Posted in મારા રમુજ લેખો

આરસનું આસન

‘પ્રકાશ છે કે ‘

‘અરે આવ આવ કિશોર બેસ ‘ પ્રકાશે પોતાના મિત્ર કિશોર ને આવકાર આપ્યો , ‘યોગ્ય સમયે જ તું આવ્યો  ચા બની રહી છે ‘

‘ચાલશે -પણ પહેલા તું એ કહે કે બે દિવસ નું કહી ને તમે પાંચ દિવસ ક્યાં ફરી આવ્યા ?’

‘અરે યાર તું તો બહુ ઉતાવળો ,લે આ ચા આવી પહેલા ચા પી પછી વાત થશે ‘

‘કેમ છો  કિશોરભાઈ ,મઝામાંને ‘-પ્રકાશની પત્ની જયાએ ચા આપતા કહ્યું .

‘આનંદમાં ,તમને કેમ છે ‘  કિશોરે ચા લેતા કહ્યું .

‘સારું છે ,પણ આ પાંચ દિવસના ધૂળ -કચરા  સાફ કરતા નાકે દમ આવી જાય છે’ જયાએ કહ્યું .

‘એમાં મુંઝાવાની શી જરૂર છે !આને (પ્રકાશ સામે ઈશારો કરતા ) જોતરી દેવાઈ ને ,એ ક્યારે કામ આવશે ?’ કિશોરે રમુજ કરી .

‘એમાં એવું છે ને કે મીનાભાભીએ જેમ તને કચરા -પોતાની ટ્રેનીંગ આપી છે એવી ટ્રેનિગ જયાએ મને આપી નથી ,તેથી આવું કામ આપણ ને ન ફાવે ‘ પ્રકાશે સામી મજાક કરી.

‘હં ,મને લાગે છે કે મીનાભાભી પાસેથી મારે ટ્રેનીંગ લેવી પડશે ‘ જતા જતા જયા હસતા ચેહરે બોલી.

‘હં ,બોલ હવે આ પાંચ દિવસ ક્યાં હતો ?’ કિશોર ચા પીતા પીતા બોલ્યો.

‘વાત એમ છે કે આ માર્ચ મહિનાની ધમાલમાં સાવ કંટાળી ગયો હતો , વળી છેલ્લા ઘણા સમયથી ક્યાંય બહાર પણ ગયા ન હતા તેથી આ એપ્રિલમાં બે દિવસ બહાર ફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો એ તો તને ખબર જ છે.જૂનાગઢમાં અમારા સંબંધી રહે છે તેઓ ઘણા સમયથી પોતાને ત્યાં આવવા આગ્રહ કરતા હતા તેથી આ વખતે અમે બે દિવસ જુનાગઢ ગયા,ત્યાં રહેવાની  ને ફરવાની મજા આવી ,અમારા સંબંધી નો ખુબ આગ્રહ હતો ને વળી શની-રવિનો  મેળ આવતો હતો એટલે રાજા થોડી લંબાવી દીધી ‘ પ્રકાશે વિગતવાર વાત કહી.

‘શું વાત છે ! જુનાગઢ ! , બહુ મજા આવી હશે નહિ !’ કિશોર ખુશ થતા બોલ્યો.

‘અરે ખુબજ ,જૂનાગઢમાં ફરવા લાયક ઘણાજ સ્થળો છે, દરબાર હોલ મ્યુઝીયમ ,સક્કરબાગ ,નરસિંહ મહેતાનો  ચોરો ,અશોક લેખશીલા ,નવાબનો મકબરો ,ઉપરકોટ ,ઉપલા દાતાર ,ભવનાથ ,ગીરનાર આ ઉપરાંત બીજું ઘણું બધું ‘પ્રકાશ એકી શ્વાસે બોલી ગયો.

‘ગીરનાર ચડ્યા કે ? મારી વર્ષોથી ઈચ્છા છે ગીરનાર ચડવાની ‘કિશોરે મનની વાત કહી.

‘ના ,ઉનાળામાં તો ગીરનાર ચડવો  થોડું આકરું પડે, પણ શિયાળામાં બહુ મજા આવે , આ દિવાળી ઉપર ગીરનાર ચડવાનું ગોઠવીએ ,મજા આવશે ‘પ્રકાશે પ્રસ્તાવ મુક્યો.

‘હા ચોક્કસ ,આપણા તરફથી વાત પાકી ,મારી તો વર્ષો થી ઈચ્છા છે ‘કિશોર બોલી ઉઠ્યો .

‘અરે હા ,જો (ટેબલના ખાનામાંથી ફોટાઓ કાઢતા ) અમે જૂનાગઢમાં કેટલાક ફોટાઓ પડાવ્યા હતા , આ લે જો ‘ પ્રકાશે ફોટાઓ આપતા કહ્યું.

ફોટાઓ  જોતા જોતા કિશોરે પૃચ્છા કરી ‘આ ફોટા માં તમારી સાથે છે એ બધા તારા સંબંધી હશે ,નહિ !’

‘હા ,જો  આ મારા માસા ,આ માસી ,એમનો પુત્ર ,પુત્રવધુ અને આ નાનકડી ત્રણેક વર્ષની ઢીંગલી એમના પુત્ર ની પુત્રી ‘પ્રકાશે ફોટામાં બધાનો પરિચય કરાવ્યો.

‘આ તારા સંબંધી નજીકના સગા કે દૂર ના ?’ એક ફોટા પર નજર સ્થિર કરતા કિશોર બોલ્યો.

‘બહુ દુરના નહિ ‘ કેમ ? ‘ પ્રકાશને પ્રશ્ન સમજાયો નહિ.

‘તો પછી તમારે બીજા સાથે કે અંદરો અંદર ઝગડો કે મતભેદ થયેલા ? કિશોરે  પાછો પ્રશ્ન કર્યો.

‘નહિ , તું શું કહેવા માંગે છો ‘ પ્રકાશ હળવા કંટાળા સાથે બોલ્યો.

‘તો પછી રીક્ષા કે ટેક્ષીવાળાએ આ જગ્યા પર પહોચાડવા માટે તમારી પાસેથી  વધારે રૂપિયા લીધા હશે  ! નહિ ?’ કિશોરે પ્રકાશ સામે આછું સ્મિત  કરતા પૂછ્યું .

‘શું ગાંડા જેવી વાત કરે છો , જે કહેવું હોય તે સ્પષ્ટ કહે ‘પ્રકાશે વ્યગ્ર ચહેરે કહ્યું.

‘અરે તું ગરમ થા માં ‘ કિશોરે ફોડ પાડતા કહ્યું  ‘આ જો ,આ ફોટામાં તારી ગોદમાં બેઠેલી પેલી ઢીંગલીને બાદ કરતા કોઈના ચહેરા પર સ્મિત નથી,ફોટો પડાવતી વખતે વ્યક્તિ ચહેરા પર ખોટો મનોભાવ લાવવા પ્રયત્ન કરે છે એવુંય આ ફોટામાં લાગતું નથી ,ઉલટાનું તમે જાણે જુના દુશ્મન હોવ ને  તમને ધરાર એકી સાથે બેસાડી દીધા હોય એવું લાગે છે.’

પ્રકાશે એ ફોટો જોયો ,થોડી વાર ચુપ રહ્યા પછી એ હસીને બોલ્યો ‘એવું કઈ નથી એ તો બસ અમસ્તું જ , આ જો બીજા ફોટાઓ તે જોયાને,  એમાં તો તને કશો વાંધો  દેખાયો નહીને!’

‘ના, બીજા ફોટાઓ તો બરોબર છે પણ આ ફોટો -‘ કિશોરે પાછું પૂછ્યું.

‘ત્યાં એવુંજ છે ,એ તને નહિ સમજાય ‘ પ્રકાશે મનમાં હસતા કહ્યું.

‘ક્યાં એવું છે ? મને શું નહિ સમજાય ?’ કિશોર ગુચવાયો.

‘ક્યાં તે વળી આ ફોટો પડાવ્યો ત્યાં,એ તને નહિ સમજાય ‘ પ્રકાશે પાછો મમરો મુક્યો.

‘અરે યાર શું  છે ,સ્પષ્ટ વાત કરને ! અને મને શું નહિ સમજાય ‘કિશોરનો અવાજ થોડો મોટો થયો.

પ્રકાશે  કહ્યું ‘જો તને સમજાવું, આ ફોટો ક્યાંનો છે તમે ખબર છે ! આ ફોટો ઉપરકોટ નો  છે ,બહુ સુંદર સ્થળ છે ,ફરવા લાયક –

‘તો ત્યાં શું મોઢા બગાડી ને ફોટો પડાવવાની પ્રથા છે ?’ કિશોર અણગમા સાથે અધવચ્ચે જ બોલી ઉઠ્યો.

‘અરે ના,ના મારી વાત તો પુરી સાંભળ’ પ્રકાશ કહ્યું  ‘આ ફોટોમાં જો ,આ ફોટો  જ્યાં પડાવ્યો છે તે સ્થળ ઉપરકોટ માં આવેલું છે ‘નિલમ અને બીજી બે ત્રણ તોપો  જ્યાં રાખેલી છે તે આ જગ્યા ,ને  આ ફોટામાં  અમારી પાછળ દેખાઈ છે તે રાણકદેવી નો માંડવો કે મહેલ તરીકે ઓળખાય છે. અને અમે જ્યાં બેસીને આ ફોટો પડાવ્યો છે તે આ જ આરસ ની બેઠક એટલે કે ‘આરસનું આસન ‘.

‘હં તે આ જ આરસ નું આસન ,પણ તેનું શું છે ?’ કિશોરને કઈ સમજાયું નહિ.

‘હું આ જ આસન વિષે તને કહું છુ કે એ તને નહિ સમજાય’ પ્રકાશ મજાકના મુડમાંહતો.

‘શું નહિ સમજાય ,નહિ સમજાય મંડી પડ્યો છો, હું કઈ બીજા ગ્રહમાંથી આવું છુ ? વાત કરવી હોય તો ચોખ્ખી કર નહીતર આ હું ચાલ્યો ‘ કિશોર ગુસ્સા માં ઊભા થતા બોલ્યો.

‘અરે બેસ ,બેસ તને પુરી વાત કહું ‘ પ્રકાશે કિશોર નો હાથ ખેંચીને બેસાડતા કહ્યું ‘ મને મારા જુનાગઢવાળા સંબંધીએ વાત કહી છે ,આ આરસનું આસન જે તે સમયે જુનાગઢના રાજા રા’ખેંગારે તેની પ્રિયપાત્ર રાણકદેવી માટે બનાવેલું.તે બંને પ્રેમીપંખીડા આ આસન પર કલાકો બેસતા ,પ્રેમ કરતા ,વાતો કરતા.રાણકદેવી ને આ આસન ખુબજ પ્રિય હતું તેથી આ આસન પર બીજા કોઈને બેસવાની મનાઈ હતી ,બસ આ જ કારણોસર એ આસન પર કોઈ હસતા હસતા  ફોટો પડાવી શકતા નથી.’

‘એટલે તું કહેવા શું માંગે છો ,તારી વાત નો મતલબ શો છે ‘ કિશોર મનમાં આ વાતનો મેળ બેસાડતો બોલ્યો.

‘મારો મતલબ એ છે કે રાણકદેવી ને આ આસન ખુબ પ્રિય હોવાથી તેના પર કોઈ બીજું બેસે તે  ‘રા’ને ગમે નહિ,હવે આજે એ આસન જાણે સિહાંસન હોય તેમ ગમે તે વ્યક્તિ તેના પર આરૂઢ થઇ જાય છે ઘણી વાર તો ત્યાના ચોકીદાર પણ તેના પર સુતા હોય છે, તેથી સ્વાભાવિકપણે ‘રા’ ને આ ન ગમે ,અત્યારે તેઓ હયાત હોત તો આ આસન પર બેસનાર ને ચોક્કસ દંડ દે.પણ રાજા-રજવાડા ગયા અને તે પોતેય ગયા એને ઘણા વર્ષો થઇ ગયા છતાં પોતાની પ્રિયપાત્રની પ્રિય વસ્તુની આવી દુર્દશા જોઈને વધારે કઈ નહિ તો છેવટે ‘રા’ કોઈને આ આસન પર હસતા મોઢે ફોટો પડાવા દેતા નથી આવી રીતે તેઓ પોતાનો અણગમો બતાવે છે.’

‘એટલે તું એમ કહેવા માંગે છે કે ત્યાં ‘રા’નું ભૂત છે ને તે આ બધું કરે છે.’કિશોરે ભ્રમણો તાણી પૂછ્યું.

‘ના ભૂત નહિ ,પણ કોઈક અલગ જ શક્તિ જે ‘રા’ના ઈશારે કામ કરે છે રાજા પોતે આવા કામ કરતા નથી પણ બીજા પાસે કરાવે છે.અમારા સંબંધી ના  જણાવ્યા મુજબ  વર્ષના અમુક ચોક્કસ દિવસોમાં અને ચોક્કસ સમયમાં આ આરસ ના  આસન પર કોઈ પણ વ્યક્તિ હસતા મોઢે ફોટો પડાવી ન શકે ,સામેનો ફોટોગ્રાફર ગમે તેટલીવાર ‘સ્માઈલ પ્લીઝ ‘ સ્માઈલ પ્લીઝ ‘ કહે તો પણ આપણે ચહેરા પર ‘સ્માઈલ ‘ ન લાવી શકીએ.હવે તો ત્યાંના ફોટોગ્રાફર પણ આ વાત જાણતા હોવાથી એ ચોક્કસ દિવસોમાં તેઓ પણ ફોટો પડાવતા પ્રવાસીઓને  ‘સ્માઈલ પ્લીઝ ‘ કહેતા નથી અને તરત ફોટો પડી લે છે.પણ ‘રા’ આમ પાછા પ્રજા વત્સલ ,પ્રજાને આના સિવાય બીજી કોઈ રંજાડ નહિ.’પ્રકાશે અહોભાવ સાથે વાત કહી.

‘તું મૂર્ખા જેવી વાત કરે છો  મૂર્ખા જેવી ,તું આટલો ભણેલો -ગણેલો થઈને આજના યુગમાં આવી વાત કરે છો ? વળી તને ખબર છે હું આવી વાતોમાં વિશ્વાસ નથી કરતો છતાંય તું-‘ કિશોર આવેશમાં બોલી ગયો.

‘મને ખબર હતી ,એટલે જ તને કહેતો હતો ‘ પ્રકાશ બોલ્યો.

‘શું ખબર હતી ,શું કહેતો હતો ? ‘કિશોરે  તંગ ચહેરો પૂછ્યું.

‘એજ કે તું આ બધું નહિ માને, એટલે તો  તને કહેતો હતો કે તને એ નહિ સમજાય’ પ્રકાશે પાછો મમરો મુક્યો.

‘તે ક્યાંથી તંબુરા માંથી સમજાય ? તું શું વાત કરે છો તેનો તને ખ્યાલ છે ? કિશોર મોટેથી બોલ્યો.

‘હા, મને ખ્યાલ છે સાથે એ પણ ખ્યાલ છે કે પત્ની કે પ્રેમિકા માટે પુરુષે ઘણાય ન કરવા જેવા કામો કરવા પડે છે.શું સમજ્યો મારા ભાઈ ‘ પ્રકાશે મંદ મંદ હસતા વાતની દિશા બદલી.

‘હા, હું માનું છુ પણ એ બધું  આપણા જેવા જીવિત મનુષ્યો માં હોય ,પ્રાણીઓ માં  પણ ખરું, પણ તું તો ભૂત પ્રેત ની વાત કરે છો.’કીશોરે  દલીલ કરી .

‘ભાઈ મનુષ્ય હોય કે ભૂત પ્રેત કે પ્રાણીઓ  હોય પત્ની કે પ્રેમિકાની બાબતમાં  બધાની સ્થિતિ  સરખીજ છે ‘પ્રકાશ બોલ્યો.

‘તું મગજ ન ખા યાર ,હું આવા ભૂત પ્રેત કે શક્તિઓમાં વિશ્વાસ કરતો નથી એ તો વર્ષો પહેલા મારી પરવારી ગયેલા –

‘તેઓ ભલે વર્ષો પહેલા ગુજરી ગયા ‘ પ્રકાશે અધવચ્ચેથીજ બોલ્યો ‘પણ જયારે તેઓ હયાત હતા ત્યારે એકબીજાને બધા જન્મોમાં સાથે રહેવાના કોલ આપેલા .આજે તેઓ જ્યાં હશે ત્યાં ચોક્કસ સાથે હશે .રાણકદેવીને પોતાના આસન ની આવી દુર્દશા ગમતી નહિ હોય તેથી ‘રા’મને -કમને આવું કામ કરતા હશે ,આ બાબત તારે શો મત છે ?’

‘મારો મત છે કે તું ગાંડો થઇ ગયો છે અથવા મને ગાંડો સમજે છે હું ભૂત પ્રેતમાં માનતો નથી ત્યાં તું ગયા જનમ અને આવતા જનમને વાતો કરવા માંડ્યો.’કિશોર ઉભા થતા બોલ્યો.

‘ભાઈ તું માન કે ન માન પણ હું માનું છુ, ત્યાં જરૂર એક શક્તિ છે જેનો પુરાવો આ ફોટો છે અને તારી જાણ માટે હાલ એ ચોક્કસ દિવસો ચાલી રહ્યા છે.’ પ્રકાશે પોતાની વાત પકડી રાખી.

‘બસ ,હવે વધારે નહિ  મારું મગજ બહેર મારી ગયું છે , આ બધી વાતો સાંભળીને નહિ પણ તું આ બધું માને છો એ જાણીને મને આશ્ચર્ય જરૂર થયું.આવું કશું હોતુજ નથી ,એ તારા મનનો વ્હેમ છે દોસ્ત ‘ કિશોર દરવાજા તરફ  જતા બોલ્યો.

‘ભલે ત્યારે તારે જવું હોય તો જા  પણ આ બધું –

પ્રકાશ  આગળ બોલવા જતો હતો પણ કિશોર અધવચ્ચેથીજ બોલ્યો ‘બસ હવે હું જાવ છુ.’

પ્રકાશ  મંદ મંદ હસતા તેને જતા જોય રહે છે.

————–અઠવાડિયા પછી ——————

‘ક્યાં છે પ્રકાશ ? !

‘અરે આવ કિશોર ,ઝાઝા દિવસે !

‘ભલા  માણસ આમ કરાય ? મને સાચી વાત કરવામાં તારું શું જતું હતું ?’ કિશોરે દયામણે  ચહેરે પૂછ્યું.

‘ શું કહે છો , શેની વાત ?’ પ્રકાશે સમો પ્રશ્ન કર્યો.

‘એ જ પેલા તારા આરસ ના આસન વાળી વાત ,મને સાચી વાત કરી હોત તો મારે ત્યાં ધક્કો ના થાત ને યાર ‘ કિશોરે ફરિયાદ ના સુર માં કહ્યું.

‘હે શું  તું જુનાગઢ જઈ આવ્યો ? સાચ્ચેજ -પેલા આરસ ના આસન પાસે ‘ પ્રકાશે આશ્ચર્ય થી પૂછ્યું.

‘હાસ્તો , જુનાગઢ જઈ આવ્યો ને પેલા તારા આરસના આસન પર બેસી ફોટો પણ ખેચાવી લાવ્યો.’ કીશોરે વાત કહી.

‘ક્યાં એ ફોટો લાવ મારે જોવો છે ‘ પ્રકાશ હસતા હસતા ઉતાવળે બોલ્યો.

‘ ના ,ફોટો તો નથી અહી નથી લાવ્યો, પણ તને ખબર છે હું આ બધું નથી માનતો  વળી તે એ વાતની પુંછડી પકડી રાખતા આ વાતની ખરાઈ કરવા અને ખાસ તો તને ખોટો પાડવા હું જુનાગઢ દોડી ગયો ને ત્યાં પેલા આરસના આસન પાસે જઈ ચડ્યો ‘ કિશોરે પ્રકાશ સામે જોતા વાત કહી.

‘પછી શું થયું ?’ પ્રકાશે હસતા પૂછ્યું.

‘પછી શું ! જેવો હું ફોટો ખેચાવા એ આસન પર બેઠો  તરતજ ખ્યાલ આવી ગયો કે અહી કેમ કોઈ હસતા મોઢે ફોટો ખેચાવી શકતું નથી ‘કિશોરે હસતા હસતા  પુરી વાત કહી ‘અરે યાર આખો દિવસ કાતિલ તડકામાં તપી તપી ને એ તારું આરસનું આસન પાઉભાજી ના તવા જેવું ગરમ થઇ ગયું હોય ,આવી સીટ પર બેસવા જતા આપણી સીટ ની હાલત ખરાબ થઇ જાય.’

પ્રકાશ મોટેથી પેટ પકડીને  હસી પડ્યો.

‘હા યાર ,એ સીટ પર બેસતા જ મને સમજાય ગયું કે તારા એ ચોક્કસ દિવસો એટલે ઉનાળા ના દિવસો અને ચોક્કસ સમય એટલે બપોર પછીનો સમય. તુંય ખરો છો યાર મને પહેલા જ કહી દીધું હોત તો !

કિશોર પણ હસવા લાગ્યો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.