Posted in મારા રમુજ લેખો

‘પગ’

મારી ચાર વર્ષની દીકરીએ મને બે દિવસ પહેલા નિર્દોષ સવાલ કર્યો , ‘પપ્પા  પગમાં શું નાખી શકાઈ ? ‘ ત્યારથી હું ‘પગમાં શું નાખી શકાઈ ‘ તે વીશે વિચારું છું.જો કે મારી પુત્રીનો ઈશારો મહેંદી તરફ હતો, પણ માનવીનો સ્વભાવ ખણખોદીયો ખરો, તેથી હું આ વિષયમાં બીજી શક્યતાઓ વિચારવા માંડ્યો પણ  આટલા મનોમંથન પછી પરિણામ તો  s.s.c માં આવ્યું હતું એવું સાવ નબળું આવ્યું.ઘણીવાર તમારા નસીબે અથવા લખણે પગમાં તમે (ડોક્ટરની મદદથી )સળિયા કે પ્લેટ નાખી શકો. અહી વ્યાકરણને થોડો મૂઢ મારી ‘નાખી શકાઈ ‘શબ્દ સાથે બાંધી શકાઈ, ચોપડી શકાઈ ,ઘસી શકાઈ વગેરે જેવા શબ્દો ચલાવી લઈએ તો વધુમાં વધુ આપણી સમક્ષ નખ પોલીશ ,વેસેલીન ,બ્યુટી ક્રીમ (અહી આઈસ્ક્રીમ  સિવાયની મોટાભાગની ક્રીમ સમજી લેવી -‘ ફટી એડીયા વાળી ,  વાળ દુર કરવાની ,ગુમડા -ઘા મટાડવાની ,ખંજવાળ દુર કરવાની વગેરે જેવી ક્રીમો ) ખાસ કિસ્સાઓમાં હળદર ,પાઉડર,મલમ જેવી વસ્તુઓ યાદ આવે ,આથી આગળ મને કશું યાદ આવતું નથી ,આથી વધારે વિચારવું કે યાદ કરવું મતલબ જૂનાગઢમાં સારા અને ખાડાવિહીન રસ્તાઓ શોધવા કે ભાવનગરમાં અ-કવિ શોધવા જેવી વાત થઇ કહેવાઈ (અહી જુનાગઢ અને ભાવનગર વચ્ચે સંબંધ છે. રસ્તાઓનો ઉપયોગ ચાલવા માટે (પગથી ) થાઈ  છે, અને મોટાભાગના કવિ પગપાળા ચાલતા હોય છે.) આગળના વાક્યમાં ભાવનગરના વખાણ કર્યા નથી હો !

હવે ઉપરના પ્રશ્ન ને જરા ઉલટાવી જોઈએ ,મતલબ કે ‘પગમાં શું નાખી શકાઈ ‘ ની જગ્યાએ ‘પગ ક્યાં નાખી શકાઈ ?’ આ પ્રશ્ન ના જવાબ બાબત આપણે થોડા સાધનસંપન ખરા, સૌથી પહેલા ચંપલ બુટ-મોઝા દોડીને આપણી પાસે આવે. વિશ્વનો લગભગ દરેક વ્યક્તિ પોતપોતાના બુટ-ચંપલ માં પગ નાખતો હોય છે. (ઘણા લોકો બીજાના બુટ ચંપલ પણ ટ્રાઇ કરી લે છે.) વનનિવાસીઓ પણ આ મામલે પ્રગતિ કરી રહ્યા છે. બીજા નંબરે કપડા આવે .ઘણા વળી ‘કુંડાળામાં ‘ પગ નાખી સમાજ કલ્યાણમાં પોતાનો યથાશક્તિ ફાળો આપે છે. કવિઓ ,લેખકો વગેરે જેવા માણસો એકબીજાના ‘પેંગડામાં ‘ પગ નાખતા હોય છે. ટુંકમાં કહીએતો ગ્રીન લાઈટ એરિયા થી લઈને રેડ લાઈટ એરિયા સુધી માણસો પોતાના પગ નો ઉપયોગ કરે છે.

—————————————————

પેલા જમૈકા ના દોડવીર જેને વિશ્વના સૌથી ઝડપી પુરુષનું બિરુદ મળ્યું છે તે ‘યુસાન બોલ્ટ’,  તેણે દોડની સ્પર્ધામાં નવો કીર્તિમાન સ્થાપ્યો ત્યારે તેણે પોતાના ‘ગોલ્ડન બુટ ‘ હાથમાં ઉચકીને બુટ તરફ આંગણી ચીંધી ,લોકો સમક્ષ અભિવાદન ઝીલ્યું હતું . હું અંગત રીતે આ ક્ષણે ખુબ નિરાશ થયો હતો , એ નાદાન ભાઈ ને ખબર નથી કે તેણે  જે કીર્તિમાન સ્થાપ્યો છે તે આ બુટ ને કારણે નહિ પણ પોતાના પગને કારણે છે, તેની સફળતામાં પગનો સિંહફાળો નહિ પણ પુરેપુરો ફાળો છે. હકીકતે તો યુસાન બોલ્ટે પોતાના હાથે તેના બંને પગ ઉચકી ,લોકોને  તે બતાવી સફળતાનો  યશ પગને આપવો ઘટે , આમ કરવું અનુકુળ ન આવે તો પોતાના પગ તરફ આંગળી ચીંધી પોતાના પગને યોગ્ય મહત્વ આપવું જોયતું હતું. પણ એ અણસમજુ માણસે બધો યશ પેલા નિર્જીવ બુટ ને આપી દીધો. મને બરાબર યાદ નથી પણ ઓસ્ટ્રેલિયાના સ્પીન બોલર શેન વોર્ને પોતાના હાથની આંગળીઓ માટે કરોડો નો વીમો કરાવેલો ,આ ભાઈ ને કોણ  કહે કે ‘ભાઈ તારા પગ  સાબુત છે તેથી તું બોલિંગ કરી શકે છો, પગ વગર બોલિંગ કરી બતાવ જો.’

હું સ્પષ્ટપણે માનું છું કે જે સ્થાન પ્રાણીઓમાં ગધેડાનું છે તે જ સ્થાન માનવ શરીરમાં પગનું છે . પગનું હમેશા શોષણ જ થતું આવ્યું છે. પગ આદિકાળથી પછાત જ રહ્યા છે. પગની વાત જયારે આવે છે ત્યારે મને પેલી હરણની વાર્તા યાદ આવે છે, હરણને પોતાના શીંગડા ખુબ ગમતા ,પાણીમાં પોતાના શીંગડા જોઈને તે ખુબ હરખાતું .પણ તેને પોતાના પગ લગીરે ગમતા નહિ ,તે પોતાના પગ જોઈ દુઃખી થઇ જતું. પણ એક વખત શિકારી વરુથી બચવા જંગલમાં તે દોટ મુકે છે. એક કાંટાળા વૃક્ષ માં હરણના સુંદર શીંગડા ફસાઈ જાય છે. ત્યારે હરણને જ્ઞાન થાઇ છે કે જે શીંગડા તેને ખુબજ ગમતા હતા તેજ તેના મોતનું કારણ બન્યા ,અને તેને ન ગમતા પગે તેનો જીવ બચાવવા અનહદ મહેનત કરી. બિચારા પગ આખા શરીર નો ભાર ઉપાડે છે તથા દરેક જીવને પોતાની મંઝીલે પહોચાડે છે છતાં પગની ક્યારેય કદર થતી નથી .પગમાં વિવીધ પ્રકારો જેવા કે હાથી પગ ,પાતળા પગ ,લાંબા પગ ,ટુંકા પગ વગેરે જોવા મળે છે  છતાં કોણ જાણે કેમ લોકોને પગ ગમતા નથી .સરીસૃપોને પગ નથી હોતા યાદ કરી જુઓ તેની હાલત કેવી છે.

મનુષ્ય પોતાના ચહેરાની કેટલી સારસંભાળ રાખે છે ! ફેસ ક્રીમ ,લાલી ,ફ્રેસ ક્રીમ ,પાઉડર ,આઈબ્રો ,બિંદી , ચંદન ટીલા વગેરે થી લઈને જરૂર પડે તો કાપકૂપ (પ્લાસ્ટિક સર્જરી ) કરતા હોય છે. અને માથા ના સાવ નિર્જીવ વાળ માટે પણ કેટલું બધું !  તેલ,શેમ્પુ, કંડીશનર ,જેલ ,વિવિધ કલરો .ચહેરા પર વિવિધ પ્રકારના ‘ગોગલ્સ ‘ ચડાવવામાં આવે છે. પુરુષો પણ દાઢી -મૂછ બાબત કેટલા સજાગ હોય છે. હવે તો બઝારમાં પુરુષો માટે સાબુથી માંડીને વિવિધ પ્રકારની ક્રીમનો રાફડો ફાટ્યો છે. આ બધું ચહેરા ની સુંદરતા માટે , ગળાની સુંદરતા માટે પણ વિવિધ પ્રકારના હાર  , ચેઈન , પેન્ડલ વગેરે.  હાથોને ખુશ રાખવા પણ વિટીઓ ,લકી, બ્રેસલેટ ,ઘડિયાળ કેટલું બધું !  ટુંકમાં શરીરના ધડ ઉપરના દરેક અંગો માટે મનુષ્ય કઈ ને કઈ કરે છે.

સામા પક્ષે પગ માટે મનુષ્ય શું કરે છે ?  બહુ બહુ તો પગ માટે બુટ કે ચંપલ ખરીદે લે ,પણ બુટ ચંપલની સામાજિક કીમત કેટલી ? બુટ ચંપલ ગમે તેટલા મોંધા હોય તો પણ તેને માથા પર રાખી શકાતા નથી, વળી તે ચોરાઈ જાય તો પણ આપણે પોલીસ ફરિયાદ કરતા નથી , અરે ! બુટ ચંપલને ઘરમાં સુદ્ધા દાખલ થવા દેવામાં આવતા નથી.  હા, પગની કાળજી લેવા બાબત સ્ત્રીઓ થોડી સક્રિય ખરી ,પણ તેમાં પગને ખુશ કરવા કરતા બીજાને (પુરુષોને ) ખુશ કરવાનો ધ્ધેય વધારે હોય એવું મને લાગે છે.  “આપકે પૈર બહોત ખુબસુરત હૈ ,ઉસે જમીપે મત રખિયેગા ,મૈલે હો જાયેંગે ” આવું કઈક રાજકુમાર સાહેબે કહેલું ,પણ એક પુરુષ બીજા પુરુષના પગ માટે આવું બોલતો નથી. સ્ત્રીઓ પણ બીજી સ્ત્રીઓ ના પગ માટે (સુંદર હોય તો પણ ) આવું બોલતી નથી. જો કે હાલ પરિવર્તન નો પવન ફૂકાતો હોવાથી અને વળી ‘ગે ‘ સમુદાય પણ પોતાના હક હિસ્સા માટે જાગૃત થયો હોવાથી, આગળના વાક્યમાં તમને કઈ સુધારા વધારા ની જરૂર લાગે તો કરી લેવાની છૂટ.

પગ ઉપર સતત અન્યાય થતો આવ્યો છે તેમાં બેમત નથી .મનુષ્ય ગમે તે સ્પર્ધામાં સફળ થાય તેમાં તેના પગનો પુરેપુરો ફાળો નહિ તો છેવટે સિહ ફાળો તો હોય જ છે. છતાય ઇનામ તો ગળાને અને હાથોને જ મળે છે. સવારે ઉઠીને દોડતો દોડતો ઓફિસે પહોચતો કારકુન હોય કે આખો દિવસ મજુરી કરતો મજુર હોય ,પગાર કે મજુરી તો હાથોને જ આપવામાં આવે છે.પગની સતત ઉપેક્ષા કરવામાં આવે છે. માણસોની ઓળખ માટે ચહેરાનો ફોટો , હાથોની  ‘ફિંગર પ્રિન્ટ ‘ નો ઉપયોગ કરવામાં આવે છે, તો શું પગ આપણા શરીરનો હિસ્સો નથી ?  પગનો ઓળખ તરીકે શા માટે ઉપયોગ થતો નથી ?  અરે ! સામાન્ય જન તો ઠીક મારા ભાઈ , ગાંધીજી જેવા મહાત્મા એ પણ પગને અન્યાય કર્યો છે , ગાંધીજી એ પોતાના અનુયાયીઓ સાથે  પગપાળા દાંડી યાત્રા કરી, દાંડીને ઇતિહાસ માં અમર કરી દીધી, આ યાત્રા માં બધાને સમ્માન મળ્યું , દાંડીને ,અનુયાયીઓને અરે નમક સુધ્ધાને સમ્માન મળ્યું, ઉલ્લેખ ન થયો તો એક માત્ર પગનો ,જેના પર ,જેના આધારે આ યાત્રા સફળ થઇ હતી. ઇતિહાસમાં એ પગો ની ક્યાય નોંધ નથી , આથી વિશેસ તો હું શું કહું.

આપણે ત્યાં કહેવત છે ‘ પાડા ના વાંકે પખાલીને ડામ ‘ . આ કહેવત પગને અનુલક્ષીને જ પાડવામાં આવી હોય એમ મને લાગે છે. વ્યક્તિ  આંખોથી અને હાથોથી ન કરવાના કામો કરે છે, તેની સજા રૂપે માર તો  ટાંટીયાને જ ખાવો પડે છે.( મિત્રો ,મુખ અને હાથો માટે કેવા સરસ હુલામણા નામ છે જયારે પગ માટે ‘ટાંટિયા’ જેવું નામ છે.) માણસો જયારે મારામારી કરે છે ત્યારે તેઓનું પહેલું નિશાન તો પગ જ હોય છે વળી ઝગડામાં વ્યક્તિએ મારથી બચવા માટે ભાગવું પડે છે  સામા પક્ષે પેલાને મારવા માટે તેની પાછળ દોડવું પડે છે. આ બંને ક્રિયામાં પગનો ‘ખો ‘ નીકળી જાય છે. બોલવામાં પણ ‘તારા ટાંટિયા ભાંગી નાખીશ ‘ જેવા શબ્દ પ્રયોગ કરી પગનું અપમાન કરવામાં આવે છે. ચાલવા ,દોડવા ઉપરાંત મનુષ્ય ‘લાત મારવાનું ‘ વધારાનું કામ પણ પગ પાસેથી લે છે જેનું પરિણામ પગ માટે સારું આવતું નથી. પ્રેમની પળોજળમાં પણ લેવાદેવા વગરના પગ કુટાઈ જાય છે.  ઘણીવાર હાથોની આળસ ને કારણે બિચારા પગને ચંપલ પણ નશીબ થતા  નથી. કોઈ વ્યક્તિ  આગળ વધી જાય તો તેને પાડવા તેના  હાથ, મોઢું કે કાન નાક નહિ પણ ટાંટિયા જ ખેચવામાં આવે છે, આમાં તેનો શું વાંક ?

ઘણા વ્યક્તિઓ વધારે ધાર્મિક વૃતિ ના હોય છે, એટલે તરત ભગવાનને જણાવી દે કે ‘ હે પ્રભુ મારું પેલું કામ સફળ થશે તો હું ચાલી ને તારે ધામ આવીશ કે ચોટીલા કે ગીરનાર ખુલ્લા પગે ચડીશ.”   હવે આમાં પગને નાવાનીચોવાનોય સંબંધ ન હોય, તોય પગનું તેલ નીકળી જાય. પેલા ચંદ્ર પ્રવાસી નીલ આમ્રસ્ટ્રોંગ, જેણે ચંદ્રની ધરતી પર પ્રથમ પોતાનો પગ મુક્યો હતો, છતાય તેના પગનો ક્યાય ફોટો નથી. બાળક જયારે સૌપ્રથમ પોતાના પગથી ડગમગ ચાલે છે, ત્યારે માતાપિતા ખુશીથી બાળક નો ચહેરો જ ચૂમે છે પગ ને નહિ.  અપરાધીઓ મોટાભાગના ગુનાઓ પોતાના હાથોથી કરે છે, છતાંય લેવાદેવા વગરની બેડી પગનેય પહેરવી પડે છે. પોલીસવાળા પણ પગને વધારે પસંદ કરે છે ,એવું સાંભળ્યું છે.

પગને થતા આવા તો કેટલાય અન્યાયો છે, એ બધા અહી લખી શકાઈ એમ નથી , તમે મંદિર માં જોજો, ભગવાનના ચરણ પાસે માત્ર થોડા ફૂલો અને થોડું ચિલ્લર હશે , બાકી બધી સારી વસ્તુઓ ભગવાને માથા ઉપર ,ગળામાં ,હાથોમાં ધારણ કરી હશે……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.