોકું હલાવ્યું, તેની નજર હજી સોનું પર ચોટેલી હતી, ‘કપાળમાં લાગ્યું છે ,હાથમાં પણ થોડું લાગ્યું છે,સવારે અહી લાવ્યા ત્યારે લગભગ બેભાન જેવી જ હતી, એકાદ કલાક પહેલા એ જાગી હતી ત્યારે રડતી હતી .ઈલાજ ચાલુ કરી દીધો છે,’પેલા પુરુષે માહિતી આપી.ધનજી દીનવદને ધબ્બ કરતો સોનુની પથારી પાસે બેસી પડ્યો.તેના ચહેરાનો રંગ સાવ ફિક્કો પડી ગયો હતો. ધનજી એ સોનુને આવા રૂપમાં ક્યારેય જોય ન હતી, ‘તમારી દીકરી છે ?’ ધનજી ની પાછળથી અવાજ આવ્યો.ધનજી અને જમના બંનેએ પાછળ જોયું,દવાખાનાની નર્સ એક હાથમાં ભરેલા ઇન્જેક્સનો અને બીજા હાથમાં બે ત્રણ કાગળો લઇ ને આવતી હતી, ‘હા’ જમના એ કહ્યું, ‘આ લો એનો માથાનો ફોટો પડાવવાનો છે,સામેની બાજુ એક્સ રે વિભાગ છે ‘ કહેતી નર્સ ધનજી ના હાથમાં એક કાગળ પકડાવી, ઝડપથી બીજા દર્દી પાસે નીકળી ગઈ.ધનજીને સોનું વિષે પૂછવું હતું ,પોતાના વિષે કહેવું હતું પણ નર્સ ઝડપથી ચાલી જતા તે કઈ પૂછી શક્યો નહિ,

ધનજી આ દવાખાનામાં આવતો હતો ત્યારે તે મનમાં વિચારતો હતો કે તે પોતે  કંપાઉન્ડર છે અને દવાખાનામાં પોતાના ઓળખીતા છે તેથી સોનુની વ્યવસ્થિત સારવાર કરાવી શકશે,પણ અહી પરિસ્થિતિ સાવ અલગ જ હતી ,ધનજી ને ઓળખતા હતા એ કર્મચારીઓ નજર આવતા ન હતા,વળી અત્યારે  કોઈને પોતાના વિષે કહી શકાય એવો માહોલ ન હતો.જો કે આવો માહોલ ધનજી માટે નવો ન હતો ,ધનજીને આવો માહોલ ગમતો ,પણ આજ ધનજીને આ માહોલ ન ગમ્યો.તેને અહી ગૂંગળામણ થવા માંડી હતી. થોડી વારે જીવરાજ,તેની પત્ની અને પગમાં સામાન્ય ડ્રેસિંગ કરેલા સોનુના શિક્ષક પણ ધનજી પાસે આવી ગયા,રેખાને સારું હતું બહુ ઈજા થઇ ન હતી.સોનું ના શિક્ષકે અકસ્માત કેમ થયો તેની વાત  કરી ,વહેલી સવારે બસ તારાપુર આવતી  હતી ત્યારે ડ્રાયવરને ઝોકું આવી ગયું ને સામેથી આવતી બસ ની ટક્કરથી બચવા તેને ઝડપથી બસને એક બાજુ ધુમાવી હતી ,બંને બસ ના ખુણા ભયાનક અવાજ સાથે અથડાયા ને ડ્રાયવરે બસનો કાબુ ગુમાવતા બસ રોડ ઉપરથી નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હતી,ચિત્કારો અને દેકારાથી બસ ગુંજી ઉઠી હતી. શિક્ષકે વાત પુરી કર્યા પછી પણ બધા શાંતિથી બેસી રહ્યા હતા જાણે બધાને આધાત લાગ્યો હોય.’ ‘ભગવાનનો પાડ, બધાય છોકરા હેમખેમ છે.’ જીવરાજે ઈશ્વરનો આભાર માનતા કહ્યું. ત્યાં અચાનક સોનું એ ઉંહકારો કર્યો,તેને પોતાનો જમણો હાથ કપાળ ઉપર દબાવ્યો, તેના મુખમાંથી ન સમજાય એવા દર્દના ઉદગાર નીકળ્યા, ‘સોનું ..સોનું બેટા..’જમનાએ સોનુનો હાથ પકડીને પાછો નીચે મુક્તા કહ્યું ,થોડી વારે સોનુએ આંખો ખોલી,તેની આંખોમાં ઝાકળ હોવાથી તેને બે ત્રણ વાર આંખો ખોલબંધ કરી ,જમનાએ પોતાની સાડીના છેડાથી હળવેકથી સોનુની આંખો લુછી,જમનાને જોતા તેના ચહેરા પર થોડી શાતા આવી ‘બોવ …દુખે..છે,’સોનુએ ત્રુટક ત્રુટક શબ્દોમાં કહ્યું,સોનુની આંખમાં ફરી પાછું પાણી ભરાય ગયું, ‘હા દીકરા હમણાં મટી જાહે હો ‘ ધનજીએ હળવેકથી સોનુના માથા પર હાથ ફેરવ્યો.’ …દુખે..છે’ સોનુએ પાછું કહ્યું, તારાપુરમાં ફરજ દરમ્યાન ધનજીને કોઈ દર્દી કે દર્દીના સગા ધનજીને દુખાવાની ફરિયાદ કરતા ત્યારે ધનજી તરત પેરાસીટામોલ કે બ્રુફેન ની ગોળીઓ આપી દેતો.પણ આજ તો દર્દી તેની દીકરી હતી, જાણે ધનજી આજ પોતાનું બધું જ્ઞાન ભૂલી ગયો હતો ,આજ એ માત્ર એક પિતા હતો,’’હું સાહેબને બોલાવી લાવું ‘ કહેતા ધનજી ઉભો થયો.સવારથી ડોક્ટરો એકધારા ઈલાજમાં વળગ્યા હતા ,હવે થોડી નિરાંત થવાથી તેઓ ફ્રેશ થવા બહાર ગયા હતા, વિશાળ વોર્ડની વચ્ચે દીવાલની બાજુ નર્શો માટેની બેઠક વ્યવસ્થા હતી, ધનજી ત્યાં ગયો, ‘બેન જરા હાલોને ‘;’શું છે ભાઈ ? ‘નર્સે નીચું માથું રાખીને જ પૂછ્યું, ‘ મારી દીકરી ભાનમાં આવી સે ‘ એને બહુ દુખે સે ‘ ધનજી એ કહ્યું,નર્સે દૂરથીજ સોનું પર નજર નાખી અને બોલી ‘એને દુખાવાનું ઈન્જેક્સન આપેલું છે એક્સ રે નો રીપોર્ટ આવી જાય પછી બીજી દવા ચાલુ થશે,’ ‘પણ સિસ્ટર તમે એક વાર આવો તો …ધનજી એ વિનંતી કરી ‘એને બહુ દુખે સે’ ‘જુઓ ભાઈ ,દવાની અસર થતા વાર લાગે એમ ફટાફટ મટી ન જાય, છતાં એવું લાગે તો આ ગોળી આપી દ્યો.’ સવારથી કંટાળેલી નર્સે અણગમા ,કઈક  ધૃણાથી થી ધનજી ને સુણાવી દીધું.ધનજી દિગમૂઢ થઈને નર્સ સામે જોતો રહી ગયો,’એમ ફટાફટ મટી ન જાય ‘નર્સ ના શબ્દો ધનજી ને હૃદય સોંસરવા નીકળી ગયા,જાણે સાવ નિસહાય ધનજી ફિક્કા ચહેરે સોનું ની પથારી તરફ પાછો ફર્યો.’ ‘આપી દવા ?’ જમનાએ પૂછ્યું, ‘આ ગોળી…બાકી રીપોટ પસી ‘ધનજી માંડ એટલું બોલી શક્યો. ધનજી ના મનમાં જબરી ગડમથલ ચાલતી હતી.જીવરાજ અને ધનજી સોનુના એક્સ રે ની વ્યવસ્થામાં લાગી ગયા.

મોડી સાંજે ડોક્ટર આવ્યા હતા, રીપોર્ટ પણ સારો આવ્યો હતો,સોનું ની સ્થિતિ સુધારા પર હતી.સોનુએ થોડી આઈસ્ક્રીમ પણ ખાધી ,ધનજીના પરિચિત કર્મચારી ધનજીને મળી ગયા.ધનજીએ તારાપુરથી પરમાર સાહેબ પાસેથી અહીના ડોક્ટરો પર ફોન પણ કરાવ્યો હતો જેથી ડોક્ટરોએ નર્સ અને બીજા સ્ટાફ ને સોનું માટે ભલામણ કરી હતી.રેખાને રજા અપાઈ હતી ,જીવરાજે ધનજી પાસે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ ધનજીએ ‘ઘેર  છોકરા એકલા છે એને એકાદ બે દી સાચવજો કહીને રવાના કર્યા હતા.ધનજી અને જમાને આજે સવાર પછી કશું પેટ માં નાખ્યું ન હતું.આજે તેઓની કઈ ખાવાની ઈચ્છા પણ ન હતી,ધનજી સોનું માટે થોડા હળવો ખોરાક લાવ્યો હતો, ‘ચાલો ,દર્દી પાસે એકજ વ્યક્તિ રહે ,બાકીના બધા બહાર ચાલજો ‘મોડી સાંજે રાતપાળીમાં આવેલી નર્સે બધા સાંભળે તેમ મોટેથી બોલી હતી, ધીરે ધીરે માણસો ઉઠ્યા હતા. ધનજી પણ ઉભો થયો ,સોનુને સારું હતું એટલે બહુ ફિકર ન હતી.છતાં તે ખિન્ન હતો.આખા દિવસની દોડાદોડી થી ધનજી શારીરીક ,માનશીક બંને રીતે થાક્યો હતો, ધનજી વોર્ડની બહાર લોબીમાં આવ્યો,લોબીમાં અહી તહી માણસો બેઠા હતા, કોઈ સુવાની તૈયારી કરતા હતા, ધનજીને મનમાં અજંપો હતો તે લોબીથી બહાર નીકળ્યો, એક ઠંડી હવાની લહેર ધનજી ને સ્પર્શી ને પસાર થઇ ગઈ ,ધનજી ને સારું લાગ્યું.ધનજીએ અમસ્તા જ આમતેમ નજર દોડાવી દવાખાનાનું આંગણ મોટું હતું,વૃક્ષો પણ હતા, ધનજી થોડે દુરના એક નાના ઝાડ પાસે પહોચ્યો,ઝાડ ના બહાર દેખાતા મૂળિયાં પર માથું ટેકવીને તેણે જમીન પર જ શરીર લંબાવ્યું ,તેની નજર આસમાન તરફ મંડાઈ.આસમાનમાં તારાઓ તગતગતા હતા ,એક જગ્યાએ ધનજી ની દ્રષ્ટી સ્થિર થઇ ,તેને આજ બપોર પછીની ઘટના દેખાઈ આવી, જાણે કોઈ ફિલ્મ ચાલતી ન હોય ! ધનજી અને જીવરાજ સોનુને એક્સ રે માટે લઇ ગયા હતા,આટલા દર્દી વચ્ચે સ્ટ્રેચર હાથ આવ્યું ન હતું, જીવરાજે સોનુને ઉચકી હતી ,એક્સ રે વિભાગમાં પણ ભીડ હતી .ધનજી ટેક્નીસ્યન પાસે જવા આગળ વધ્યો, ‘એ ભાઈ ક્યાં જવું છે ?’ દરવાજા પાસે બેઠેલા પ્યુંને ધનજીને રોક્યો.’ મારી દીકરીનો એક્સ રે…. ‘ ધનજી એ કહ્યું. ‘ અહી બધા એટલા માટેજ આવે છે,લાવો તમારો કેઈસ ,થોડી વાર લાગશે’ ધનજી પ્યુનને પૂછ્યા વગર અંદર જતો હતો તે પેલાને ન ગમ્યું.’ભાઈ હુંય દવાખાનામાં નોકરી કરું સુ,મારી દીકરી નો ફોટો પડી જાય તો ઝટ ઈલાજ થાય.’.પોતાના સ્વભાવ વિરુદ્ધ ધનજી આજે વિનંતી કરી રહ્યો હતો. ‘તમારી વાત સાચી પણ આગળ આવ્યા હોય તેનો વારો મારે લેવો પડે,’પેલો પ્યુન પણ ઓછો ન હતો.’ ‘પણ ભાઈ એને બોવ દુખે સે, હમણાં જ ભાનમાં આવી સે..ધનજી બોલવા જતો હતો પણ પેલા એ અધવચ્ચે સંભળાવી દીધું ‘ તમે મગજમારી ના કરો પેલા વારો લેવો હોય તો સાહેબની ચિઠ્ઠી લઇ આવો બાકી રાહ જુઓ.’ ધનજી ગમ ખાઈ ગયો, તારાપુરનો ધનજી આજે નિસહાય હતો,એક્સ રે વિભાગની લોબીના એક બાકડા પર દર્દની કણસતી સોનુને સુવડાવી હતી અને ધનજી પોતાના વારાની રાહ જોવા માંડ્યો ,એક સામાન્ય દર્દીના સગાની જેમ ! એક કલાકની અકળામણ પછી સોનુનો વારો આવ્યો હતો.

એકાએક તંદ્રામાંથી જાગ્યો હોય એમ ધનજી વર્તમાન માં પાછો આવ્યો.ધનજીએ એક નિ:શ્વાસ નાખ્યો, આજુબાજુમાંથી આવતી ઠંડી હવાની જેમ ધનજીને વિચારોએ ઘેરી લીધો. પેલાએ ધાર્યું હોત તો સોનુનો વારો વહેલો લીધો હોત ! પણ… પણ….સોનું ક્યાં તેની સગી હતી, ધનજી શુન્યમનસ્ક આસમાન તરફ તાકી રહ્યો. ધનજી ને ઊંડેથી, હૃદયમાંથી અવાજ આવતો હતો, ‘ધનજી તુંય એવોજ છે ને ,સાવ પાણા જેવો’ ધનજી ને બધું યાદ આવવા માંડ્યું, તારાપુર ! તારાપુર નું દવાખાનું , પોતાના બરાડા, પેલી સ્ત્રી નો વિલાયેલો ચહેરો , પેલા પુરુષની આઘાત પામેલી આંખો, દર્દીના સગાની આંખોમાં આવી જતા પાણી, ગંગા-કંકુનો અણગમો, બસીર , ડ્રેસિંગ વખતે દર્દીને થતું દર્દ, નઘા નો લાચાર ચહેરો…..એ બધા જાણે ધનજી પર હસતા હતા ,મોટેથી હસતા હતા.ધનજી સટાક કરતો ઉભો થઇ ગયો,એનું માથું ભમતું હતું ,હૃદયમાં ધમસાણ મચ્યું હતું,’ ‘હા, હુંય એવોજ સુ….એવોજ સુ ,સાવ પાણા જેવો’ ધનજી સ્વગત બોલી પડ્યો.એની આંખોમાં પાણી ઘસી આવ્યું, મોડી રાત સુધી ધનજી એ ઝાડ નીચે બેસી રહ્યો, સાવ એકલો ,તેની આંખોમાં પાણી હતું, એ આંસુ હતા ,એ પોતાના કૃત્યોને ધોઈ રહ્યો હતો….

સવારે એક ટેક્સી તારાપુર તરફ દોડી રહી હતી, ટેકસી માં સોનું ,જમના અને ધનજી બેઠા હતા.બારીમાંથી સુરજના હુંફાળા કિરણો સોનું પર પડતા હતા, સોનું અકસ્માતમાંથી ઉગરી ગઈ હતી ,તેને નવો જનમ મળ્યો હતો ,ને ધનજી ! ધનજી અત્યારે હળવોફુલ હતો, એક અલગ જ ધનજી .સોનું સાથે ધનજીને પણ નવો જનમ મળ્યો હતો. હા ,નવો જનમ …..નવો જનમ ….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.