Posted in મારા રમુજ લેખો

અંખિયો કે કારન …

હાલ  અમારૂ આખું શહેર ઉદાર થઇ ગયું છે , જેમ સ્નેહીઓ પોતાના સ્વજનોને સારી વસ્તુ ,સારા સમાચાર કે શુભેચ્છા આપે તેમ ‘આંખો ઉઠવા’નો  ચેપ એકબીજાને આપી રહ્યા છે . શહેરમાં હાલ આંખો ઉઠવાની તકલીફ પુરજોશમાં ચાલે છે જેમાં આ લખનાર પણ ઝપટે ચડી ગયો.મારા એક ડોક્ટર મિત્ર આ રોગ ને તેમની દાક્તરી ભાષા માં કૈક સારું ( કે ખરાબ ? ) નામ કહે છે પણ મને તો આજ નામ ગમે છે “આંખો ઉઠવી “,કારણ કે ‘ઉઠવું’ એ ખંતીલા લોકો માટે વપરાતું વિશેષણ છે.
ગઈ કાલે હું પુસ્તકમેળામાં ગયો ત્યાં સુધી કઈ વાંધો ન હતો.પુસ્તક મેળામાં હું અલગ અલગ પુસ્તકો પર નજર ફેરવી સારા લાગતા પુસ્તકો ઉપાડી જોવા લાગ્યો ,હવે તકલીફ શરુ થઇ, આંખોમાંથી પાણી નીકળવા માંડ્યું અને ઝાંખું દેખાવા માંડ્યું સાથે થોડો દુખવો પણ ખરો ,મને મનમાં થયું ,હજી તો હું જુવાન વ્યક્તિઓની કેટેગરી માં આવું છુ ત્યાં મારી આંખો નોટીસ આપ્યા વગર જ ગઈ કે ? (માણસોને મોતી  ગમે છે પણ મોતી નું બહુવચન ‘મોતિયો’ ગમતું નથી.) મેં રૂમાલથી આંખો સાફ કરી તો અંખોમાંથી પ્રવાહીઘન પદાર્થ નીકળ્યો, મને હાશ થઇ ,હું સમજી ગયો મારી આંખો ઉઠવાની તૈયારી છે.તેથી હું ગઈકાલે મળેલા લોકો ને યાદ કરવા માંડ્યો સાથે પુસ્તક મેળામાં પણ બધાની આંખો સામે જોવા માંડ્યો અને એ મોરલાને શોધવા લાગ્યો જેને આ કળા કરી હતી.આ રોગ માં એવું હોય છે કે  આપણી આંખો ઉઠી હોય ત્યારે સામેંવાળી વ્યક્તિ સાથે આંખો મિલાવીને વાત કરીએ તો આપણી આ તકલીફ સામે વાળા પાસે જતી રહે છે, અને આપણે આપણી ફરજ પૂરી કર્યાની, સંતોષની લાગણી અનુભવીએ છીએ  પેલી ઓલમ્પિક ની ‘બેટલ રીલે ‘ ની જેમ.તેમાં એક ખેલાડી પેલી મશાલ લઇ ને થોડું અંતર દોડે ત્યાર બાદ તે બીજા ખેલાડી ને ‘બેટલ રીલે ‘ સોપે આમ પેલી મશાલ આગળ વધતી જાય.આંખો ઉઠવાના રોગમાં પણ એમજ થાય છે.(આ વિષય માં બધા લોકો ‘ખેલાડી ‘ જ હોય છે ) તફાવત માત્ર એ હોય છે કે આંખો નો આ ચેપ લેવા કોઈ સામેથી તૈયાર થતું નથી પણ આપણે ચાલાકીથી ,આયોજન કરીને આ તકલીફ સામા વાળા ને પધરાવી દેવાની હોય છે.

હું પુસ્તક મેળામાં મને આ આંખોની ‘બેટલ રીલે ‘ પધરાવી દેનાર વીશે વિચારતો હતો ત્યાજ મારી નજર ,મારી સામે ઉભેલા દેખાવે કવિ જેવા લાગતા એક વડીલ પર પડી ,તેઓની આંખ તો ચોખ્ખી જ હતી પણ મેં જયારે તેઓની સામે જોયું ત્યારે મારા હાથમાં કોઈ નવા કવિ ની બુક હતી અને આંખની તકલીફને કારણે મારી આંખમાં ઝળહળિયા હતા ,પેલા વડીલ ને ગમે તે થયું પણ તેઓ મારી પાસે આવીને કહેવા લાગ્યા (મારી પાસે આવ્યા ત્યાએ તેઓના હાથમાં પણ પેલા નવા કવિનું પુસ્તક હતું )  ‘હું તમારી લાગણી સમજુ છુ ,સાહિત્ય ની આવી અવદશા જોઈ મારું મન પણ કકળી ઉઠે છે પણ શું થાય ,આજે ગમે તે વ્યક્તિ જેને કવિતા ના ‘ક ‘ ની પણ ખબર નથી પડતી તેવા લોકો પણ કવિ  થઇ બેઠા છે, પછી એ વડીલ મારા ખંભે હાથ રાખી મને હોલ ના સામેના ખુણા સુધી દોરી ગયા અને લગભગ પંદર મીનીટ સુધી મને બાન માં લીધો ,હું નિસહાય તેમની સામે માત્ર ‘હા , બરોબર છે ‘ કે ‘ તમારી વાત સાચી ‘ એટલુંજ બોલતો .એ વડીલે આજના ઉભરતા કે ઉભરાઇ જતા કવિઓને આડેપગે લીધા ,ફૂટબોલ માં જેમ બોલને કીક મારવામાં આવે છે તેવીજ રીતે તે વડીલ નવા કવિઓને કીક મારતા રહ્યા મારી હાલત કોઈએ ફોડી નાખી હોય ,તેવી કફોડી થઇ ગઈ. જો કે એ વડીલથી છુટા પડતી વખતે ,ખાલી ગમ્મત ખાતર એ વડીલ ને મેં કહ્યું કે એ ‘કાવ્યસંગ્રહ ‘ મારો છે હવે એ વડીલની આંખમાં ઝળહળિયા હતા …

હું પુસ્તક મેળામાંથી ઘરે આવ્યો , બાપુજી ક્યાંક બહાર ગયા હતા અને મારી નાની પુત્રી સ્કુલ ગઈ હોવાથી ઘરમાં માત્ર શ્રીમતી એકલા જ હતા .મારી આંખો માં સતત પાણી આવ્યા કરતુ હતું અને આંખો પણ લાલ થવા માંડી હતી.આવી  હાલત હોય એટલે આપણે ત્યાં ‘ટેવવાળા ‘માં ગણાઇ જવાની બીક લાગે પણ મારે આંખોમાં નંબર હોવાથી હું ચશ્માં પહેરું છું તેથી રંગીન કાચ વાળા ‘ગોગલ્સ ‘ પેલા ચશ્માં ઉપર પહેરવા ફાવે નહિ. જો પત્ની સામે જોઈને વાત કરીશ તો તેને પણ ચેપ લાગશે એ ડરે હું નીચી મુંડી કરીને બેઠો .પત્ની એ તરત પૂછ્યું ‘શું થયું ? ‘કઈ નહિ બસ અમસ્તો જ ‘ મેં જવાબ વાળ્યો, હું માથું ઊંચું કરીને વાત કરતો ન હતો તેથી  મારા આવા વર્તનથી કે બીજા ગમે તે કારણોસર પત્ની ને હસવું આવી ગયું , પત્નીએ મારી નજીક આવીને પોતાના હાથના  અંગુઠા અને તર્જની વડે મારી દાઢી પકડી મારું મો ઊંચું કરવા પ્રયત્ન કર્યો પણ મેં મો ઊંચું ન કર્યું એટલે પત્નીએ હસતા હસતા કહ્યું  ‘અરે તમે તો આજે નવવધુ ની જેમ શરમાવ છો..શું થયું ?  હું થોડા ગુસ્સા સાથે ,નીચી મુંડી રાખીને બોલ્યો ‘હું નવવાર વધારાની હોય એવી નવવધુ ની જેમ શરમાતો નથી પણ થોડી તકલીફમાં -‘હમારે હોતે હુવે આપ તકલીફ્ મેં ?’ અધવચ્ચે જ પત્ની એ ડાયલોગ ઠોકયો. હું ગભરાયો, કારણકે મારા પત્ની જયારે આમ હિન્દી માં ડાયલોગ બોલે છે ત્યારે મારો મરો થયો છે. ભૂતકાળમાં પણ પત્નીના આવા ઉત્સાહ્ ને કારણે  મારું પાકીટ અને એક બે વાર હું પણ અધમુઓ થઇ ગયેલો છું.મારા શ્રીમતી અત્યારે આવા જ ઉત્સાહ માં હતા વળી બાપુજી પણ બહાર હોવાથી પત્નીને મોકળું મેદાન હતું પત્નીએ ફરી એક વાર મારું માથું ઉચું કરવા પ્રયત્ન કર્યો જે નાકામ થતા પત્ની કહ્યું  ‘સાચું બોલો ક્યાં રાસલીલા કરી આવ્યા ? કોણ છે એ નવરી ?  . ‘આ શું નવું માંડ્યું ? મેં કંટાળી ને કહ્યું .”જુઓ કોઈ વ્યક્તિ જયારે કોઈ ખોટું કામ કરે ત્યાર એ નજર મિલાવીને વાત કરી શકતા નથી તેથી મને લાગે છે કે તમે પણ ….પત્ની એ મમરો મુક્યો .  ‘આ લે ,જો’  આખરે મેં કંટાળીને મારી લાલ આંખ પત્ની ને બતાવી. પત્ની પરિસ્થિતિ પામી ગયા પણ મારી લાલ આંખ જોઈ તેમને પાછી મજાક સુજી, “અરે આ શું તમે ,તમે દારૂ પીધો ! નશીલા પદાર્થ !,(એક હાથનો પંજો કપાળે ઉંધો રાખી અને બીજો હાથ કમર પાછળ રાખી ) હે ભગવાન ! મારું શું થશે”.

“વવદીકરા શું કીધું , દારૂ ! આ નપાવટે …” બાપુજી ઘરમાં આવતા હતા ત્યારે મારા પત્નીનો ઉપર મુજબનો ડાયલોગ સાંભળી ગયા,બાપુજી આમ તો પ્રેમાળ પણ જૂની રૂઢિના માણસ,એક વાર બોલવાનું ચાલુ કરે એટલે સામેવાળાનું કઈ સાંભળે નહિ .બાપુજી ગુસ્સામાં ચાર પાંચ કલર ના થઇ ને દોડવાની ઝડપે મારી પાસે ચાલી આવ્યા , હવે હું ગભરાયો હે ભગવાન ! મારું શું થશે ,પત્નીનું એક્ટિંગનું ભૂત ઉતરી ગયું , તે પોતાના અભિનયનું પરિણામ જાણવા શાંતિથી રૂમના એક ખૂણામાં ઉભા રહી ગયા, મારે ભાગે કશું કરવાનું હતું જ નહિ હા, હું બેઠો હતો ત્યાંથી ત્વરિત ઉભો થઇ ગયો ,રૂમ માં આમતેમ નજર દોડાવી પણ ભાગી શકાઈ આવું કશું દેખાયું નહિ તેથી નાછૂટકે રૂમમાં ઉભા રહેવું પડ્યું . ‘અલ્યા તે દારૂ પીધો ! નપાવટ તને કઈ વિચાર ન આવ્યો ?, હું બોલ્યો ‘પણ બાપુજી મારી વાત’ – પણ બાપુજી અધવચ્ચેથી જ ‘ચુપ મર ,તું ચુપ મર  ,મારે એક આ જોવાનું રહી ગયું હતું, (હું હજી માથું નીચું રાખીને બેઠો હતો તેથી પિતાજી ને શંકા સાચી લાગી ) “બોલ ક્યાં પીધો ને કોની હારે પીધો જલ્દી કે મને” પિતાજી મોટે થી તાડુક્યા. હું ઉભો હતો ત્યાંથી પાછો બેસી ગયો ,પછીની દસ મીનીટ સુધી બાપુજી ના મુખમાંથી શબ્દ રૂપી ધાણી ફૂટતી રહી ,મારા મુખે થી પેલું અધૂરું વાક્ય ‘પણ બાપુજી મારી વાત’ નીકળે ત્યાં તો બાપુજી બીજી બેચાર ઠપકારી દે.

આખરે હવે જો હું વધારે સાંભળીશ તો ગાંડો થઇ જઈશ એવો ભય લાગતા થોડા મોટા અવાજે  બાપુજી સામે બોલ્યો ,’મેં દારૂ બારું પીધો નથી આ તો મારી આંખો ઉઠી છે તેથી મારી આંખો લાલ છે ‘આટલું કહી મેં મારી લાલ આંખ પિતાજી ને બતાવી ,ચેપ લાગવાના ડરથી પિતાજી એ તરત નજર ફેરવી રૂમ ની બહાર જતા જતા કહ્યું , “સારું સારું ,પહેલા કહેવું જોઈને ,ભઈલા”.હું બીજું કશું બોલું તે પહેલા તેઓ બહાર નીકળી ગયા.મેં પત્ની તરફ જોયું તો તે પોતાનું હાસ્ય માંડ દબાવી ઉભી હતી, હું તેના તરફ ઘસ્યો ,તે ખડખડાટ  હસતી ,દોડી રૂમની બહાર નીકળી ગઈ…

રાતે મને આંખમાં સારું હતું,પાણી નીકળવું પણ બંધ થઇ ગયું હતું .પણ મારી પત્ની આંખો ચોળતી હતી ,તેની આંખો નો રંગ પણ લાલ થઇ રહ્યો હતો ,હું મનોમન હસતો પેલા ડાયલોગ યાદ કરવા માંડ્યો.

One thought on “અંખિયો કે કારન …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.