શબ્દોનું તોરણ

વ્હીસલ બ્લોઅર

વ્હિસલ બ્લોઅર

 

સવારે સાત વાગ્યામાં જ ડોરબેલના અવાજથી મારો નિંદ્રાભંગ થયો. ‘અત્યારે કોણ હશે ?’ એ જાણવાની ઈચ્છા થઇ છતાં પથારીમાંથી ઊભા થવાની આળસ  થઈ.

‘આવોને દિલુકાકા’ મારી પત્ની સેજલે દરવાજો ખોલીને આવકારો આપ્યો.

‘દિલુકાકા’ નામ સાંભળતા જ મારી ઊંઘ ઊડી ગઈ, પણ બીજી જ ક્ષણે મારી આંખો બંધ કરી, પગથી માથા સુધી રજાઈ ઓઢી લઈને મેં નિંદ્રામાં હોવાનો ઢોંગ કર્યો, અને બીજા રૂમમાં સૂતા સૂતા જ તે બંનેનો સંવાદ સાંભળવા માટે કાન એકાગ્ર કર્યા.

‘મનીષ ઉઠી ગયો ?’

‘એ તો હજુ સૂતા છે, કંઈ કામ હતું ? જગાડું ?’ સેજલે કહ્યું, મને સેજલ ઉપર રીસ ચડી.

‘ના, ના, એવું કંઈ ખાસ કામ નથી, આતો હું ચાલવા નીકળ્યો હતો એટલે મને થયું કે કદાચ મનીષ ઊઠી ગયો હશે, સારુ ચાલો હું જવ’

‘બેસોને, ચા બનાવું’ સેજલે વિવેક કર્યો.

‘ના બેટા, અત્યારે હું જવ, સાંજે પાછો આવીશ’ દરવાજો બંધ થવાના અવાજથી મને હાશ થઇ, સેજલ રૂમમાં આવી, મને રજાઈ ઓઢેલો જોઈને એ મારું નાટક પામી ગઈ, હસતા-હસતા જ એણે કહ્યું ‘એ તો ગયા,  ઉઠો હવે’ મેં રજાઈમાંથી મારુ માથું બહાર કાઢ્યું. Read the rest of this entry »

Advertisements

સ્વપ્ન

અચાનક અમર ગાઢ ઊંઘમાંથી એક જ ઝાટકે હાંફળોફાંફળો ઉઠી ગયો, તેની આંખો ભયથી પહોળી થઇ ગઈ, ધડકનો ધમણની માફક ઉલાળા મારવા માંડી, નખશિખ તમામ સ્નાયુઓ તંગ થઇ ગયા, પણ…

પણ…બીજી જ ક્ષણે તેને ખ્યાલ આવ્યો આ તો સ્વપ્ન હતું !, સ્વપ્ન !, અમરે હાથ વડે કપાળ પરનો પ્રસ્વેદ લૂંછીને રાહતનો શ્વાસ લીધો. તે મનોમન હસી પડ્યો  “મારું બેટું સ્વપ્ન પણ કેવું ડરાવી દયે છે !” તેણે ઘડિયાળમાં જોયું, વહેલી સવારના ત્રણને વીસ મિનીટ, પછી બાજુમાં ગાઢ નિંદ્રામાં પોઢેલા પોતાના પરિવાર તરફ જોયું, સુંદર પત્ની નેહા, સાત વર્ષની જહાનવી અને પાંચ વર્ષનો આયુષ. ફરીવાર તેના મનમાં પેલું સ્વપ્ન ઝબકી ઉઠ્યું, “એ સ્વપ્ન સાચું પડે તો ?, એ કાળમુખો ટ્રક, હતું ન હતું થઇ ગયેલું પોતાનું બાઈક, લોહીના ખાબોચિયામાં સ્થિર પડેલો પોતાનો દેહ” અમરે પ્રયત્નપૂર્વક પોતાનું માથું ધૂણાવીને એ વિચારોને ખંખેરી નાખ્યા “ના, એ શક્ય નથી, આ તો માત્ર સ્વપ્ન હતું, મારે હજુ લાંબુ જીવવાનું છે….જીવવું પડશે…. પત્ની માટે….બાળકો માટે….મારા સિવાય એમનો બીજો કોઈ આધાર પણ….

“મને કશું નથી થવાનું” પોતાના વ્યાકુળ થઇ ઉઠેલા મનને શાંત પાડવા અમર સ્વગત ગણગણતો પથારીમાંથી ઉભો થયો. ટેબલ ઉપર પડેલા સિગારેટના પેકેટમાંથી એક સિગાર ખેંચીને હોઠો વચ્ચે ચોંટાડી, માચીસની અગ્નિથી પ્રગટેલ ક્ષણભંગુર રોશનીથી ઓરડો ઝળહળી ઉઠ્યો. અમરે એક ઊંડો કસ ખેંચ્યો, થોડી ક્ષણો એ કસને ફેફસામાં રાખીને ધૂમ્રશેરો રૂપે મો અને નાસિકા વાટે બહાર ફેંક્યો. બહાર ફેંકાયેલી એ ધૂમ્રશેરો ગોળાકારે ઓરડાની હવામાં ભળી ગઈ, એ ધૂમ્રશેરોનો આકાર ગોળ હતો, ગોળ, જાણે ટ્રકના વ્હીલ…..

વેરી

“હઈઈળ…..તારી જાતનું કૂતરું મારું” એભાએ આંગણામાં પેસેલા કૂતરા પર ખીજથી પથ્થરનો ઘા કરતા કહ્યું. સામેથી આવતા પથ્થરથી બચવા પોતાના શરીરને આડુંઅવળું કરીને કૂતરું ઉ ઉ ઉ કરતુ દૂર નાશી ગયું. “હં.. હં….એલા, મૂંગું જનાવર છે, ઇણે તારું હું બગાળ્યું સે ?” રસ્તા પરથી પસાર થતા પરભુકાકાએ ટકોર કરી, કૂતરું પોતાનો જીવ બચાવવા પરભુકાકાના પગ વચ્ચેથી નાઠું હતું. ચહેરા પર તંગ રેખાઓ સાથે એભો ત્યાને ત્યાં જ મૂંગો ઉભો રહ્યો. એનો ચહેરો ક્રોધાવેશ લાલ થઇ ગયો હતો, હંમેશા પોતાને હસીને આવકારો આપતા એભાના આજે હાલહવાલ જોઈને પરભુકાકાએ ચાલતી પકડી. ધૂંધવાયેલો એભો પાછો પોતાની ઓસરીમાં આવીને ખાટલાની કોરે બેઠો, “ઇણે મારું હું બગાળ્યું સે ?” એભાના દિલોદિમાગમાં આ વાત ઘૂમરાતી હતી, અને એના હૃદયમાં ઘૂંટાતો જવાબ બહાર આવતો  “ઇણે  ભલે મારું કંઈ બગાળ્યું નય પણ એની જાઈતે તો…” એભાની આંખો વહી ગયેલા સમયને પકડવા મથામણ કરવા લાગી.

એ…ઈ…ને હાઈક્લાસ નોકરી હતી શેરમાં, આખો દિ હાથમાં લાકળી લયને આટાફેરા કરવાના કારખાનામાં, બીજી કંઈ મગજમારી નય. એક ઓઇળી મળી‘તી રેવા હારું, કારાની માં પણ કચરાપોતા કરીને થોળા પૈસા  કમાય લેતી. કારાને’ય શેરની નિહાળમાં ભણવા મેલ્યો’તો, કારો નિહાળના ડરેશમાં કેવો વાલો લાગતો !  જાણે પૈસાવાળાનો છોકરો નાં હોય ! જલસા હતા, પણ નહીબને આ ગરીબ માં’ણાની અદેખાય થય ને ઈ કારખાનાનો શેઠ એક દિ ઈંગ્લીસ કૂતરું લય આયો. કૂતરુંય ખરેખરનું, રાભળા જેવું. માં’ણા જોય ને જ થથરી જાય. મારું બેટું કોયને કારખાનામાં પેસવા દેતું નય. શેઠ ઇને લાડ લડાવતો, શેઠને ઈ વાલો જ લાગે ને ! ન પગાર માગે કે ન ખાવાનું, આખો દિ મફતમાં હડીયાપાટી કરે રાખે. ઈ મારા બેટાને ક્યાં બાયળી છોકરાની મગજમારી હતી તે પગાર માગે ! ઈ મફતનો ચોકીદાર આયો પસે તો શેઠને મારી જરૂર’ય હું હોય !. ને એક દિ શેઠે’ય મને કય દીધું……

એભાના ચહેરા પર ગુસ્સાની જગ્યા દીનતાએ લીધી “મારું હાળું મારું તો કાય નહીબ સે ! મનેખને મનેખ નળે, પણ મને તો કૂતરું….

પપ્પા

“પપ્પા ક્યારે આવશે ?“ ચાર પાંચ વર્ષનો વિરાટ તેની મમ્મીને ભોળાભાવે પૂછી લેતો. પણ સામેથી કશો જવાબ મળતો નહિ, વિરાટનો આ પ્રશ્ન તેની મમ્મીના ચાંદલા, સિંદૂર વગરના ચહેરામાં કાન વાટે થઈને સીધો હદયમાં ભોંકાતો અને ઝળઝળિયાં રૂપે આંખો વાટે બહાર આવતો. પછી ઘેરો નિસાસો અને થોડા ડૂચકા.

પણ એક દિવસ વિરાટને તેના નાના એ કહ્યું હતું “આજે તારા પપ્પા આવવાના છે” આ સાંભળીને નાનકડો વિરાટ ગેલમાં આવી ગયો હતો. તે દિવસે વિરાટ નાના મોટા સહુને અપાર ખુશીથી કહેતો હતો “આજે મારા પપ્પા આવવાના છે”. Read the rest of this entry »

રમત

બે ત્રણ ટાબરિયા શેરીમાં રમતા હતા. બેટ ન હતું તેથી માત્ર દડીથી રમતા હતા. કંકુમાં ઘરના ઓટલે બેઠા હતા, અવસ્થા થઇ હતી તેથી સ્પષ્ટ દેખાતું ન હતું, પોતાની ઘરડી આંખોને ઝીણી કરીને ચશ્માં વડે છોકરાઓને રમતા જોઈ રહ્યા. એ છોકરાઓ થોડે થોડે અંતરે ગોળાકારે ઉભા રહીને દડીનો એકબીજા તરફ ઘા કરતા, એક છોકરો દડીનો કેચ કરીને બીજા છોકરા તરફ ફેંકતો, બીજો ત્રીજા તરફ, આમ દડી એકબીજા તરફ ફેંકાતી રહેતી.
કંકુમાની ઝાંખી નજર એ દડી પર સ્થિર થઇ, અચાનક એ ઘરડી આંખોમાં ઝળઝળિયાં આવી ગયા, કંકુમાંને એ નાના છોકરાઓમાં પોતાના ત્રણેય પુત્રોનો આભાસ થયો, અને તેઓ પોતે જાણે દડી હતા !.

રાહ

“ચાલ” મનીષ નીરવની બાઈક પાછળ ઉતાવળે બેસતા બોલ્યો, આજ મોડું થઇ ગયું હતું, બાજુના ગામની શાળામાં નોકરી કરતો તેનો મિત્ર નીરવ ચોકમાં જ મળી ગયો, નીરવે બાઈક દોડાવી.
મનીષ કાંડાઘડિયાળ જોઈને બોલ્યો “કેમ ચલાવે છો ? ભગાવ ને યાર !” જો કે મનીષની આ વાતની કશી અસર નીરવ પર થઇ નહિ, એણે એ જ સ્પીડે બાઈક ચલાવે રાખી. પણ મનીષ ઉતાવળમાં હતો, થોડી મિનિટ પછી પાછું મનીષે કહ્યું “ઝડપ કર ને યાર !” નીરવને મનીષની આ ઉતાવળ ગમી નહિ, એણે અણગમા સાથે મનીષને સુણાવી દીધું ”ભાઈ, મારે એક પરિવાર છે, પ્રેમ કરતી પત્ની, ત્રણ વર્ષની દીકરી અને માતાપિતા, દરરોજ સાંજે તેઓ ભૂખ્યા પેટે મારી રાહ જોતા હોય છે”.
નીરવનો કટાક્ષ સાંભળીને મનીષ ક્ષોભીલો પડી ગયો, ગળા સુધી આવી ગયેલા શબ્દોને ધરાર દબાવીને એ મૂંગો બેસી રહ્યો. થોડી વારે જ મનીષની ‘સાઈટ’ આવી ગઈ, ‘થેન્ક્યુ’ કહી મનીષ બાઈક પરથી ઉતર્યો, જવાબમાં નીરવે એક અણગમતી નજર મનીષ પર ફેકીને બાઈક દોડાવી મૂક્યું.
મનીષ ફટાફટ નવનિર્મિત ઈમારતની અગાસી પર ચડી ગયો જ્યાં તેના બે સાથીઓ રાહ જોઈને બેઠા હતા. “મોડું થઇ ગયું યાર !” કહેતા જ એ શર્ટ બદલવા લાગ્યો.
મનીષ રંગારો હતો, દસ માળની ઈમારતના બાહ્યભાગનું કલરકામ ચાલતું હતું. લાકડાના એક પાટિયાને રસ્સા વડે બાંધીને ઝૂલો બનાવ્યો હતો, આ ઝૂલા ઉપર બેસીને મનીષ ઈમારતની બહારની દીવાલોની ઉંચાઇએ લટકીને કલર કરતો. રસ્સાનો બીજો છેડો તેના સાથીઓ પકડી રાખતા.
મનીષના સાથીઓ ઝૂલો તૈયાર કરતા હતા, મનીષ અગાસીની પાળી પાસે ઉભો હતો અનાયાસે તેની નજર નીચે ગઈ, આટલી ઉચાઈએથી ઈમારતની નજીકથી પસાર થતો રસ્તો એકદમ નાનો લાગતો હતો. મનીષે રસ્સા તરફ જોયું, પોતાની અને મોતની વચ્ચે આ રસ્સો હતો.! મનીષને નીરવના શબ્દો યાદ આવી ગયા. “મારે એક પરિવાર છે….. દરરોજ સાંજે તેઓ ભૂખ્યા પેટે મારી રાહ જોતા હોય છે”. મનીષના ચહેરા પર એક ફિક્કું હાસ્ય આવી ગયું, તેનું હૃદય બોલી ઉઠ્યું “પરિવાર તો મારે પણ છે, પ્રેમ કરતી પત્ની, નાનો પુત્ર, અને વૃદ્ધ માતાપિતા, તેઓ પણ સાંજે મારી રાહ જોતા હોય છે, ફર્ક માત્ર એટલો છે નીરવ કે તું કોઈ જોખમી કાર્ય કરતો નથી કારણ કે તેઓ ભૂખ્યા પેટે તારી રાહ જોતા હોય છે, અને હું અહીં મોત સાથે બાથ ભીડું છું કારણ કે તેઓ ભૂખ્યા પેટે ના રહી જાય…

ઘા

ક, ખ, ગ, ઘ, ચ, ટ, ઠ, ડ, ઢ પછી એ થોડી ક્ષણો અટકી અને પાછી બોલવા લાગી ત, થ, ધ, ન, ણ… મારા પર નજર પડતા જ એ અટકી ગઈ, આજુબાજુ કોઈ ન હોવાથી મારે નાં છૂટકે ઘરને ઓટલે બેસેલી એ નાનકડી છોકરીને પૂછવું પડ્યું “લીલાભાઈ ક્યાં રહે છે ?”. જવાબમાં મને સામે પ્રશ્ન થયો “લીલા…ભાઈ…કેવા છે ?” પણ એ પ્રશ્ન મારા સુધી પહોચતા જ જાણે તીર બની ગયો અને મારા સીનાની પાર નીકળી ગયો. હું દિગ્મૂઢ બની એ છોકરીને જોતો રહી ગયો, મને હૃદયમાં ઊંડો ઘા લાગ્યો હતો.

ટૅગ સમૂહ